• £૨૦ની નવી નોટ સંપૂર્ણ શાકાહારી હશે

Saturday 08th April 2017 04:31 EDT
 

પ્લાસ્ટિકની ૫ પાઉન્ડની નોટમાં પ્રાણીજ ચરબીના ઉપયોગ બદલ શાકાહારી લોકો અને ધાર્મિક જૂથોની ઉગ્ર પ્રતિક્રિયાનો સામનો કર્યા પછી બેંક ઓફ ઈંગ્લેન્ડએ નવી ૨૦ પાઉન્ડની નોટમાં પામ ઓઈલના ઉપયોગને સમર્થન આપ્યું છે. બેંક દ્વારા જણાવાયું હતું કે વિશ્વમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું પામ ઓઈલ જ કિંમત અને ઉપલબ્ધતાની દ્રષ્ટિએ પ્રાણીજ ચરબીનો શ્રેષ્ઠ વિકલ્પ છે. બેંકના અંદાજ મુજબ ચરબીને બદલે પામ ઓઈલના વપરાશથી પ્રોડક્શન કોસ્ટમાં ૫ મિલિયન પાઉન્ડનો વધારો થશે.

• હવે બિલાડી પુરુષોની શ્રેષ્ઠ મિત્ર

રસેલ બ્રાન્ડ અને એડ શીરન જેવી સેલિબ્રિટીઝ સહિત પુરુષો પેટ તરીકે કેટની લોકપ્રિયતામાં વધારો કરી રહ્યા છે. લગભગ ૨૫ ટકા લોકો બિલાડીને શ્રેષ્ઠ મિત્ર બનાવી રહ્યા છે. દેશમાં પાલતુ બિલાડીઓની સંખ્યા ૫ લાખના વધારા સાથે ગયા વર્ષે ૮ મિલિયનની ઉપર પહોંચી હતી. પેટ ફૂડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરાયેલા સંશોધનમાં ૮,૦૦૦ પરિવારોનો સર્વે કરાયો હતો. તેમાં જણાયું હતું કે ૧૭ ટકા પુરુષો (૫.૫ મિલિયન) બિલાડી પાળે છે. જે વર્ષ ૨૦૧૬ની સંખ્યામાં ૧૩ ટકાનો વધારો સૂચવે છે.

• ટૂંકા ગાળાનું ઝોકું મૂડ સુધારે છે

ઝોકું અને આનંદ બન્ને વચ્ચે અસામાન્ય સંબંધ છે. લાંબી ઉંઘ કરતાં ટૂંકા સમયનું એક ઝોકું મૂડ સુધારી દેતું હોવાનું યુનિવર્સિટી ઓફ હર્ટફર્ડશાયરના અભ્યાસમાં જણાયું હતું. ૫૦થી વધુની વયના લોકોમાં ૩૦ ટકાની સરખામણીમાં ૧૮થી ૩૦ વચ્ચેની વયના ૪૩ ટકા લોકો દિવસ દરમિયાન લાંબી ઉંઘ ખેંચી લે છે. બેન એન્ડ જેરીસ અને ગૂગલ જેવી ખૂબ સફળ કંપનીઓએ ઝોકું ખાઈ લેવા માટેની ચોક્કસ સ્પેસ રાખી છે.

• ટોઈલેટ પેપર ઘરેથી લાવવા બાળકોને સૂચના

ઈસ્ટ સસેક્સના ક્રોબરોની એક પ્રાઈમરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ટોઈલેટના ઉપયોગ માટે અન્ય સ્ટેશનરીની જેમ જ પોતાના ઘરેથી લૂ પેપર લાવવા સચના અપાઈ હતી. સ્કૂલને ટોઈલેટ રોલનો ખર્ચ પરવડતો ન હોવાથી આ પગલું લેવાયું હતું. ઓફસ્ટેડએ ૨૧૦ વિદ્યાર્થીઓ સાથેની આ સ્કૂલને ‘ગુડ’ ની શ્રેણીમાં મૂકી હતી.

• બાળકના અપહરણનો પ્રયાસ નિષ્ફળ

લીડ્સના ટનસ્ટોલ રોડ પર બપોરે બે વર્ષીય બાળકીને તેની માતા પાસેથી છીનવીને નાસી છૂટવાના એક મહિલાના પ્રયાસને અજાણ્યા પુરુષે નિષ્ફળ બનાવ્યો હતો. મહિલાએ ડિઝનીની ફિલ્મ ‘ફ્રોઝન’નું ગીત ગાઈને પોતાની પાસે આવવા બાળકીને લલચાવી હતી. આ પ્રયાસમાં ૨૩ વર્ષીય મહિલાની ધરપકડ કરાઈ હતી. બાળકીની માતાએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેની પાસે પુશચેરમાં પણ બીજું નવજાત બાળક હતું. જોકે, તે પુરુષ આ ઘટના જોઈ જતા તેણે મહિલાને ઝડપીને બાળકી લઈ લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter