વધતી વય સાથે ઊંઘનું પ્રમાણ ઓછું થાય તેના કારણે મગજના રોગનું જોખમ વધવાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. કેટલાક નિષ્ણાતોની દલીલ છે કે આપણી વય વધવાની સાથે ઊંઘની જરૂરિયાત ઓછી થાય છે. જોકે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલીના સંશોધકોએ જણાવ્યું છે કે ૩૦ની વય વટાવ્યા પછી મોટા ભાગના લોકો મોડાં ઊંઘે, અલપઝલપ ઊંઘ આવે અને વહેલા જાગી જવાય,ઘેરી નિદ્રા ન આવે અને રાતમાં ઘણી વાર જાગી જવા સહિતની સમસ્યા સર્જાય છે. આ બધાં ફેરફારોથી યાદશક્તિ ઘટવી તેમજ અલ્ઝાઈમર્સ રોગ સાથે સંકળાયેલી સમસ્યાઓનો શિકાર બની જવાય છે.
• યુનિસેક્સ લેવેટરી સામે વિરોધ
જેન્ડર ન્યૂટ્રલ અથવા તો યુનિસેક્સ લેવેટરીના વિચાર સામે વિરોધ વધી રહ્યો છે. સેન્ટ્રલ લંડનમાં બાર્બિકન સેન્ટર ખાતે સ્ત્રી અને પુરુષો માટેની લેવેટરીને જેન્ડર ન્યૂટ્રલ લેવેટરીનું નામ અપાયું છે. આના પછી, સ્ત્રીઓએ વધુ સમયમાં કતારમાં ઉભાં રહેવું પટતું હોવાની ફરિયાદ વધી છે. આર્ટ સેન્ટરના એક સિનેમા સ્ક્રીન્સની બહારની નિશાનીઓ બદલી ‘જેન્ડર-ન્યૂટ્રલ યુરિનલ્સ’ અને ‘જેન્ડર-ન્યૂટ્રલ વિથ ક્યુબિકલ્સ’ કરવામાં આવી છે.
• પેશાબ કર્યો તે કાયદેસર, પણ વળતર નહિ
એબરડીનશાયરમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ લિન્ક્સ ખાતે પેશાબ કરી રહેલી ૬૨ વર્ષીય રોહાન બીટ્સનો ૩,૦૦૦ પાઉન્ડના નુકસાની વળતરનો દાવો એડિનબરા શેરીફ કોર્ટે ફગાવી દીધો છે. ગોલ્ફ કોર્સના સ્ટાફે આ ઘટનાને તસવીરમાં કેદ કરી લીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે મિસ બિટ્સે તેમની તાકીદની કુદરતી જરૂરિયાત પૂર્ણ કરી તેમાં કાયદેસર ખોટું કર્યું નથી. આમ છતાં, ડેટા પ્રોટેક્શન એક્ટના સંદર્ભે તેમને વળતર આપી શકાય તેમ નથી. મિસ બિટ્સે પોતાનો નૈતિક વિજય થયાનો દાવો કર્યો હતો.
• ઘર બહાર પાર્કિંગ બદલ મહિલાને વિક્રમી દંડ
ડુંડીમાં આવેલા માતાના ઘર બહાર કાર પાર્ક કરવા બદલ અને ડેઈલી પાર્કિંગ ચાર્જની ૨૦૦ નોટિસોની અવગણના કરવા બદલ ૨૮ વર્ષીય કાર્લી મેકીને શેરીફ જ્યોર્જ વેએ પ્રાઈવેટ પાર્કિંગ ચાર્જ લાગૂ પડતા નથી તેવી માન્યતાને ખોટી ઠેરવીને બ્રિટનનો સૌથી જંગી ૨૪,૫૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. પ્રાઈવેટ કંપની વ્હીકલ કન્ટ્રોલ સર્વિસ ગયા વર્ષે તેને કોર્ટમાં લઈ ગઈ હતી. પેનલ્ટીની અવગણના બદલ તેને ૧૮,૫૦૦ પાઉન્ડનો દંડ કરાયો હતો. કંપની દ્વારા જણાવાયું હતું કે મેકીએ એક પણ પેનલ્ટીને પડકારી ન હતી અને ઘરની બહાર પાર્કિંગ કરવાનો તેને અધિકાર ન હતો.
• બટાકા-શક્કરિયાની ચીપ્સ કેન્સરનું જોખમ વધારે
કાર્સિનોજેન એક્રીલેમાઈડનું ખૂબ વધારે પ્રમાણ ધરાવતી ચીપ્સની કેટલીક બ્રાન્ડની બટાકા અને શક્કરીયાની ચીપ્સ ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જતી હોવાનું ‘ચેન્જિંગ માર્કેટ્સ’ના અભ્યાસમાં જણાયું હતું. કેટલીક બ્રાન્ડમાં યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીએ તેમાં કિલો દીઠ ૧૦૦૦ મીલીગ્રામ એક્રીલેમાઈડનું પ્રમાણ નિશ્ચિત કરેલું છે. કેટલીક બ્રાન્ડમાં આ પ્રમાણ બેથી અઢી ગણું વધારે છે.

