હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા સૌપ્રથમ વખત ૧૦ ઓગસ્ટે બ્રિટિશ લશ્કરી દળોને રક્ષાબંધનનો ઉત્સવ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉજવાયો હતો. આ કાર્યક્રમનો હેતુ બ્રિટિશ હિન્દુ યુવાવર્ગ અને બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસ વચ્ચે મૈત્રી, બંધુત્વ તેમજ પારસ્પરિક સપોર્ટ અને રક્ષણની ભાવના ઉજાગર કરવાનો હતો. કેટલીક યુવતીઓ અને સનાતન ધર્મ મંદિરની કેટરિંગ વોલન્ટીઅર્સ દ્વારા લશ્કરી દળોના જવાનોના હાથમાં રાખી બાંધવામાં આવી હતી.
• જેલોમાં શુક્રવાર નમાજ પર પ્રતિબંધની દરખાસ્ત ફગાવાઈ
દેશની જેલોમાં મુસ્લિમ કેદીઓ માટે શુક્રવારની નમાજ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પર મિનિસ્ટર્સ દ્વારા ફગાવી દેવાઈ છે. કટ્ટરવાદીઓ શુક્રવારની નમાજનો દુરુપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ દરખાસ્ત અનુસાર મુસ્લિમ કેદીઓએ તેમની કોટડીમાં જ નમાજ અદા કરવાની હતી. જોકે, આના કારણે સમગ્ર જેલના કેદીઓમાં અસંતોષ અને કટ્ટરવાદ ફેલાય તેવો પણ ભય હતો.
• જેલની બહાર ડ્રગ્સ ભરેલા ડ્રોન પકડી લેવાયાં
બ્રિટનની સૌથી જૂની જેલોમાંની એક નોર્થ લંડનની પેન્ટોનવિલે જેલમાં ડ્રગ્સ ભરેલા ડ્રોનને પહોંચાડવાની યોજના પોલીસે નિષ્ફળ બનાવી હતી. જેલોમાં માદક પદોર્થોનો પૂરવઠો પહોંચાડવાની કામગીરી સામે સંઘર્ષ કરતી પોલીસે ડ્રોનને જેલની બહાર હવામાં જ પકડી લીધું હતું. આ મહિને બે ડ્રોન જપ્ત કરી લેવાયાં હતાં. જોકે, બન્ને કેસ સંબંધે કોઈની ધરપકડ કરાઈ નથી.
• ‘અસભ્ય’ ફૂટબોલર્સ પર પ્રતિબંધ
માર્ચ મહિનામાં ચેલ્ટેનહામ ફેસ્ટિવલ દરમિયાન ગ્લાસમાં પેશાબ કરી બાલ્કનીમાંથી નીચે રેડવાના કથિત વર્તન બદલ બે ફૂટબોલર્સ પર બ્રિટનના તમામ રેસકોર્સીસમાં પ્રવેશનો પ્રતિબંધ ફરમાવાયો છે. એમકે ડોન્સના સમીર કારુથર્સ અને તત્કાલીન નોર્ધમ્ટન ટોઉનના જેમ્સ કોલીન્સે ’અસભ્ય’ વર્તન કર્યાના પિક્ચર્સ જાહેર થયાં પછી બ્રિટિશ હોર્સરેસિંગ ઓથોરિટી દ્વારા આવો નિર્ણય લેવાયો છે.
• કોર્બીન નીતિઓ વિશે પાર્ટી સભ્યોનો મત મેળવશે
જેરેમી કોર્બીન લેબર પાર્ટી પર પોતાની સત્તા સ્થાપિત કરવા માગે છે. તેઓ વિવાદાસ્પદ વિષયો પર પક્ષના લાખો સભ્યોને નિયમિત મતદાન કરાવી તેમના અવાજને નીતિવિષયક પ્રાધાન્ય આપશે. જો કોર્બીન નેતાપદે ચૂંટાઈ આવશે તો આ પગલા થકી પક્ષના મવાળ સાંસદોને હાંસિયામાં ધકેલવા ઈચ્છે છે. સીરિયામાં હવાઈ હુમલાઓ કરવા કે નહિ તે મુદ્દે તેમણે ગયા વર્ષે પક્ષના સભ્યો પાસે ઈમેઈલથી મત મેળવ્યો હતો.
• વિદ્યાર્થીઓને સમર જોબ્સ મળતી નથી
બ્રિટનના વિદ્યાર્થીઓ માટે સમર જોબ્સ હવે ઈતિહાસ બની જવાની શક્યતા છે. અગ્રણી થિન્ક ટેન્ક ધ ઈન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલિસી રીસર્ચના સંશોધન મુજબ ઉનાલાની રજાઓ દરમિયાન નોકરી કરતા ૧૬-૧૭ વયજૂથના વિદ્યાર્થીઓની સંખ્યા ગત ૨૦ વર્ષમાં અડધી થઈ ગઈ છે. ફી વધવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ વધુ ધ્યાન આપતા થયા છે. બીજી તરફ, નોકરીદાતાઓ પાર્ટ-ટાઈમ કામ માટે પણ અનુભવ માગી રહ્યા છે.
• કચરાનિકાલની પદ્ધતિ ન જણાવવા બદલ ભારે દંડ
કચરાનો નિકાલ કરવાની પદ્ધતિ દર્શાવવાના હેરો કાઉન્સિલના પત્રોની અવગણના કરનારા બિઝનેસમેન સૂર્યાકુમાર થર્માલિંગમને વિન્સડેન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૧૬ ઓગસ્ટે કેસની સુનાવણીમાં ૨,૩૭૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. રેનેર્સ લેનમાં ફૂડ કોર્નર એક્સપ્રેસના માલિક સૂર્યાકુમારે કાઉન્સિલનો ૨,૭૦૮ પાઉન્ડનો કાનૂની ખર્ચ પણ ભોગવવાનો રહેશે. આ પ્રકારના અપરાધ માટે લંડનના આ વિસ્તારમાં સૌથી ભારે દંડ છે. યુકેના કાયદા અનુસાર બિઝનેસીસે કચરાને ઉપાડી જનારને ચુકવણી કરવાની હોય છે.

