લંડનઃ ફેસબુક પર વન્સ-ઈન-એ-લાઈફટાઈમ ડીલ જાહેર થયા પછી લાભકારક સ્કીમની રાહ જોતા સેંકડો ગ્રાહકોએ લિંકનના Netto સુપરમાર્કેટ ડિસ્કાઉન્ટ સ્ટોરને માત્ર ચાર મિનિટમાં ખાલી કરી દીધો હતો. આ સ્ટોર બંધ કરવાનો હોવાથી સ્ટોરના મેનેજમેન્ટે તમામ લોકોને કોઈ પણ ફૂડ આઈટમ વિના મૂલ્યે એટલે કે મફતમાં લઈ જવા ઓફર કરી હતી. બસ, પછી તો લોકો તેનો પૂરેપૂરો લાભ લેવાનું ચૂકે ખરાં?
સ્ટોરની બહાર સવારે ૧૦.૩૦થી લોકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. આમ તો આ સ્ટોર બપોર સુધી ખુલ્લો રહેવાનો હતો. પરંતુ, લોકો હાથમાં ઓવન ચીપ્સ, ફ્રોઝન ફૂડ આઈટમ ટ્રોલીમાં ભરી ભરીને સ્ટોર બહાર નીકળતા હતા. ફૂડ આઈટમ્સના તમામ રેક માત્ર ચાર મિનિટમાં જ ખાલી થઈ ગયા હતા.
આ સ્ટોર Sainsbury’s ની જાહેરાત મુજબ યુકેમાં બંધ થનારા ૧૬ Netto સ્ટોર્સમાંનો એક હતો. લિંકનમાં નવ મહિના પહેલા જ શરૂ થયેલો Netto સ્ટોર બંધ થતાં ૨૫ લોકોએ જોબ ગુમાવી છે.
સ્ટોરમાં ખાણી-પીણીની વસ્તુઓ વેસ્ટમાં ન જાય તે માટે Nettoએ નોમાડ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો. સ્ટોર દ્વારા તે વસ્તુઓ ટ્રસ્ટને મોકલાયાં છતાં સ્ટોક વધ્યો હતો. સ્ટોક ફેંકી દેવા કરતાં જરૂરતમંદ લોકોને મળે તે માટે મેનેજમેન્ટે આ ઓફર મૂકી હતી અને તેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.


