તબીબી ચમત્કાર કહી શકાય તેવી એક ઘટનામાં એક મહિલા માતા બની હતી. દુબઈની ૨૪ વર્ષીય મોઅઝા અલ મતૃષી જન્મથી થેલેસેમિયાથી પીડાતી હતી. ડોક્ટરોએ તે ૯ વર્ષની હતી ત્યારે તેનું જમણું અંડાશય કાઢી નાંખ્યુ હતું. વર્ષો સુધી તેને સાચવી રખાયું હતું. ગયા વર્ષે તેના શરીરમાં તે અંડાશયનું પ્રત્યારોપણ કરાયા પછી તે પુનઃ કાર્યરત થયું હતું. આઈવીએફની સફળ સારવાર બાદ ગત ૧૩ ડિસેમ્બરે તેણે લંડનની પોર્ટલેન્ડ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. અંડાશયના પ્રત્યારોપણ બાદ તેમાં અંડકોષોને ફલિત કરાયા હતા. મતૃષી આ રીતે બાળકને જન્મ આપનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે.
• તરુણોમાં શરાબ – સિગારેટના સેવનમાં ભારે ઘટાડો
અત્યારની પેઢીના તરુણો તંદુરસ્તીની બાબતે સાવચેત રહી કુટેવોથી દૂર રહેતા હોવાનું NHSના આંકડા જણાવે છે. ૮થી ૧૫ વયજૂથના કિશોરો પૈકી માત્ર ૧૭ ટકાએ જ શરાબનો સ્વાદ ચાખ્યો છે, જે ૨૦૦૩ના ૪૫ ટકાથી સૌથી નીચો આંક છે. જ્યારે આ જ વયજૂથના ધૂમ્રપાન કરતાં તરુણોની ટકાવારી ૨૦૦૩માં ૧૯ હતી જે ઘટીને માત્ર ૪ ટકા થઈ છે. હેલ્થ સર્વે ફોર ઈંગ્લેન્ડના આંકડા મુજબ ૧૫થી ઓછી વયના માત્ર ૧ ટકા તરુણો જ નિયમિત ધૂમ્રપાન કરે છે. જોકે, નિષ્ણાતોના મતે સ્થૂળતા અને કસરતની બાબતે સુધારો થાય તે જરૂરી છે. ૩૩ ટકા બાળકો હજુ પણ સ્થૂળ છે અને ૨૦ ટકા યોગ્ય રીતે સ્ફૂર્તિલા છે. જોકે, સ્થૂળ બાળકોની ૯૧ ટકા માતા અને ૮૦ ટકા પિતા તેમના બાળકોનાં વજનને યોગ્ય માને છે.
• અંજેમનો પૂર્વ બોડીગાર્ડ નવો જેહાદી જહોન ?
કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીનો પૂર્વ બોડીગાર્ડ (મહોમ્મદ રઝા હક્ક) નવો જેહાદી જહોન હોવાની આશંકા સેવાય છે. આતંકી જૂથ IS દ્વારા એક બંધકની હત્યાના તાજેતરના વીડિયોમાં બુકાની પહેરેલા જેહાદીઓના ગ્રૂપમાં તે અબુ રુમયસા ઉર્ફે સિદ્ધાર્થ ધારની બાજુમાં ઉભો હોવાનું મનાય છે. ત્રાસવાદવિરોધી અધિકારીઓ તેની પુષ્ટિ માટે વીડિયો ફૂટેજ ચકાસી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઈસ્ટ લંડનના બેથનલ ગ્રીનનો રહેવાસી હક્ક સીરિયામાં છે. હક્ક અગાઉ લંડનમાં દેખાવો દરમિયાન ચૌધરીના બોડીગાર્ડ તરીકે દેખાયો હતો. ૩૬ વર્ષીય હક્ક ૨૦૧૪માં નાસીને સીરિયા પહોંચ્યો પછી સાથીઓએ તેનું ઉપનામ ‘જાયન્ટ’ રાખ્યું હતું.
• બ્રેઈન ટેસ્ટથી બાળકનું ભાવિ જાણી શકાશે
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ત્રણ વર્ષના બાળકના માત્ર ૪૫ મિનિટના બ્રેઈન ટેસ્ટથી તે ભવિષ્યમાં ગુનેગાર બનશે અથવા તો સ્થૂળકાય કે માત્ર બેનિફિટ મેળવનાર બનશે તે જાણી શકાય છે. ન્યૂઝીલેન્ડના ડુનેડિનમાં જન્મેલા લગભગ ૧,૦૦૦ લોકોના ૩૫ વર્ષના સંશોધનનું આ તારણ છે. તે મુજબ ૮૦ ટકા ગુના માટે વસ્તીના ૨૦ ટકા લોકો જવાબદાર છે. ૪૦ ટકા લોકો સ્થૂળ છે અને ૬૬ ટકા લોકો બેનિફિટ મેળવતા હોય છે. નેચર હ્યુમન બિહેવિયર જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં આ બ્રેઈન ટેસ્ટમાં વંચિત અને દુર્વ્યવહારના ભોગ વિશેની માહિતી સાથે બાળકોના બુદ્ધિઆંક અને સ્વનિયંત્રણના આધારે રેટિંગથી વૈજ્ઞાનિકો લગભગ સચોટ ભવિષ્ય જણાવી શક્યા હતા. સરકાર પર કોણ બોજારૂપ બનશે તે બાબત પણ ચોક્સાઈ સાથે જાણવા મળી હતી.
• તરુણીના જાતીય શોષણમાં સંડોવાયેલી મહિલા ઝડપાઈ
લેયટનસ્ટોનના મોર્નિંગ્ટન રોડ પર રહેતી ૩૨ વર્ષીય લૈલા કાસમને ૧૫ વર્ષની તરુણીના જાતીય શોષણ બદલ બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટે ચાર વર્ષની કેદની સજા ફરમાવી હતી. ૨૦૧૪માં એક વચેટિયાએ તરુણીની ઓળખાણ કરાવ્યા બાદ કાસમ અને તે જ વિસ્તારમાં રહેતા તેના ૩૬ વર્ષીય પાર્ટનર પોલ સિલ્વરથોર્ને તેની સાથે સહશયન કર્યું હતું. કાસમ જે ફાર્મહાઉસમાં કામ કરતી હતી તેના માલિકે તેને ‘ક્રાઈમવોચ’માં જોયા બાદ તેને સ્પેનમાંથી દેશનિકાલ કરાઈ હતી. અને બ્રિટન પરત આવતા તેને ઝડપી લેવાઈ હતી. અગાઉ આ ગુનામાં તેને ગત જૂનમાં દોષી ઠેરવવામાં આવી હતી. જામીન પર છૂટીને કાસમ સ્પેનના ઈબિઝા ભાગી ગઈ હતી.

