પુરુષો ચશ્મા પહેરેલી છોકરીઓ તરફ ભાગ્યે અથવા અછડતી નજર જ નાખે છે. ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચશ્મા પહેરતાં સ્ત્રી- પુરુષો માટે સામેની વ્યક્તિને પસંદ કરે છે તેવો સંકેત આપવાનું પ્રમાણ ૧૨ ટકા જેટલું ઘટી જાય છે. સોશિયોલોજિસ્ટ સંશોધક ડો. જેસિકા કાર્બિનોએ કહ્યું હતું કે આપણે સામેની વ્યક્તિ પ્રત્યે આકર્ષાયા છીએ કે નહિ તેનો નિર્ણય કરવામાં સંભવિત પાર્ટનરની આંખોમાં જોવાની બાબત મહત્ત્વપૂર્ણ છે. આંખની કીકીને નિહાળવાથી તે વ્યક્તિ પર વિશ્વાસ મૂકી શકાય કે નહિ તેની ચાવી મળે છે.
• બ્રેઈન માટે મેડિટેરિયન ડાયેટ લાભકારી
ફળો, શાકભાજી અને ઓલિવ ઓઈલથી સમૃદ્ધ મેડિટેરિયન ડાયેટ વૃદ્ધાવસ્થામાં મગજના સંકોચાવાની પ્રક્રિયા ધીમી પાડી શકે છે તેમ યુનિવર્સિટી ઓફ એડિનબરાના સંશોધને જણાવ્યું છે. સંખ્યાબંધ અભ્યાસોએ મગજના ભાવિ સાથે કાર્ડિયોવાસ્કુલર આરોગ્ય ગાઢપણે સંકળાયેલું હોવાનું દર્શાવ્યું હોવાં છતાં, આહારની ચોક્કસ આદતો નોંધપાત્ર ભૂમિકા ભજવતી હોવાના સારાં પુરાવા અત્યાર સુધી મળી શક્યા ન હતા. સંશોધકોએ ૭૦ વર્ષની વયના ૫૬૨ સ્કોટિશ લોકોને તેમની આહારની આદતો વિશે પ્રશ્નો કર્યા હતા. વનસ્પતિજન્ય આહારનું વધુ પ્રમાણ તેમજ માંસ અને રીફાઈન્ડ સુગરનું પ્રમાણ ઘટાડવાથી તેમના રુધિરાભિસરણને લાભ થયો હતો તથા હૃદયરોગો અને સ્ટ્રોકનું જોખમ ઘટતું હતું.
• ડાયેટ ડ્રિન્ક્સ વજન વધારી શકે
સુગર-ફ્રી અને ડાયેટ ડ્રિન્ક્સ વજન ઘટાડવા માટે ખાસ મદદરૂપ નથી અને તેનાથી વજન વધી શકે તેવો સંશોધકોએ દાવો કર્યો છે. ઈમ્પીરિયલ કોલેજ દ્વારા ૩૦ વર્ષના અભ્યાસોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ સમીક્ષામાં સુગર-ફ્રી વિકલ્પો વજનવૃદ્ધિ અથવા ટાઈપ-ટુ ડાયાબિટીસ અટકાવી શકે અથવા તંદુરસ્ત બોડી માસ ઈન્ડેક્સ જાળવી શકે છે તેવા કોઈ પુરાવા હાથ લાગ્યા ન હતા. કૃત્રિમ ગળપણ ધરાવતા પીણાંમાં કેલરી ઓછી હોય છે છતાં, તે મગજના સ્વીટ રિસેપ્ટર્સને ટ્રિગર કરે છે, જેનાથી લોકોને ખાવાની ઈચ્છા વધી જાય છે.
• ટેસ્કોના સીનિયર ડિરેક્ટરનું રાજીનામું
એક સમયે સુપરમાર્કેટ ચેઈન ટેસ્કોના ચેરમેન બનવાનું કહેવાતું હતું તે સીનિયર સ્વતંત્ર ડિરેક્ટર રિચાર્ડ કઝિન્સે હોદ્દા પરથી રાજીનામું આપી દેતા સનસનાટી મચી છે. તેમના નાટ્યાત્મક રાજીનામા વિશે કોઈ સત્તાવાર ખુલાસો કરાયો નથી. ટેસ્કોના હિસાબોમાં ૨૫૦ મિલિયન પાઉન્ડની કહેવાતી ગરબડ બહાર આવ્યા પછી ઈન્વેસ્ટર્સ સાથે સંબંધો સુધારવા નવેસરથી પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કમ્પાસ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવની વિદાયથી ટેસ્કોને ધક્કો લાગ્યો છે. હિસાબોના કારણે ઘણા સીનિયર ડિરેક્ટર્સ ટેસ્કો છોડી ગયા છે અને તેના શેર્સની કિંમતોને પણ અસર પહોંચી છે.

