યુગવ દ્વારા કરાયેલા સર્વે અનુસાર જો આજે યુકેમાં ચૂંટણી યોજાય તો ટોરી પાર્ટીના જીતવાની શક્યતા ઘણી ઉજળી છે. ૪૨ ટકા બ્રિટિશરોએ ટોરી પાર્ટીને મત આપવાનો ઈરાદો જાહેર કર્યો છે, જ્યારે લેબર પાર્ટી (૨૫ ટકા), યુકેઆઈપી (૧૨ ટકા), લિબ ડેમોક્રેટ્સ (૧૧ ટકા) તથા અન્ય પક્ષોને ૧૧ ટકા મત મળવાની સંભાવના છે. આમ, શાસક કન્ઝર્વેટિવ પાર્ટી અને મુખ્ય વિપક્ષ લેબર પાર્ટી વચ્ચે ૧૭ પોઈન્ટની ભારે ખાઈ છે. ગોર્ડન બ્રાઉન ૨૦૦૯માં વડા પ્રધાન હતા તે પછી લેબર પાર્ટીની લોકપ્રિયતા આટલી નીચે ગઈ છે.
• ક્રાઈમવોચ દ્વારા ગુનેગારનો પર્દાફાશ
કિશોરીઓને નિશાન બનાવતી સેક્સ રિંગના હિસ્સારુપ ૩૨ વર્ષીય મહિલા લૈલા કાસમને જેલમાં ધકેલી દેવાઈ છે. લૈલાને ૧૫ વર્ષીય છોકરીનાં જાતીય શોષણના ગુનામાં ચાર વર્ષની સજા અપાય તે પહેલા જ પ્રેમી સાથે સ્પેન નાસી ગઈ હતી. સ્પેનના ઈબિઝામાં તે ફાર્મમાં નોકરી કરતી હતી તેના માલિકે ક્રાઈમવોચ શોમાં લૈલાને જોયા પછી તેનું પ્રત્યાર્પણ શક્ય બન્યું હતું.
• મોતમાં પણ પત્નીનો સાથ ન છોડ્યો
આગમાં ભસ્મ થઈ રહેલા મકાનમાં પથારીવશ પત્નીનો સાથ નહિ છોડીને પતિએ પણ મોતને વહાલું કર્યું હતું. કેમ્બ્રીજશાયર અને પીટરબરા માટેના સિનિયર કોરોનર ડેવિડ ડેનિંગે ઈન્ક્વેસ્ટમાં અકસ્માતે મોતનો ચુકાદો જાહેર કર્યો હતો. ગત માર્ચમાં કાર્ડબોર્ડ બોક્સના કારણે ઘરમાં અચાનક આગ લાગતા ૬૭ વર્ષીય રોજર ફ્રીસ્ટોને તેમની ૬૫ વર્ષીય પથારીવશ પત્ની મોરીનને એકલા છોડી જવાનો ઈનકાર કર્યો હતો. આગમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું.

