લંડનઃ યુકે અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસ કેસીસ ફરી વધી રહ્યા છે તેમજ સંક્રમણદર ૧થી વધ્યો છે તેનાથી ચિંતિત બોરિસ જ્હોન્સન સરકારે ઈંગ્લેન્ડમાં ૬થી વધુ વ્યક્તિના સામાજિક મેળમિલાપ પર નિયંત્રણો જાહેર કર્યા છે. ‘રુલ ઓફ સિક્સ’ શાળા, ઓફિસીસ, જાહેર પરિવહન તેમજ લગ્ન કે ફ્યુનરલ્સ જેવા સમારંભોને લાગુ પડશે નહિ.
• ઈંગ્લેન્ડમાં સોમવારથી ઘરમાં કે બહાર સાત કે તેથી વધુ વ્યક્તિના જૂથમાં મળવું ગેરકાયદે ગણાશે. નિયમભંગ કરનારાને ૧૦૦ પાઉન્ડનો દંડ કરાશે અને વારંવારના ભંગ સાથે દંડ બમણો થઈને ૩,૨૦૦ પાઉન્ડ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, પોલીસ ધરપકડ પણ કરી શકશે. • જોકે, એક ઘરમાં અથવા સપોર્ટ બબલમાં ૬થી વધુ વ્યક્તિ હોય તેને આ નિયમ લાગુ પડશે નહિ. • આ નિયમથી મોટા પારિવારિક મિલન તેમજ પાર્ક્સ અને પબ્સમાં ભીડનો અંત આવી જશે. • શાળાઓ, ઓફિસ, વર્ક પ્લેસીસ અને મર્યાદિત સંખ્યામાં અન્ય સ્થળો પણ આ નિયમમાં અપવાદ રહેશે. • લગ્નો, ફ્યુનરલ્સ, નામકરણવિધિ તેમજ ફૂટબોલ, ક્રિકેટ અને રગ્બી જેવી ટીમ સ્પોર્ટ્સમાં પણ આ નિયમ લાગુ પડશે નહિ પરંતુ કોવિડ સુરક્ષા જાળવવી પડશે. • ટેનિસ અને ગોલ્ફ જેવી વ્યક્તિગત રમતોમાં રુલ ઓફ સિક્સનું પાલન કરવું પડશે • પબ્સ અને રેસ્ટોરાંમાં એક જ સ્થળે છ વ્યક્તિથી વધુ લોકો એક સાથે બેસી શકશે નહિ. તેમણે ગ્રાહકો પાસેથી કોન્ટેક્ટ ટ્રેસિંગ માહિતી મેળવવાની રહેશે. • સરકાર ૧,૦૦૦ વ્યક્તિની હાજરીની મર્યાદા સાથે થીએટર્સ અને સ્પોર્ટ્સ ઈવેન્ટને મંજૂરી આપવા મુદ્દે પણ સુધારા અને સમીક્ષાનું વિચારી રહી છે. • બાર્બેક્યુઝ, બર્થડે પાર્ટી સહિતના મેળાવડામાં પણ આ નિયમ લાગુ થશે. • સામૂહિક નાચગાન પાર્ટી કરી નહિ શકાય. • ચર્ચ, સિનેગોગ્સ અને મસ્જિદ જેવા ધર્મસ્થાનકો ખુલ્લાં રહેશે પરંતુ, લોકોએ ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવવું પડશે. • બસ અથવા ટ્રેઈન જેવા જાહેર પરિવહનમાં એક જ સ્થળે અજાણ્યા લોકોના એકત્ર થવાને આ નિયમ લાગુ પડશે નહિ. જોકે, ફેસ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. • બોલ્ટનમાં સૌથી વધુ કેસીસ જોવા મળ્યા છે ત્યાં બાર અને રેસ્ટોરાં માત્ર ટેકઅવેની સર્વિસ આપશે અને રાત્રે ૧૦ કલાકથી બંધ કરી દેવા આદેશ કરાયો છે.

