લંડનઃ સાંસદ શૈલેષ વારાએ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને NHS ઈંગ્લેન્ડના ‘સ્ટે વેલ ધીસ વિન્ટર’ અભિયાનને ટેકો આપી આ શિયાળાની ઋતુમાં ફ્લુની રસી-ઈન્જેક્શન લઈ સાજાસમા રહેવા તેમજ શિયાળામાં સાજા કેવી રીતે રહેવાય તે જાણવા લોકોને અનુરોધ કર્યો છે. ‘સ્ટે વેલ ધીસ વિન્ટર’ અભિયાન શિયાળામાં વયોવૃદ્ધ અને લાંબા સમયથી બીમાર લોકોની અસલામતી અંગે જાગૃતિનો પ્રસાર કરવા માગે છે.
વારાએ જણાવ્યું હતું કે,‘શિયાળો આપણા બધા માટે અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પડકારજનક છે. NHS દ્વારા ઘરોમાં ઓછામાં ઓછું ૧૮ ડીગ્રી સેન્ટિગ્રેડ તાપમાન જાળવવા, યોગ્યતા ધરાવતા લોકોએ નિઃશુલ્ક ફ્લુ રસી લેવા તેમજ બીમારીના લક્ષણો દેખાય કે તરત ફાર્માસિસ્ટનો સંપર્ક કરવા સહિતની સાવચેતી માટે સલાહ અપાઈ છે. આપણે વૃદ્ધ સગાંવહાલા તેમજ પડોશીઓનું ધ્યાન રાખીને કોમ્યુનિટી તરીકે એકબીજાની દેખરેખ રાખીએ તે પણ મહત્ત્વનું છે.’
ફ્લુના ઈન્જેક્શન લેવાનું લાંબા સમયથી બીમારી ધરાવતા ૬૫ વર્ષ અને તેથી વધુ વયના પેન્શનરો તેમજ ૨-૭ વયજૂથના બાળકો હોય તેમના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સગર્ભા મહિલાઓ, લાંબા સમયથી રેસિડેન્સિયલ કેર હોમ્સમાં રહેનારા, સારસંભાળ આપવા સાથે સીધા સંકળાયેલા હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સે પણ ફ્લુના ઈન્જેક્શન લેવા હિતાવહ છે.


