૭૬ વર્ષીય અભિનેતા સર ઈયાન મેકકેલને પોતાની અંગત વાતો જાહેર કરવાનો ઈનકાર કરીને પોતાના પુસ્તકનો એક મિલિયન પાઉન્ડનો સોદો રદ કરી દીધો હતો. પુસ્તક લખવા માટે તેમણે નવ મહિના સુધી ફિલ્મ શુટિંગ મુલતવી રાખ્યું હતું. સજાતીયોના અધિકારો માટે સક્રિયપણે કાર્યરત અને રિચાર્ડ થ્રીની તેમજ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ફિલ્મમાં ગેન્ડાલ્ફની ભૂમિકા માટે પ્રખ્યાત સર મેકકેલને જોકે, તેઓ જીવનના કયા અંશો જાહેર કરવા નહોતા માગતા તેની સ્પષ્ટતા કરી નહોતી.
• આતંકીની પ્રશંસા બદલ ઈમામ સામે કોઈ આરોપ નહીં
આતંકીની પ્રશંસા કરવા બદલ સ્કોટલેન્ડની સૌથી મોટી ગ્લાસ્ગો સેન્ટ્રલ મસ્જિદના વડા હબીબ ઉર રહેમાનને કોઈ આરોપનો સામનો કરવો નહિ પડે. આતંકી મુમતાઝ કાદરીએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની હત્યા કરી હતી અને તેને ફાંસી અપાઈ હતી. તાસીર ધર્મનિંદાના કાયદાનો વિરોધી હતા. ઈમામ રહેમાને કાદરીના વખાણ કર્યા હોવાની વાત ચર્ચાતી હતી. પોલીસે જણાવ્યું હતું કે રહેમાન વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી.
• યુકેમાં ૧૦૦૦ લોકોને ગેરકાયદે ઘુસાડ્યા
માનવ તસ્કર ટોળકીના સૂત્રધાર અને લંડનમાં રહેતા યુક્રેનના ૩૩ વર્ષીય માર્જન સ્કીર્કોએ ૧,૦૦૦ યુક્રેનવાસીઓને ટ્રકો મારફતે બ્રિટનમાં ગેરકાયદે ઘુસાડ્યા હતા. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણીમાં જણાવાયું હતું કે આ ટોળકીએ તે લોકો પાસેથી ૩,૨૦૦ પાઉન્ડ સુધીની રકમ વસૂલી હતી. બેલ્જિયમમાં લિથુઆનિયાના એક ડ્રાઈવરની હત્યાના કેસમાં સ્કીર્કો વોન્ટેડ છે. બેલ્જિયમ સત્તાવાળા માનવ તસ્કરી અને હત્યાના ગુનામાં તેના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહ્યા છે.
• કેન્સર પીડિત બાળકોનો જેનેટિક ટેસ્ટ કરાશે
બ્રિટનમાં કેન્સરપીડિત સેંકડો બાળકોના ટ્યુમરનો જેનેટિક ટેસ્ટ કરાશે, તેમ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેન્સર રિસર્ચ દ્વારા જણાવાયું છે. શરૂઆતમાં ૨૧ હોસ્પિટલમાં સારવાર હેઠળના ૪૦૦ બાળકોનો ટેસ્ટ કરાશે. બાળકોની ગાંઠમાં થતાં ચોક્કસ ફેરફાર અંગે તેમના પર ક્લિનિકલ ટ્રાયલ કરાશે. કેન્સર ચેરિટી ‘ક્રિસ્ટોફર્સ સ્માઈલ’ના સ્થાપક કેરેન કેપલે જણાવ્યું હતું કે તેનાથી બાળકોની નવી સારવારમાં એક ડગલું આગળ વધી શકાશે.
• ઓક્સફર્ડના વિદ્યાર્થીઓને ખ્રિસ્તીધર્મના કોર્સમાંથી મુક્તિ
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થિયોલોજીની ડિગ્રીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સમગ્ર કોર્સ દમિયાન ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવાનો રહેશે નહીં. તેમાં વૈવિધ્યનો અભાવ હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતાં છેલ્લાં ૮૦૦ વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું છે. પ્રોફેસર જોહાનિસ ઝેછુબરે જણાવ્યું હતું કે બ્રિટિશ સમાજમાં ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનને લીધે આ ફેરફાર કરાઈ રહ્યો છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓ હવે ‘ધર્મ અને ધર્મશાસ્ત્ર પ્રત્યે મહિલાઓનો અભિગમ’ સહિતના પેપરોનો વિકલ્પ પસંદ કરી શકશે.
• મસ્જિદના વડાનું આતંકવાદ સાથે કનેક્શન.
સિપાહ-એ-સહાબાની યુકે શાખામાં ઉચ્ચ હોદ્દો ધરાવતા ગ્લાસગો સેન્ટ્રલ મસ્જિદના સાબિર અલી અને એડિનબરાની પોલવર્થ મસ્જિદના વડા અબ્દુલ હામિદ અને પાકિસ્તાનમાં આતંકી હુમલો કરનાર એક પ્રતિબંધિત કટ્ટરવાદી જૂથ વચ્ચે કહેવાતા સંબંધ બાબતે આતંકવાદ વિરોધી પોલીસ તપાસ કરી રહી છે. સ્કોટલન્ડ પોલીસના સીનિયર અધિકારીએ ચેતવણી આપી હતી કે સ્કોટલેન્ડ પણ આતંકવાદથી બચી શકે તેમ નથી.
• ગારમેન્ટ કંપનીઓ સામે ડિઝાઈનરનો આક્ષેપ
વાય્વ્સ સેન્ટ લોરેન્ટના પાર્ટનર રહી ચૂકેલા ૮૫ વર્ષીય ડિઝાઈનર પિયરે બર્ગે આક્ષેપ કર્યો છે કે ગારમેન્ટ કંપનીઓ ફૂલ બોડી સ્વીમીંગ કોસ્ચ્યુમ ‘બુર્કિની’ જેવાં કપડાં વેચીને મહિલાઓને ગુલામ બનાવે છે તેમજ વેચાણથી થતાં નફાનો ઉપયોગ ઉદ્દામવાદી ઈસ્લામને મદદરૂપ થવામાં કરાય છે. આવા કપડાં શરમજનક છે અને મહિલાઓને અભિવ્યક્તિના અધિકારથી વંચિત રાખે છે.
• આર્ટવર્ક માટે સેંકડો લોકો વસ્ત્રવિહીન બનશે
અમેરિકી આર્ટિસ્ટ સ્પેન્સર ટ્યુનિકની ૨૦૧૭ માટેની એક તસવીર માટે સેંકડો લોકો હલ સિટી સેન્ટરમાં વસ્ત્રવિહીન બનીને પોઝ આપશે. તેમના શરીર પર માત્ર બોડી પેઈન્ટ લગાવાશે. જોકે, ‘સી ઓફ હલ’ તરીકે ઓળખાતો આ ફોટોગ્રાફ જુલાઈમાં હલ સિટીમાં કયા સ્થળે લેવાશે તેની જાહેરાત કરાઈ નથી. યુકે સિટી ઓફ કલ્ચર ૨૦૧૭માં ખુલ્લો મુકાનાર આ ફોટાને ફેરેન્સ આર્ટ ગેલેરીમાં શો પીસ તરીકે મુકાશે. ૧૮થી વધુના વયની કોઈ પણ વ્યક્તિ આ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે અને ૧૫મી મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

