‘હમ હોંગે કામિયાબ’: મહારાણીનું ઐતિહાસિક રાષ્ટ્રજોગ સંબોધન

કરોડો બ્રિટિશ દર્શકોને અડગ રહેવા અંગત અપીલઃ મેડિકલ વર્કર્સની કામગીરી તેમજ વાઈરસ સામેના યુદ્ધમાં બલિદાનનો આભાર માનવા સાથે NHSની વિશેષ પ્રસંશા

Wednesday 08th April 2020 03:24 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે રવિવારની રાત્રે રાષ્ટ્રજોગ ઐતિહાસિક અને મર્મભેદી ટેલિવિઝન સંબોધનમાં કોરોના વાઈરસ કટોકટી અને એકાંતવાસનો સામનો કરી રહી રહેલી બ્રિટિશરોની પેઢીઓને બિરદાવી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘આપણે સફળ થઈશું... અને આપણે ફરી મળીશું.’ તેમણે કરોડો બ્રિટિશ દર્શકોને અડગ રહેવા અંગત અપીલ કરતાં કહ્યું હતું કે દેશ એકજૂટ થઈ કટોકટી પર વિજય મેળવશે. ક્વીનનું આ રાષ્ટ્રજોગ સંબોધન તેમના ૬૭ વર્ષના દીર્ઘ શાસનકાળમાં માત્ર પાંચમું સંબોધન છે. ક્વીને કોમ્યુનિટી પહેલની ભાવના, NHS અને તેના ખડે પગે કામ કરતા ડોક્ટર્સ, નર્સીસ સહિતના કર્મચારીઓને બિરદાવ્યાં હતાં. બ્રિટનમાં કોરોના વાઈરસથી મૃતાંક વધીને ૬૧૫૯ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૫૫,૨૪૨ નજીક પહોંચી છે.

વિન્ડસર કેસલમાં પ્રિન્સ ફિલિપ સાથે સેલ્ફ-આઈસોલેશનમાં રહેતાં ૯૩ વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ટેલિવિઝન પર કરોડો બ્રિટિશરોને રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના વાઈરસ મહામારી સામે એકસંપ અને અડગ રહીને સામનો કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધકાળની યાદ અપાવી ડેમ વેરા લીનના પ્રસિદ્ધ શબ્દોનો પુનરુચ્ચાર કરતાં કહ્યું હતું કે ‘આપણે ફરી મળીશું.’ ક્વીનના સંબોધનને સાંભળવા અને નિહાળવા બ્રિટિશ નાગરિકો લોકડાઉન મધ્યે ટેલિવિઝન સેટ્સ સામે ગોઠવાઈ ગયા હતા.

મહારાણીએ મેડિકલ વર્કર્સની કામગીરી તેમજ વાઈરસ સામેના યુદ્ધમાં બલિદાનનો આભાર માનવા સાથે NHSની વિશેષ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘તમે જે કરો છો તેની કદર કરાય છે અને તમારી સખત મહેનતનો પ્રત્યેક કલાક આપણને સામાન્ય જીવનની નિકટ લઈ જાય છે તેમ કહેવાની સાથે દેશ મારી સાથે જોડાયો છે તેની મને ખાતરી છે.’ તેમણે કોમ્યુનિટી સેવાની પહેલની ભાવનાની પણ પ્રશંસા કરી હતી.

તેમણે કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવામાં ઘરમાં રહી સરકારને સાથ આપનારા નાગરિકોનો પણ આભાર માનવા સાથે કહ્યું હતું કે ‘આ પડકારરુપ સમય છે જ્યારે, દેશનું જનજીવન ખોરવાયું છે, આપણા દૈનિક જીવનમાં ભારે પરિવર્તન આવ્યું છે અને ઘણાને દુઃખ, આર્થિક મુશ્કેલી સહન કરવી પડી છે. મને આશા છે કે આગામી વર્ષોમાં આ પડકારનો કેવી રીતે સામનો કરાયો તેનું ગૌરવ આપણે બધાં લઈ શકીશું. આપણા પછીની પેઢીઓ પણ કહેશે કે આજના બ્રિટિશરો કોઈ પણ સમયના બ્રિટિશરો જેટલાં જ મજબૂત હતા. સ્વશિસ્ત, રમૂજ સાથે મક્કમતા અને સાથીઓ માટેની લાગણી આ દેશના લક્ષણો છે. આપણે જે છીએ તેનું ગૌરવ ભૂતકાળ નથી, તે આપણા વર્તમાન અને ભવિષ્યની વ્યાખ્યા કરે છે.’

ક્વીનના વ્હાઈટ ડ્રોઈંગ રૂમમાં લેટેક્સ ગ્લોવ્ઝ અને સર્જિકલ માસ્ક સાથેના માત્ર એક કેમેરામેનને પ્રવેશવા દેવાયો હતો અને તે વયોવૃદ્ધ ક્વીનથી નિયમિત બે મીટરના અંતરેથી પણ દૂર રહ્યો હતો. ક્વીનના સહાયકોએ જણાવ્યું હતું કે ક્વીનનું સંબોધન બીજા વિશ્વ યુદ્ધના આરંભે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાની સ્પીચથી પ્રેરિત હતું. ક્વીને ૧૯૪૦માં પોતાની બહેન પ્રિન્સેસ માર્ગારેટની સાથે રહી કરેલા પ્રથમ જાહેર સંબોધનને પણ યાદ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter