• અંજેમ ચૌધરીના સાથીને જેલ

Friday 09th December 2016 02:15 EST
 

કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીના સાથી માઈકલ કોને અપ્ટન પાર્કમાં ૧૬ વર્ષીય છોકરાને મારવા બદલ ૨૮ મહિનાની જેલની સજા સધર્ક ક્રાઉન કોર્ટે ફરમાવી છે. ઈસ્લામમાં ધર્માન્તર કરનારા અને ઘરફોડ ચોરી સહિત હિંસક ગુનાઓનો ઈતિહાસ ધરાવતા માઈકલે આ વિદ્યાર્થીને જાહેરમાં ગર્લફ્રેન્ડને આલિંગન આપતા જોઈ તેને ધક્કો મારી નીચે પાડી માથા અને શરીર પર લાતો લગાવતા તે બેહોશ થઈ ગયો હતો. તેણે આ ઘટનાના સાક્ષી પર પણ હુમલો કર્યો હતો. કોર્ટે તેને ઓગસ્ટમાં દોષિત ઠરાવ્યો હતો.

• ડ્રાઈવરે ન્યૂહામ કાઉન્સિલને અભિમાની ગણાવી

ટ્રાફિક વોર્ડન દ્વારા પાર્કિંગ નિયંત્રણ નોટિસ તારીખોમાં છેડછાડ કરવાના મુદ્દે સ્વતંત્ર લંડન ટ્રિબ્યુનલે ટીવી પ્રોડ્યુસર ડ્રાઈવર જોસેફ હયાતને ટેકો આપ્યો હતો. ટ્રાફિક વોર્ડન દ્વારા હયાતને ખોટા પાર્કિંગ બદલ કુલ ૨૬૫ પાઉન્ડની ફી અને દંડ કરવામાં આવ્યો હતો. ન્યૂહામ કાઉન્સિલે ટ્રિબ્યુનલમાં કોઈ પ્રતિનિધિ મોકલ્યો ન હતો અને ઘટનાની સમીક્ષા કરાશે તેમ જણાવ્યું હતું. ચુકાદાના પગલે કાઉન્સિલ પાસેથી માફીની અપેક્ષા ધરાવતા હયાતે કહ્યું હતું કે કાઉન્સિલે અભિમાની વર્તન કર્યું છે. હયાતના દાવાને ચકાસવા કોર્ટે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કર્યો હતો.

• લોહિયાળ બની રહેલાં લંડનના માર્ગો

રાજધાની લંડનના માર્ગો લોહિયાળ બની રહ્યાં છે ત્યારે ગત સપ્તાહમાં અકસ્માતોમાં નોર્થ સર્ક્યુલર પર કાર અકસ્માતમાં મોતને ભેટેલા ૨૧ વર્ષીય સૈફ અલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્રીજી ડિસેમ્બરની આ ઘટનામાં અન્ય કારના ડ્રાઈવર અને ચાર પેસેન્જર સહિત અન્ય પાંચ લોકોને પણ ઈજા થઈ હતી. હોલ્બર્નમાં રોયલ મિલ્ક ટ્રકે ૧૨ વર્ષના છોકરા સાથે અકસ્માત કર્યો હતો, જ્યારે બ્લુમ્સબરીમાં બ્રિટિશ મ્યુઝિયમ નજીક બસ સાથે અકસ્માતમાં ૨૮ વર્ષીય મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

• મહિલાના બેડરુમમાં શસ્ત્ર-સરંજામ મળતાં પાંચ વર્ષની જેલ

સાઉથ-વેસ્ટ લંડનના વોન્ડ્ઝવર્થ ખાતે બેડરુમમાંથી શોટગન મળી આવ્યા પછી તાહિરા નેલ્સન-વોરબર્ટનને પાંચ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. તાહિરાએ ભય અથવા હિંસા ફેલાવવાના ઈરાદા સાથે શોટગન અને એમ્યુનિશન રાખવાના ગુનાની કબૂલાત કરી હતા. પાલીસને તેના ઘરની તપાસ દરમિયાન કાપડમાં વીંટાળેલું શસ્ત્ર અને એમ્યુનિશન વોર્ડરોબના રકસેકમાં મળવા ઉપરાંત, મોટી સંખ્યામાં રોકડ પણ મળી હતી. અન્ય વ્યક્તિની ગન તે સાચવી રહી હોવાનું પણ મનાય છે.

• પાછલી જિંદગીએ પણ ધૂમ્રપાન છોડવાથી ફાયદો

કોઈ પણ વયે વ્યસન છોડવાથી લાભ જ મળે છે. અમેરિકન જર્નલ ઓફ પ્રીવેન્ટિવ મેડિસીનમાં પ્રસિદ્ધ સંશોધન અનુસાર કોઈ પણ વયે ધૂમ્રપાન છોડવાથી મોતનું જોખમ કેટલીક હદ સુધી ઘટાડી શકાય છે. યુએસની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ જણાવ્યું છે કે ધૂમ્રપાન ચાલુ રાખનારા લોકોની સરખામણીએ જીવનના ૬૦મા દાયકાએ પહોંચેલા વ્યસનીઓ ધૂમ્રપાન છોડે તો તે પછીના વર્ષોમાં તેમના મોતનું જોખમ ઘટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter