શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ‘જેહાદી જ્હોન’ તરીકે ઓળખાતા ત્રાસવાદી સાથે લગ્ન કરવા ઈચ્છતી ૩૨ વર્ષીય મહિલા ઝાફરીન ખાદામને ચાર વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી છે. ત્રાસવાદના ૧૦ ગુના માટે દોષિત ઝાફરીને સોશિયલ મીડિયા પર ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન Isisની આતંકવાદી વિચારસરણી માટે ખુલ્લો સપોર્ટ કર્યો હતો. તેણે પશ્ચિમી બંધકોના શિરચ્છેદની અનેક વિડીઓમાં દેખાયેલા અને જેહાદી જ્હોન તરીકે કુખ્યાત બ્રિટિશ ઉગ્રવાદી મોહમ્મદ એમવાઝી સાથે લગ્નની ઈચ્છા સાથે સીરિયા જવાની તૈયારી પણ દર્શાવી હતી.
• મૃતકોના નામે દાન એકત્ર કરનારાને જેલ
હેરો ક્રાઉન કોર્ટે ચેરિટીઝને મૃતકોના નામે બનાવટી દાન કરીને આશરે ૪૦૦,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી કરનારા બે ભાઈ અબુ તાલિબ ઘડ્રી અને મોહસિન રઝાને અનુક્રમે છ વર્ષ અને ચાર વર્ષની સજા ફરમાવી છે. તેમણે બે ચેરિટીઝ-ફાતિમિયા ટ્રસ્ટ અને ધ લાઈટ માટે ક્લેઈમ્સ સબમિટ કરતી વખતે મૃત વ્યક્તિઓની વિગતો નોંધી હતી. કરદાતા તરફથી ચેરિટીને એક પાઉન્ડનું દાન કરાય તો તે ૨૫ પેન્સ પરત મેળવવા ક્લેઈમ કરી શકે છે. ચેરિટીઝ કમિશને આ બે ચેરિટીઝની તપાસ પણ આરંભી છે. ઘડ્રીએ સાત બોગસ કંપનીઓ સાથે સંકળાયેલા ૪૭,૦૦૦ પાઉન્ડના બનાવટી વેટ ઈનવોઈસ પણ સામેલ કર્યા હતા.
• કારની ટક્કરમાં મારી નાખનારા ડ્રાઈવરને જેલ
ગત વર્ષે ૨૫ જુલાઈએ સાઉથ લંડનમાં કારની ટક્કરથી એક વ્યક્તિને મારી નાખનારા નોરવૂડના ડ્રાઈવર મોહમ્મદ ઈસ્લામને ઈનર લંડન ક્રાઉન કોર્ટે ત્રણ વર્ષ અને સાત મહિનાની જેલની સજા ફરમાવી છે. સ્ટ્રેધામના ૫૯ વર્ષીય મોહમ્મદ ઓમર સૂફીનું ગંભીર ઈજાના કારણે હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અકસ્માત કરીને નાસી ગયેલા ડ્રાઈવરે પોલીસથી બચવા માટે કારની નંબર પ્લેટ્સ બદલી નાખી હતી. આ પછી તે પોલીસને શરણે થયો હતો. તેના પર ચાર વર્ષનો ડ્રાઈવિંગ પ્રતિબંધ લગાવાયો છે.
• રમઝાનમાં લાલ બસો પર ‘સુભાન અલ્લાહ’ના બેનર
સીરિયાના યુદ્ધપીડિતોની મદદમાં મુસ્લિમ સમુદાયનું યોગદાન હાંસલ કરવા બ્રિટનમાં નવી ઢબનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. લંડન સહિતના અન્ય શહેરોમાં લાલ રંગની બસ અને સાર્વજનિક પરિવહન વાહનો પર ‘સુભાન અલ્લાહ’ લખેલાં વિજ્ઞાપન બેનર લગાવાશે. એક રિપોર્ટ અનુસાર, પવિત્ર રમઝાનનો મહિનો ૬ જૂનથી ૭ જુલાઈ સુધી ચાલશે. લંડન, માન્ચેસ્ટર, બર્મિંઘમ અને બ્રેડફોર્ડમાં ચાલનારા અભિયાન માટેના નાણા મુસ્લિમ ચેરિટી ઇસ્લામિક રીલિફ પૂરા પાડશે.

