‘વેલ્સને પ્રિન્સની જરૂર નથી’ના પોસ્ટર્સ લાગતા ફેલાયેલો રોષ

Wednesday 22nd September 2021 06:54 EDT
 
 

લંડનઃ ‘વેલ્સને પ્રિન્સની જરૂર નથી -'Wales doesn't need a prince!’ તેમ જણાવતા રાજાશાહી વિરોધી બિલબોર્ડ્સ કાર્ડિફ, સ્વાનસી અને આબેરડારમાં જોવા મળતા ભારે રોષ ફેલાયો છે. યુકેમાં રાજાશાહીનો અંત ઈચ્છતાં રિપબ્લિક ગ્રૂપ દ્વારા આ પ્રકારના જાહેરાતના બોર્ડ્સ યુકેમાં અનેક સ્થળોએ મૂકવામાં આવ્યાં છે. આવાં બોર્ડ્સ પછી ફંડરેઈઝિંગ પેજ પણ લોન્ચ કરાયું છે જેમાં ૨૫,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે. જોકે, વેલ્સ કન્ઝર્વેટિવ સત્તાવાળાઓએ આ પોસ્ટર્સની આકરી ટીકા કરી છે.

પ્રિન્સ ઓફ વેલ્સ, ચાર્લ્સના ચિત્ર સાથેના પોસ્ટર્સ કાર્ડિફ, સ્વાનસી અને આબેરડારમાં લગાવાયાં હતાં. લીલાં બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરોમાં ઈંગ્લિશ અને વેલ્શ ભાષામાં ‘Wales doesn't need a prince!’ લખાણ ધરાવતાં પોસ્ટર્સ ક્વીનના મૃત્યુ પછી યુકેમાં રાજાશાહી સિસ્ટમનો અંત લાવવા માગતા રાજાશાહીવિરોધી ‘રિપબ્લિક’ ગ્રૂપ દ્વારા લગાવાયાં હતાં. આ પોસ્ટર્સ ‘એન્ડધમોનાર્કી’ કેમ્પેઈનના ભાગરુપે છે. આ અભિયાન માટે ક્રાઉડફંડિંગ મારફત ૨૫,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે. અગાઉ સમગ્ર યુકેમાં રાજાશાહીવિરોધી પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.

જોકે, વેલ્સ કન્ઝર્વેટિવ લીડર એન્ડ્રયુ આરટી ડેવિસે જણાવ્યું હતું કે આ વર્ષે શરૂઆતમાં કરાયેલા પોલ અનુસાર વેલ્સના ૭૦ ટકા લોકોએ વર્તમાન પ્રિન્સ ઓફ વેલ્સ, ચાર્લ્સ રાજા બને ત્યારે પ્રિન્સ વિલિયમને પ્રિન્સ ઓફ વેલ્સ બનાવાય તેમ ઈચ્છે છે. વેલ્સમાં રાજવી પરિવાર ભારે લોકપ્રિય છે. તેઓની હાજરી યુકેમાં સ્થિરતાની ગેરંટી આપે છે અને તેઓ આ દેશ માટે અદ્ભૂત એમ્બેસેડર્સ છે. આ પોસ્ટર્સ પાછળનું અભિયાન વેલ્સ જાહેર મતનું પ્રતિબિંબ દર્શાવતું નથી.

૧૯૮૩માં સ્થાપિત કેમ્પેઈનિંગ ગ્રૂપે જુલાઈના ઉત્તરાર્ધમાં વિવાદાસ્પદ બિલબોર્ડ્સ મૂકવાની શરૂઆત કરી હતી. ગ્રૂપની વેબસાઈટ પર દલીલ કરાઈ છે કે રોયલ ફેમિલી જેવી વારસાગત જાહેર ઓફિસ દરેક લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ક્વીન બંધારણીય મોનાર્ક છે અને તેમની પાસે અસરકારક લોકશાહી સત્તા નથી. રોયલ ફેમિલીને મતપેટી મારફત જવાબદેહ ગણાવી શકાતા નથી. તેમને પોતાના વિશેષાધિકારો, કે પ્રભાવનો દુરુપયોગ કરતા અટકાવી શકાતા નથી અને તેઓ જાહેર નાણાનો વેડફાટ જ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter