‘સ્ટોર્મ ડાર્સી’એ બરફનો ઝંઝાવાત ફેલાવ્યો

Wednesday 10th February 2021 04:22 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ‘સ્ટોર્મ ડાર્સી’એ બરફનો ઝંઝાવાત ફેલાવી દીધો છે ત્યારે હવામાન વિભાગે શુક્રવાર,૧૨ ફેબ્રુઆરી સુધી આવી પરિસ્થિતિ રહેવાની ચેતવણી આપી છે. બર્ફીલા ઝંઝાવાતના કારણે મંગળવારે છ ઈંચ બરફની ચાદર પથરી ગઈ હતી અને બ્રિટનના માર્ગો, વેક્સિન સેન્ટર્સ અને શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. એબોયને, એબેરડીનશાયરમાં ૩૦ સે.મી., ઈસેક્સના એન્ડ્રયુઝફિલ્ડ ખાતે ૨૩ સે.મી. અને કેન્ટના મેનસ્ટોન ખાતે ૧૪ સે.મી. બરફ છવાયેલો છે. સ્કોટલેન્ડને ભારે બરફવર્ષાથી સૌથી વધુ સહન કરવાનું આવશે.

ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં સ્નો વોર્નિંગ આપી દેવાઈ છે જેના કારણે રોડ, રેલ અને હવાઈ માર્ગો પર વિલંબ જોવા મળશે. રશિયા, બ્લેક સી અને યુક્રેનથી ‘મિની બીસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ’ નામે ઓળખાતા પ્રતિ કલાકે ૫૦ માઈલની ગતિ ધરાવતા અને ગાત્રો થીજાવતા અતિશય ઠંડા – સબ ઝીરો પવનો સમગ્ર બ્રિટન પર ફૂંકાઈ રહ્યા છે. નોર્ફોકમાં જ આશરે ૪૦૦ શાળા બંધ કરી દેવાઈ હતી અને સાઉથઈસ્ટર્ન રેલવેએ લોકોને મુસાફરી નહિ કરવા અપીલ કરવી પડી છે. ઠેકઠેકાણે બર્ફીલા માર્ગો પર લોરીઝ સહિતના વાહનો બંધ પડી ગયેલી હાલતમાં જોવાં મળ્યાં હતાં.

‘સ્ટોર્મ ડાર્સી’એ બ્રિટનના માર્ગો પર બરફની ચાદર ફેલાવી દેતા અરાજકતા વ્યાપી ગઈ છે. હવામાન નિષ્ણાતોએ માઈનસ ૭ ડીગ્રી Cની ઠંડી રહેવા સાથે ભારે બરફની ચેતવણી પણ આપી હતી. સોમવારે માઈનસ ૮ ડીગ્રી C સુધી પારો ગગડી ગયો હતો. બુધવારે વહેલી સવારે માઈનસ ૧૨ ડીગ્રી C સુધી ઠંડી રહેવાની પણ ચેતવણી અપી છે. મેટ ઓફિસે દેશના પૂર્વીય વિસ્તારોમાં ૧૫ સેન્ટિમીટર બરફ પડવાની આગાહી સાથે યલો વેધર વોર્નિંગ જારી કરી હતી.પોલીસે માર્ગો પર જોખમી પરિસ્થિતિના કારણે લોકોને મુસાફરી નહિ કરવા સલાહ આપી છે જ્યારે કેટલીક શાળાઓ અને વેક્સિન સેન્ટર્સ પણ બંધ કરી દેવાયા હતા. સ્કોટલેન્ડમાં સ્ટિર્લિંગ અને પર્થમાં એમ્બર વોર્નિંગ અપાઈ છે અને સમગ્ર વિસ્તારોમાં વીજકાપનું જોખમ છે. ગ્રામીણ કોમ્યુનિટીઝને માર્ગો પર વિલંબથી કપાઈ જવાનું પણ જોખમ છે. ઈસેક્સ, સફોક અને નોર્ફોકના વિસ્તારોમાં કોવિડ વેક્સિન સેન્ટર્સ અને સેંકડો સ્કૂલ્સ પણ બંધ કરી દેવાઈ હતી.

ઈંગ્લેન્ડમાં જળબંબાકાર જેવી હાલતમાં ભારે વરસાદ પડવાથી ૧૩૬ ફ્લડ એલર્ટ્સ અને ૩૮ વોર્નિંગ જારી કરી હતી. મંગળવાર સુધીમાં દોઢ મહિનાનો વરસાદ પડી ગયો છે. બાલ્ટિક અને સ્કેન્ડેનિવિયાથી તીવ્ર ઠંડા પવનોથી બ્રિટનમાં ચાર દિવસ સબ-ઝીરો ટેમ્પરેચર રહેવાની વકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter