એક સીમાચિહ્ન અભ્યાસના તારણો અનુસાર અલ્ઝાઈમર રોગનો ચેપ પણ લાગી શકે છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનતા હતા કે અલ્ઝાઈમર રોગ મોટા ભાગે વૃદ્ધાવસ્થા અને અંશતઃ જનીનોના પ્રભાવનું દુષ્પરિણામ છે. જોકે, નવા તારણો કહે છે કે હોસ્પટલમાં ઓપરેશન, લોહી ચડાવવા અથવા રૂટ કેનાલ સારવાર જેવા ડેન્ટલ વર્કના કારણોસર પણ રોગીઓ સ્મૃતિભ્રંશનો શિકાર બની શકે છે.
• પોલીસ વોલન્ટીઅર્સને વધુ સત્તા અપાશે
સરકારની નવી દરખાસ્તો હેઠળ હજારો અવેતન પોલીસ વોલન્ટીઅર્સને શકમંદોને પકડવા અને સ્થળ પર જ દંડ ફટકારવાની સત્તા મળી શકે છે. ભૂમિકાના જોરદાર વિસ્તરણમાં તેમને ગુનાના અસરગ્રસ્તોના ઈન્ટર્વ્યુ લેવા અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની પણ સત્તા મળશે. હોમ સેક્રેટરી થેરેસા મે દ્વારા જાહેર કરાયેલી યોજનામાં પોલીસ વોલન્ટીઅર્સને ખાસ યુનિફોર્મ અપાશે અને તેઓ ગુનાની તપાસમાં મદદ પણ કરી શકશે.
• પોલીસ કોન્સ્ટેબલ સામે ષડયંત્રનો આરોપ
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અમાર હુસૈન (૨૯) અને અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ ન્યાયને ગેરમાર્ગે દોરવા ખોટા અને દ્વેષપૂર્ણ દાવા સાથે ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. ત્રાસવાદી પ્લોટમાં પોલીસ ઓફિસર અમાર હુસૈનનું અપહરણ કરાવાનું હોવાનો દાવો ગયા વર્ષે કરાયો હતો. હુસૈનને જામીન પર મુક્ત કરાયો છે.
• અપેક્ષિત આયુષ્ય મર્યાદા બમણી થઈ
સત્તાવાર આંકડાકીય રેકોર્ડ્સ રાખવાની શરૂઆત થયા પછી અપેક્ષિત આયુષ્ય મર્યાદા લગભગ બમણી થઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણ અનુસાર ૧૮૪૧માં જન્મેલું પુરુષ બાળક ૪૦ વર્ષ જીવી શકે તેવી અપેક્ષા રહેતી હતી તેની સામે આજે તે ૭૯ વર્ષનું આયુષ્ય ધરાવે તેવી શક્યતા રહે છે. આ જ રીતે ૧૮૪૧માં જન્મેલું સ્ત્રી બાળક ૪૩ વર્ષ જીવી શકે તેવી અપેક્ષા રહેતી હતી તેની સામે આજે તે ૮૩ વર્ષ સુધી જીવી શકે તેવી શક્યતા રહે છે.
• બીમારીની સરેરાશ ત્રણ સપ્તાહની રજા લેતા ટ્રેન ડ્રાઈવર્સ
લંડન અંડરગ્રાઉન્ડ હવે ડ્રાઈવરવિહીન ટ્રેન તરફ આગળ વધે તેવા અણસાર છે. ટ્યુબના ડ્રાઈવર્સ દર વર્ષે કામકાજના આશરે ત્રણ સપ્તાહ માંદગીની રજા પર રહેતા હોવાનું તાજા આંકડા જણાવે છે. માહિતી અધિકાર કાયદા હેઠળ પ્રાપ્ત માહિતી અનુસાર સરેરાશ ડ્રાઈવર ૧૨ મહિનાના ગાળામાં ૧૪ દિવસ માટે કામ ન કરી તેટલા બીમાર હોય છે. આ મુદ્દે રાજધાનીમાં અન્ય ક્ષેત્રોમાં કાર્યરત કામદારોની સરેરાશ ૩.૫ દિવસની હતી તેની સરખામણીએ ટ્રેન ડ્રાઈવર્સની સરેરાશ ચાર ગણી હતી. આ ઉપરાંત, ટ્રેન ડ્રાઈવર્સને બેન્ક હોલીડેઝ સહિત વર્ષે ૪૩ રજાઓ મળે છે.
• હરણના ગેરકાયદે શિકાર બદલ દોષિતને જેલની સજા
ગયા વર્ષે ક્રિસમસ સમયે હરણના ગેરકાયદે શિકાર કરી તેને રાંધી ખાવાના ગુનામાં સાઉથ લંડનના ૩૨ વર્ષના મિંયા શાહિદને ચાર મહિનાની જેલની સજા અને ૨૦૦ કલાકની કોમ્યુનિટી સેવાની સજા કરાઈ છે. જેલની સજા બે વર્ષ સુધી સસ્પેન્ડ રખાઈ હતી. શાહિદે સંરક્ષિત પ્રાણીને અનાવશ્યક યાતના આપવાનો ગુનો કબૂલી લીધો હતો. શાહિદે હરણનો શિકાર કરતી પોતાની ફિલ્મ શૂટ કરી તેના દૃશ્યો ફેસબૂક પર મૂક્યા હતા.
• કામકાજના અનુભવ માટે બાળકો પાસેથી £૫૦૦ની ફી
ખાનગી હેલ્થ કંપની ધ ચાર્ટવેલ ટ્રસ્ટ દ્વારા કામકાજના એક સપ્તાહના અનુભવ માટે વિદ્યાર્થીઓ પાસેથી ૫૦૦ પાઉન્ડનો ચાર્જ લેવામાં આવે છે. એસેક્સના લેઈ-ઓન-સી ખાતે હોસ્પિટલ અને કેર હોમ્સ ચલાવતી હેલ્થ કંપનીએ સ્થાનિક શાળાઓને બ્રોશર્સ મોકલ્યાં હતાં, જેમાં સ્ટાફ દ્વારા સારી દેખરેખ તેમ જ ક્વોલિફાઈડ ડોક્ટર્સ દ્વારા લેવાતી ઈન્ટર્વ્યુ ટ્રેનિંગની ઓફર કરાઈ હતી. માયબિગકેરિયર ચેરિટીએ કંપની દ્વારા લેવાતી ફીને તદ્દન ગેરવાજબી ગણાવી હતી.
• બેનિફિટ્સ કૌભાંડ કરનારાને સાત વર્ષની જેલ
વેસ્ટ કેન્સિંગ્ટન, લંડનના ૩૯ વર્ષના ઝેયાદ અલ-કાઈસી ઉર્ફ સામ કેસીએ ૧૨ વર્ષના સમયગાળામાં બનાવટ આચરી કરદાતાઓની £૧૮૦,૦૦૦થી વધુ રકમના બેનિફિટ્સ વસૂલ કર્યા હતા. ઈઝલવર્થ ક્રાઉન કોર્ટની જ્યુરીએ છેતરપિંડીના ૧૮ આરોપસર તેને દોષિત ઠરાવ્યો હતો અને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. તેણે પોતાના બનાવટી ક્લેઈમ્સને સાચા ઠરાવવા વિગ પહેરીને ફોટા પડાવ્યા હતા.