લંડનઃ પ્રિન્સેસ ઓફ વેલ્સ લેડી ડાયનાના અવસાનના 29 વર્ષ બાદ, તેમના ભાઈ ચાર્લ્સ સ્પેન્સરે ફરી એકવાર જૂના વિવાદોને ઉજાગર કરીને રાજપરિવાર સામે આકરા આક્ષેપો કર્યા છે. સ્પેન્સરે તેમની દિવંગત બહેન વિશે સ્વાન સોંગ ડાયના માય સિસ્ટર નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકના તાજેતરમાં સામે આવેલા કેટલાક ભાગોમાં કિંગ ચાર્લ્સની છબી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સ્પેન્સરનો દાવો છે કે, ડાયનાની અંતિમયાત્રા દરમિયાન પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને કોફિન પાછળ ચલાવવાના મુદ્દે કિંગ ચાર્લ્સ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વધુમાં એવો પણ આરોપ લગાવાયો છે કે કિંગ ચાર્લ્સે તે સમયે કથિત રીતે કહ્યું હતું કે, આપણે ટૂંક સમયમાં જ ડાયનાને ભૂલી જઈશું. મારી સાથે વાતચીત કરતી વખતે એવું પ્રતીત થતું હતું કે, ચાર્લ્સને જાણે કે કોઇ લોટરી લાગી હોય.

