ગ્લાસગોઃ મુસ્લિમ શોપકીપર અને ન્યૂઝએજન્ટ અસાદ શાહની ગુરુવાર, ૨૪ માર્ચે તેમની દુકાનમાં હત્યા કરાયાના પગલે સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ૪૦ વર્ષીય અસાદ શાહે ફેસબૂક પર તેમના મિત્રોને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવ્યાના ગણતરીના કલાકોમાં જ હત્યા થતા તેને ધાર્મિક હુમલા તરીકે ગણાવાઈ રહી છે. અસાદ શાહે ફેસબૂક પર સંદેશો લખ્યો હતો કે,‘ગુડ ફ્રાઈડે એન્ડ વેરી હેપી ઈસ્ટર, એસ્પેશિયલી ટુ માય બીલવેડ ક્રિશ્ચિયન નેશન.’ શાહના પરિવારે ગભરાટ સાથે જણાવ્યું હતું કે હવે અમારો વારો પણ હોઈ શકે છે. આ સંદર્ભે શુક્રવારે ૩૨ વર્ષીય સુન્ની મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
સેંકડો લોકો વીકએન્ડમાં શાહને શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યાં હતાં. શાહનો પરિવાર મૂળ પાકિસ્તાન અને અહેમદિયા ઈસ્લામિક સંપ્રદાયનો છે. સ્કોટલેન્ડમાં માત્ર ૫૦૦ અહેમદી હોવાનું કહેવાય છે, જેમાંથી આશરે ૪૦૦ ગ્લાસગોની આસપાસ વસે છે. અહેમદિયા મુસ્લિમ કોમ્યુનિટી યુકેના સભ્યોએ ‘જંગલી, અરેરાટીપૂર્ણ અને અન્યાયી હુમલા’ને વખોડી કાઢ્યો હતો. સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન પણ શુક્રવારે રાત્રે દુકાન બહાર શ્રદ્ધાંજલિ આપવા સામેલ થયાં હતાં.
શાહના કેટલાક ગ્રાહકો દ્વારા તેમના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવાની ઓનલાઈન અપીલના પગલે ૯૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ મળી હતી અને ૪,૫૦૦ લોકોએ ‘GoFundMe’ પેજ પર ડોનેશન આપ્યું હતું. શાહ પરિવારની પડોશી જેન બેનરમેને ફંડરેઈઝિંગ પેજ ઉભું કર્યું હતું અને જણાવ્યું હતું કે શોલેન્ડ્સના નિવાસીઓ આ કરૂણ ઘટના પછી પોતાનો સપોર્ટ દર્શાવવા ઈચ્છતા હતા. ન્યૂઝએજન્ટ શાહ અવારનવાર સોશિયલ મીડિયા પર હિંસાનો વિરોધ કરી રક્તપાતનો અંત લાવવા સંદેશાઓ મૂકતા હતા.
ગ્લાસગોના શોલેન્ડ્સ વિસ્તારમાં આવેલી દુકાનમાં રાત્રે નવ વાગે શાહ પર ચાકુથી આશરે ૩૦ જેટલાં ઘા કરાયા હતા. જીવલેણ હુમલાથી લોહીલુહાણ શાહને ક્વીન એલિઝાબેથ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પર હત્યાની તપાસ કરતા ડિટેક્ટિવ્ઝ માને છે કે હત્યારો ૨૦૦ માઈલ દૂરથી હત્યા કરવા આવ્યો હોઈ શકે. પોલીસે ઉબેર ટેક્સી પણ જપ્ત કરી હતી.


