• અશક્ત બાળ શરણાર્થી યોજના સસ્પેન્ડ

Wednesday 15th February 2017 07:45 EST
 

સીરિયા અને અન્ય દેશોમાંથી યુદ્ધના કારણે દેશ છોડી આવતા અશક્ત બાળ શરણાર્થીઓને સ્વીકારી તેમના પુનઃવસનની યોજના અંશતઃ અટકાવી દીધી છે. આ શરણાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવું શક્ય ન હોવાનું હોમ ઓફિસે જણાવ્યું છે. મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી આવનારા બાળ નિર્વાસિતોને નહિ સ્વીકારવાનો અર્થ એ છે કે તેમને હાલ યુકેમાં પ્રવેશ નહિ અપાય અને તેમણે રેફ્યુજી કેમ્પ્સમાં જ રહેવું પડશે. આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ પણ સરકારના નિર્ણયને વખોડ્યો હતો. વલ્નેરેબલ ચિલ્ડ્રન્સ રીસેટલમેન્ટ સ્કીમ હેઠળ સીરિયા, લીબિયા, યેમેન અને ઈરાક સહિતના દેશોમાંથી ૩,૦૦૦ બાળકોને તેમના પરિવારો સહિત યુકેમાં વસાવવાના હતા.

• મહિલાને પાર્ટનરનું પેન્શન મેળવવાનો હક

નોર્ધર્ન આયર્લેન્ડની ડેનિસ બ્ર્યુસ્ટરની તેના પૂર્વ પાર્ટનરનું પેન્શન મેળવવાની લડાઈને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. કોસરાઈનની ડેનિસ ૧૦ વર્ષથી લેની મેકમુલન સાથે રહેતી હતી અને ૨૦૦૯ની ક્રિસમસની પૂર્વસંધ્યાએ તેમનાં એન્ગેજમેન્ટ પણ થયાં હતાં પરંતુ બોક્સિંગ ડેની સવારે મેકમુલન નું અવસાન થયું હતું. તેને પૂર્વ પાર્ટનરના પેન્શનની રકમ ચૂકવવા ઈનકાર કરાયો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડની સાથોસાથ હવે નોર્ધર્ન આયર્લેન્ડમાં અપરિણિત અને સાથે રહેતાં લાખો પાર્ટનર્સને લાભ મળશે. કોર્ટના પાંચ જસ્ટિસે પેન્શન સ્કીમમાંથી નોમિનેશન ફોર્મની જરૂરિયાત દૂર કરવા જણાવ્યું હતું. યુકેમાં લગ્ન વિના સાથે રહેતાં લોકોની સંખ્યા ૨૦૧૫ સુધીમાં છ મિલિયનથી પણ વધી છે.

• સરે કાઉન્સિલે પીછેહઠ કરી

સરે કાઉન્સિલે સામાજિક સંભાળ સહિતના ખર્ચ માટે કાઉન્સિલ ટેક્સમાં ૧૫ ટકાનો વધારો કરવા મતદાન કરાવવાની યોજનામાં છેલ્લી ઘડીએ પીછેહઠ કરી હતી. હવે આગામી વર્ષ માટે પાંચ ટકાથી પણ ઓછાં ટેક્સવધારાની ભલામણ કરાશે. કાઉન્સિલના કન્ઝર્વેટિવ નેતા ડેવિડ હોજે સરકારી બજેટમાં કાપ તથા વધતા સેવાખર્ચને ધ્યાનમાં રાખી ટેક્સ વધારવા મુદ્દે રેફરન્ડમની યોજના ઘડી હતી. બ્રિટિશ સરકાર આ મુદ્દે લાંબા ગાળાનો ઉકેલ લાવશે તેવું કારણ દર્શાવી કાઉન્સિલે પીછેહઠ કરી હોવાનું કહેવાય છે.

• બદનક્ષી વળતર ચુકવવા આદેશ

યોર્કશાયર અને હમ્બરના Ukipના યુરોપિયન પાર્લામેન્ટના સભ્ય જેન કોલીન્સે નિંદા અને બદનક્ષીના કેસમાં ૧૬૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ચુકવવી પડશે તેવો ચુકાદો લંડન હાઈ કોર્ટે આપ્યો છે. તેમણે કદાચ કાનૂની ખર્ચના વધારાના ૧૯૬,૦૦૦ પાઉન્ડ ચુકવવા પડે તેમ મનાય છે. જેન કોલીન્સે સપ્ટેમ્બર ૨૦૧૪માં પક્ષના અધિવેશનમાં આક્ષેપો કર્યાં હતાં કે લેબર પાર્ટીના ત્રણ સાંસદોને રોધરહામમાં વ્યાપક બાળ યૌનશોષણની જાણકારી હતી પરંતુ, તેમણે ઈરાદાપૂર્વક કશું નહિ કરવા પસંદ કર્યું હતું. કોલીન્સે સાંસદો સારાહ ચેમ્પિયન (રોધરહામ,), કેવિન બેરન (રોધર વેલી) અને જ્હોન હીલી (વેન્ટવર્થ એન્ડ ડીઅર્ને)ને દરેકને ૫૪,૦૦૦ પાઉન્ડ ચુકવવા પડશે. જજ જસ્ટિસ વાર્બીએ ખર્ચ અને ડેમેજિસ સાથે ૧૨૦,૦૦૦ પાઉન્ડ વચગાળાની ચુકવણી ૨૧ દિવસમાં કરી દેવાનો આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter