લંડનઃ બ્રિટનમાં મંગળવારથી કોરોનાની રસી મુકવાનુ અભિયાન શરુ થઈ ગયું છે. જોકે, એ પહેલા હોસ્પિટલ સુધી વેક્સિન પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીઓએ સરકારને રિપોર્ટ આપ્યો છે કે, ગુનેગારોની ગેંગ વેક્સિન સુધી પહોંચી શકે છે. આ રિપોર્ટના કારણે સરકારની ઉંઘ ઉડી ગઈ છે અને વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે.
બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે બ્રિટનમાં કોરોના વેક્સિનને ‘લિકવિડ ગોલ્ડ’ તરીકે ઓળખવામાં આવી રહી છે અને વેક્સિનની ડિલિવરી કરનારા ટ્રકને જીપીએસ સિસ્ટમ, લોકિંગ સિસ્ટમ , એલાર્મ વગેરે હાઈટેક ઉપકરણોથી સજ્જ કરાઈ રહ્યા છે. બ્રિટનમાં વેક્સિન સપ્લાય પર નજર રાખવા માટે સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન બનાવાયુ છે. ફાઈઝર કંપનીએ બ્રિટનને વેક્સિનની ડિલિવરી કરી છે. રસીકરણ કાર્યક્રમ માટે બ્રિટિશ આર્મીના ૧૪,૦૦૦ સૈનિકોને તૈયાર રાખવામાં આવ્યા છે જેથી, કોઈ પણ સમયે તેમને સુરક્ષાની જવાબદારી સોંપી શકાય.
આ પહેલા ઈન્ટરપોલે પણ જણાવ્યું છે કે, મર્યાદિત સપ્લાય અને ભારે માગના કારણે વેક્સિનનુ મહત્ત્વ અપરાધીઓની નજરમાં પણ વધી ગયુ છે. અપરાધીઓ વેક્સિન ભરેલી ટ્રક હાઈજેક કરીને તેના બદલામાં સરકાર પાસે પૈસા માંગી શકે છે.