લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમ અને ગૂગલ કલ્ચરલ ઈન્સ્ટિટ્યુટ (GCI) દ્વારા સંયુક્તપણે ઓનલાઈન એક્ઝિબિશન ‘સેલિબ્રેટિંગ ગણેશ’નો આરંભ કરાયો છે. બીજી તરફ, નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડની ડરહામ કાઉન્ટીમાં બોવેસ મ્યુઝિયમ દ્વારા બર્નાર્ડ કેસલ ખાતે ૨૧ મેથી ૧૮ સપ્ટેમ્બર સુધી ‘સેલિબ્રેટિંગ ગણેશ’ એક્ઝિબિશન શરૂ કર્યું છે. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલા બુદ્ધિના દેવ અને વિઘ્નહર્તા તરીકે ભગવાન ગણેશની પૂજા થાય છે.
ઓનલાઈન એક્ઝિબિશનની ટેગલાઈનમાં ‘ગણેશ સાથે સંકળાયેલી કલ્પનાઓ અને પ્રતિકાત્મકતા શોધો અને તેમના સંબંધિત અતિ લોકપ્રિય કથાઓ વિશે જાણો’નો સમાવેશ થાય છે. તેમાં બ્રિટિશ મ્યુઝિયમના ગણેશનું શિલ્પ (ઈ.સ.૧૨૦૦), ગણેશનું ચિત્ર (ઈ.સ.૧૬૦૦), ઝુલા પર ગણેશનું ચિત્ર (ઈ.સ.૧૮૦૦, મહારાષ્ટ્ર), શોભા યાત્રામાં ગણેશ ચિત્ર (ઈ.સ.૧૭૮૦-૧૮૨૦, તાંજોર શૈલી), પોતાના વાહન ઉંદર પર ગણેશનું ચિત્ર (ઈ.સ.૧૮૦૦)- અને ‘ મહારાષ્ટ્રમાં ગણેશની મૂર્તિઓની રચના અને પૂજા’ વિશે એક વીડિયો દર્શાવાયા છે. તેમાં ગણેશ શા માટે ઉંદર પર સવારી કરે છે?, ગણેશજીનું હાથીનું મસ્તક અને ગણેશનો તૂટી ગયેલો દાંત વગેરે પાછળની વાતનું વર્ણન કરાયું છે.
હિંદુ રાજકીય નેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે બ્રિટિશ મ્યુઝિયમ અને ગૂગલ કલ્ચરલ ઈન્સ્ટિટ્યુટના સંયુક્ત સાહસની પ્રશંસા કરી હતી અને હિંદુઈઝમ તથા હિંદુ ધર્મગ્રંથોના તત્વજ્ઞાનના સમૃદ્ધ વિચારો અને વિદ્યાને ઉજાગર કરવાના પ્રોજેક્ટ્સ હાથ ધરવા વિશ્વભરના મ્યુઝિયમ અને મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપનીઓને અનુરોધ કર્યો હતો.
લંડનમાં વડું મથક ધરાવતા અને વિશ્વમાં સૌપ્રથમ રાષ્ટ્રીય જાહેર મ્યુઝિયમ ગણાતા બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૭૫૩માં થઈ હતી. તેમાં આદિ માનવના પથ્થરના ઓજારથી માંડી ૨૦મી સદીના ચિત્રો સહિત વિશ્વની સંસ્કૃતિઓનો ઈતિહાસ દર્શાવતા આઠ મિલિયનથી વધુ નમૂનાઓ છે.


