લંડનઃ બ્રિટિશ લેખક શેક્સપિયર ભલે એમ કહી ગયા હોય કે ‘વોટ ઈઝ ઈન નેઈમ?’ ખરેખર તો નામમાં ઘણું બધું છે. નામના કારણે જ સિંગલ મધર ડેબી બેલેન્ડિસની ટેક્સ ક્રેડિટ્સ અચાનક અટકાવી દેવાતા તે મુશ્કેલીમાં આવી પડી છે. HMRC દ્વારા ટેક્સ ક્રેડિટ્સ અટકાવી દેવાયાનું કારણ બેલેન્ડિસ જે દુકાનેથી પોતાનાં બેનિફિટ્સની રકમ મેળવતી હતી તે દુકાનનું નામ છે. ‘માર્ટિન મેકકોલ’ એ ન્યુઝએજન્ટનું ટ્રેડિંગ નેમ છે, પરંતુ HMRCને લાગ્યું હતું કે આ તેના બોયફ્રેન્ડનું નામ છે. હવે બેલેન્ડિસને તે કોઈ સાથે પાર્ટનરશિપના સંબંધોમાં જોડાયેલી નથી તે સાબિત કરવા જણાવાયું છે.
HMRCએ ૪૦ વર્ષીય એકલ માતા ડેબી બેલેન્ડિસને પત્ર લખી જણાવ્યું હતું કે તે હવે નવો પાર્ટનર ધરાવતી હોવાથી તેનાં ૧૩ વર્ષના વિકલાંગ પુત્ર માટે મેળવાતી સાપ્તાહિક ૧૪૦ની ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ બંધ કરવામાં આવે છે. બે બાળકોની માતાને તેને જ જાણ ન હોય તેવા પાર્ટનરની શોધખોળમાં લાગી જવું પડ્યું હતું. ભારે તપાસ બાદ તેને ખબર પડી કે તેના બેંકખાતામાં તેને માર્ટિન મેક્કોલ તરફથી નાણા મળે છે. તેને રેવન્યુ વિભાગ તેના પાર્ટનર તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં તે ન્યૂઝએજન્ટ ચેઈન RS McCollનું ધંધાકીય નામ છે.
બેલેન્ડિસે HMRCને સમજાવવા પ્રયાસ કર્યો કે તે ગ્લાસગોના કેસલમિલ્કમાં સ્થાનિક RS McColl સ્ટોરની પોસ્ટ ઓફિસમાંથી બેનિફિટ્સ મેળવે છે પરંતું અધિકારીઓનું દિલ માનતું નથી. ‘માર્ટિન મેકકોલ’ તેનો નવે લિવ-ઈન બોયફ્રેન્ડ નથી તે પુરવાર ન થાય ત્યાં સુધી સાપ્તાહિક બેનિફિટ્સ નહિ મળે તેમ બેલ્ન્ડિસને કહી દેવાયું છે. કાયદા હેઠળ ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ મેળવતી વ્યક્તિના સંજોગો બદલાય એટલે કે તે નવી રિલેશનશિપ બાંધે કે તોડે, નવા પાર્ટનર સાથે રહેવા જાય, લગ્ન કરે, કાયમી રીતે અલગ થાય કે ડાઈવોર્સ મેળવે તો ૩૦ દિવસમાં તેની જાણ HMRCને કરવાની રહે છે.