“યુનાઇટ ટુ વિન” પ્રીતિ પટેલે ટોરી નેતૃત્વ માટે દાવો ઠોક્યો

કેમી બેડનોક, જેમ્સ ક્લેવરલી, ટોમ તુગેન્ધાત, મેલ સ્ટ્રાઇડ પણ નેતાપદની રેસમાં, સુએલા બ્રેવરમેન અને વિક્ટોરિયા એટકિન્સનો ઇનકાર

Tuesday 30th July 2024 11:53 EDT
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીમાં રિશી સુનાકના અનુગામી બનવાની રેસનો પ્રારંભ થઇ ગયો છે. ગુજરાતી મૂળના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પણ આ રેસમાં ઝૂકાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, એક સમયે મહાન ગણાતી મારી પાર્ટીમાં ચાલી રહેલા સોપ ઓપેરાનો હું અંત લાવવા માગુ છું. હું સામાન્ય બ્રિટિશ જનતા માટે મહત્વના એવા બ્રેડ એન્ડ બટર પોલિટિક્સને પરત લાવીશ. હું પાર્ટીમાં ચાલતી યાદવાસ્થળીનો અંત લાવીને થેચર અને ચર્ચિલની પાર્ટીને ફરી એકવાર વિનિંગ મશીન બનાવીશ.

ટોરી નેતૃત્વની રેસમાં ઝંપલાવતા પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, વ્યક્તિગત વેરઝેરને બાજુ પર મૂકીને એકતા સાધવાનો સમય આવી ગયો છે. સ્વહિત અને પાર્ટીની પહેલાં દેશ માટે કામ કરવું જરૂરી છે. મેં મારી 30 કરતાં વધુ વર્ષની રાજકીય કારકિર્દીમાં પાર્ટીની સેવા કરતાં સરકારમાં કે વિપક્ષમાં રહીને આ જ કામ કર્યું છે. હું પાર્ટીને આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ બનાવી શકું તેમ છું.

પ્રીતિ પટેલ ટોરી નેતૃત્વ માટેની રેસમાં ઝંપલાવનારા પાંચમા અને પહેલાં મહિલા સાંસદ છે. પ્રીતિ પટેલનો નારો છે યુનાઇટ ટુ વિન..... બુકીઓમાં ફેવરિટ ગણાતા કેમી બેડનોકે પણ આ રેસમાં ઝંપલાવી દીધું છે. આ પહેલાં ટોમ તુગેન્ધાત, જેમ્સ ક્લેવરલી, રોબર્ટ જેનરિક, મેલ સ્ટ્રાઇડ સહિતના સાંસદોએ ટોરી નેતૃત્વપદનો દાવો કરતાં ઉમેદવારી જાહેર કરી છે. બીજીતરફ સુએલા બ્રેવરમેને નેતૃત્વની હોડમાં ઝંપલાવવાનો ઇનકાર કરી દીધો છે.

હું ટોરી મૂવમેન્ટને પુનર્જિવિત કરવા માગુ છુઃ કેમી બેડનોક

કેમી બેડનોકે જણાવ્યું હતું કે, પાર્ટીનો ચૂંટણીમાં પરાજય નિશ્ચિત હતો કારણ કે આપણે કોઇ છીએ, આપણે શાને માટે છીએ અને આપણે કેવી રીતે નવા દેશનું નિર્માણ કરી શકીએ તે અંગે અનિશ્ચિત હતાં. જો આપણે તે જાણતા નથી તો દેશ આપણી તરફેણમાં મતદાન નહીં કરે. હું ટોરી મૂવમેન્ટને પુનર્જિવિત કરવા માટે પાર્ટીનું નેતૃત્વ ઇચ્છું છું. દેશની જનતાના સમર્થનથી આપણા દેશ માટે કામ કરવા માગુ છું.

પુરતું સમર્થન હોવા છતાં મેં ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય લીધો છેઃ બ્રેવરમેન

પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, પાર્ટીના નેતૃત્વ માટે મને પુરતું સમર્થન હાંસલ છે પરંતુ મેં ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીનો પરાજય શા માટે થયો તે અંગેના કારણો પર હજુ સર્વસંમતિ સાધી શકાઇ નથી અને મારા મંતવ્યો માટે મારા જ સહયોગીઓ મારી ટીકા કરી રહ્યાં છે.

પાર્ટીમાં એકતા માટે મારાથી શ્રેષ્ઠ કોઇ ઉમેદવાર નથીઃ જેમ્સ ક્લેવરલી

ટોરી નેતૃત્વની રેસમાં સૌથી પહેલાં પૂર્વ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ ઝંપલાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, ટોરીઝમાં એકતા બનાવી રાખવા માટે તેમનાથી શ્રેષ્ઠ ઉમેદવાર કોઇ નથી. તેઓ લેબર પાર્ટીનો પણ સારી રીતે સામનો કરી શકે છે. રિફોર્મ મતદારોને પાછા લાવવા માટે પાર્ટીને વ્યાપક અપીલની જરૂર છે. લિબરલ ડેમોક્રેટના મતદારોને ગ્રામીણ વિસ્તારોની ચિંતા છે અને લેબરના મતદારો સારી આર્થિક વૃદ્ધિ અને જાહેર સેવાઓ ઇચ્છે છે.

હું ફક્ત પાર્ટીના નેતા નહીં પરંતુ આગામી વડાપ્રધાન બનવા રેસમાં ઝૂકાવી રહ્યો છુઃ ટોમ તુગેન્ધાત

ટોરી નેતૃત્વની લડાઇ હવે ઉગ્ર બની રહી છે. પૂર્વ મિનિસ્ટર ટોમ તુગેન્ધાતે પણ રેસમાં ઝંપલાવવાની જાહેરાત કરી દીધી છે. ડેઇલી ટેલિગ્રાફમાં લખેલા લેખમાં તેમણે જણાવ્યું હતું કે, હું ફક્ત કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બનવા માટે નહીં પરંતુ આગામી કન્ઝર્વેટિવ વડાપ્રધાન બનવાની રેસમાં પણ ઝૂકાવી રહ્યો છું. છેલ્લી ચૂંટણીમાં અમારી પાર્ટીનો પરાજય થયો કારણ કે અમે જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યાં હતાં. જનતા ઇચ્છતી હતી કે અમે ઓછા કરવેરા, ઓછા ઇમિગ્રેશન જેવા વચનોનું પાલન કરીએ. અમે વચનના પાલનમાં નિષ્ફળ ગયાં હતાં.

વિક્ટોરિયા એટકિન્સ લીડરશિપની રેસમાં નહીં ઝંપલાવે

પૂર્વ હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે લીડરશિપની રેસમાં ઝંપલાવવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે પાર્ટીને ડાબેરી અથવા જમણેરી ઝોકથી દૂર રહેવાની પણ ચેતવણી આપી હતી. એટકિન્સે જણાવ્યું હતું કે, રિશી સુનાકના અનુગામી બનવાનો મારો કોઇ ઇરાદો નથી. પાર્ટીએ જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો તેના કારણે તેનો પરાજય થયો છે. પાર્ટી તેની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરીને જ સત્તામાં પરત આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter