• અડધોઅડધ પુખ્ત સ્ત્રી માનસિક બીમારીની શિકાર

Friday 22nd January 2016 04:14 EST
 

હેલ્થ સર્વે ફોર ઈંગલેન્ડના ડેટા અનુસાર કુલ ૨૫ ટકા પુખ્ત લોકોને જીવનમાં કોઈ પણ તબક્કે મુખ્યત્વે ડિપ્રેશન સહિત માનસિક આરોગ્યની કોઈ સમસ્યાનું નિદાન કરાયું હતું. આ સાથે ૪૧ ટકા જેટલી પુખ્ત સ્ત્રીઓએ માનસિક બીમારી સહન કરી હોવાના આંકડા NHS દ્વારા જાહેર કરાયા છે. અન્ય ૧૮ ટકા સ્ત્રીઓ કોઈ નિદાન વિના પણ પોતે આવી બીમારીથી પીડિત હોવાનું માને છે.

• મૃતકોનું અવયવદાન અટકાવી નહિ શકાય

શોકાતુર પરિવારજનો મૃત સગાંના અવયવોનું રજિસ્ટર્ડ દાન અટકાવી ન શકે તેવી વ્યવસ્થા NHS દ્વારા કરવામાં આવશે. આના પરિણામે હવે દાન માટે ઔપચારિક સંમતિ આવશ્યક નહિ ગણાય. ગત પાંચ વર્ષમાં શોકાતુર પરિવારજનોએ અવયવોના રજિસ્ટર્ડ દાન માટે સંમતિ નહિ આપી અવરોધ ઉભો કર્યો હતો. NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના ડેટા મુજબ ૨૦૧૦થી સગાંઓ દ્વારા ૫૪૭ અથવા સાતમાંથી એક કેસમાં ટ્રાન્સપ્લાન્ટમાં અવરોધો ઉભાં કરાયા હતા.

• પૂરગ્રસ્તોને ૧૦,૦૦૦ પાઉન્ડની મદદ

ન્યૂહેમના અગ્રણી કાઉન્સિલરો અને મસ્જિદોએ ઉત્તર ઈંગ્લેન્ડના પૂરગ્રસ્તો માટે ૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા સાથે સ્વચ્છતા કાર્યમાં મદદ કરી હતી. કાઉન્સિલર માસ પટેલ અને સલીમ પટેલ આ કાર્યમાં સામેલ થયા હતા. ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશન-ન્યૂહેમના સભ્યો, ન્યૂહેમની છ સહિત ઈસ્ટ લંડનની નવ મસ્જિદો પણ ભંડોળ એકત્ર કરવામાં જોડાઈ હતી. યોર્ક સિટી કાઉન્સિલની કોમ્યુનિટીઝ અને ઈક્વલિટીઝ ટીમે મદદનો આ ચેક સ્વીકાર્યો હતો.

• ડાયેટ ડ્રિન્કતરફી સંશોધનનું ભંડોળ

ડાયેટ ડ્રિન્ક્સ વજન ઘટાડવામાં મદદ કરે છે કે અવરોધ સર્જે છે તે બાબતે વિજ્ઞાન કોમ્યુનિટીમાં મતભેદ છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીએ હજારો સંશોધનપત્રોના અભ્યાસ પછી નવેમ્બરમાં તારણો જાહેર કર્યા હતા કે લોકોને વજન ઘટાડવામાં પાણી કરતા ડાયેટ ડ્રિન્ક્સ વધુ સારા છે. ડ્રિન્ક્સ ઉદ્યોગને ભારે પ્રમાણમાં પ્રચારરુપ બની રહેલા અભ્યાસ માટેનું ભંડોળ કોકા-કોલા અને પેપ્સીકો સહિતની કંપનીઓએ પુરું પાડ્યું હતું. બ્રિસ્ટલ યુનિવર્સિટીએ કેટલીક સંસ્થાઓએ મદદ કર્યાનું સ્વીકાર્યું છે પરંતુ ભંડોળની વિગતો આપી નથી.

• હાઉસિંગ બેનિફિટની ઠગાઈ બદલ જેલ

ચાર વર્ષ સુધી ખોટી રીતે હાઉસિંગ બેનિફિટનો લાભ લેનારા ૫૮ વર્ષીય ઠગ અઝામ મોહમ્મદને મેઈડસ્ટોન ક્રાઉન કોર્ટે બે વર્ષની સજા ફરમાવવા સાથે ત્રણ મહિનામાં ૧૬૯,૦૦૦ પાઉન્ડની રકમ પરત ચુકવવાનો આદેશ કર્યો છે. અઝામ ૨૦૦૮થી માસિક ૩,૫૦૦ના ભાડાની પ્રોપર્ટીમાં રહેતો હતો. પોલીસે ઓક્સફર્ડ સ્કવેર, વેસ્ટમિન્સ્ટર ખાતેના તેના ઘર પર દરોડો પાડ્યો ત્યારે તિજોરીમાંથી ૪૪,૦૦૦ પાઉન્ડ, વોર્ડરોબમાં ૬,૭૦૦ પાઉન્ડ અને પાકિટમાં ૯૪૦ પાઉન્ડ મળી આવ્યા હતા.

• ફ્રી સ્કૂલની નામના વધારતા વિદ્યાર્થીઓ

બ્રિટનના સૌથી ગરીબ વિસ્તારોમાં એક સ્ટ્રેટફર્ડમાં કાર્યરત ફ્રી સ્કૂલ લંડન એકેડેમી ઓફ એક્સેલન્સ તેના આઠ વિદ્યાર્થીને ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોકલી રહી છે. આ સાથે તેણે સૌથી પ્રખ્યાત શાળાઓથી પણ આગળ વધી જવાની નામના મેળવી છે. આ શાળા ‘ધ એટન ઓફ ધ ઈસ્ટ એન્ડ’ તરીકે પણ ઓળખાય છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનો ઓફર લેટર મેળવનારા તમામ આઠ વિદ્યાર્થી ઈમિગ્રન્ટ છે. ગરીબ પરિવારોના તેજસ્વી બાળકોને ઉચ્ચ યુનિવર્સિટીઓમાં મોકલવાના ધ્યેય સાથે ત્રણ વર્ષ અગાઉ ખુલેલી ફ્રી શાળાને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓનો પણ ટેકો છે.

• બ્રિટનમાં બ્લેક કોમ્યુનિટીનો ઈતિહાસ

બીબીસી દ્વારા બ્રિટનની બ્લેક કોમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ વ્યક્તિવિશેષો અને ઘટનાઓનું સ્મરણ કરાવતી ૨૦ તક્તી લગાવવામાં આવશે. આ ઉપરાંત, બ્લેક કોમ્યુનિટીનો ઈતિહાસ ઉજાગર કરતી દસ્તાવેજી ટેલિવિઝન શ્રેણી પણ તૈયાર કરાશે. આ કામગીરી માટે બ્લેક કલ્ચરલ આર્કાઈવ્ઝ સંસ્થાની પણ મદદ લેવામાં આવશે. બીબીસીએ ૧૫૦૧માં ઈંગ્લેન્ડ આવેલા જ્હોન બ્લેન્કીની હેમ્પટન કોર્ટ ખાતે રખાનારી એક તક્તીની વિગતો જાહેર કરી છે.

• સ્ત્રીઓમાં આત્મહત્યાના પ્રયાસનો ઊંચો દર

માનસિક આરોગ્ય વિશેના સૌપ્રથમ નેશનલ સર્વેમાં જણાવાયું છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસ વધુ કરે છે. જોકે, પુરુષો આત્મહત્યામાં વધુ સફળ રહે છે. ૧૪માંથી એક સ્ત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેની સામે પુરુષોમાં આ પ્રમાણ ૨૫માંથી એકનું છે. સત્તાવાર આંકડા મુજબ સ્ત્રીઓ કરતા પુરુષનો આત્મહત્યા દર ત્રણ ગણાથી વધુ છે. જોકે, નિષ્ણાતો કહે છે કે આ વિરોધાભાસ આત્મહત્યામાં પુરુષોની સફળતા વધુ હોવાના કારણે હોઈ શકે છે. પુરુષો આત્મહત્યા હરવા વધુ જીવલેણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

• શાંત વિદ્યાર્થીઓ સારું શીખી શકે

વેલિંગ્ટન કોલેજના પૂર્વ વડા સર એન્થોની સેલ્ડનના કહેવા અનુસાર ‘શાંત’ મન ધરાવતા વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા વધુ હોય છે. સર એન્થોની ૨૦૦૬થી ગયા વર્ષ સુધી બર્કશાયર પબ્લિક સ્કૂલના સંચાલક હતા અને તેમણે શાળામાં યોગ અને સ્વસ્થ મનના કોર્સ દાખલ કર્યા હતા. તેઓ કહે છે કે શાંત ચિત્ત અને એકાગ્ર મન હોય ત્યારે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે. સ્વસ્થતા સ્માર્ટ જીવન જીવવામાં મદદરુપ બને છે. જોકે, તેમના વિચારને તત્કાળ માન્યતા સાંપડી ન હતી.

• લોર્ડ જેનરે શોષણ કર્યાનો નવો આક્ષેપ

ઈસ્ટ મિડલેન્ડ્સના ચિલ્ડ્રન્સ હોમ્સના ૧૨ પૂર્વ રહેવાસીઓએ રાજકારણી લોર્ડ જેનરે તેમનું યૌનશોષણ કર્યાનો નવો દાવો કર્યો છે. ડિસેમ્બરમાં ૮૭ વર્ષની વયે અવસાન પામેલા લોર્ડ જેનર સામે તેઓ લેસ્ટરના લેબર સાંસદ હતા ત્યારે ૧૯૭૦-૮૦ના દાયકાઓમાં છોકરાઓનું જાતીય શોષણ કર્યાના ૧૨ આરોપ છે. બાળકોનું શોષણ કરવા તેમણે કેર હોમના મેનેજર સાથે મિત્રતાનો ઉપયોગ કર્યો હતો. તેમની વિરુદ્ધ ક્રિમિનલ કાર્યવાહી હવે સમાપ્ત થઈ છે. ક્રિમિનલ કોર્ટમાં હકીકતોની ટ્રાયલ એપ્રિલ મહિનામાં યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter