યુકેમાં આઠ જેટલા બ્રિટિશ ત્રાસવાદીઓ ત્રાસવાદી હુમલો કરવા માટે સજ્જ થઈને બેઠા છે. આમાંથી ચાર અથવા પાંચ જેહાદીએ ઈરાક અને સીરિયામાં બોમ્બ અને ગન હુમલાઓની તાલીમ મેળવી હોવાનું કહેવાય છે. સ્કાય ન્યુઝ દ્વારા કરાયેલા ઈન્વેસ્ટિગેશનના આધારે કરાયેલા દાવામાં જણાવાયું છે કે બાકીના ત્રણ કટ્ટરવાદીએ દેશમાં જ કટ્ટરતાના પાઠ મેળવ્યા છે. બ્રિટિશ જેહાદીઓ લડવા માટે સીરિયા આવ્યા વિના યુકેમાં જ હુમલાઓ કરે તેના પર ઈસ્લામિક સ્ટેટ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
• શીખ તાલિબાન શબ્દ સામે સમુદાયનો વિરોધ
બીબીસી રેડિયો જોકી અને પ્રેઝન્ટર બોબી ફ્રિક્શને ટ્વીપર પર શીખ તાલિબાન શબ્દપ્રયોગથી શીખ સમુદાયનો તીવ્ર વિરોધ વહોરી લીધો છે. શીખ સમુદાયે બીબીસી સમક્ષ ફરિયાદનો ધોધ વહાવવા ઓનલાઈન પીટિશન પણ લોન્ચ કરી છે. શીખોએ તેની પાસે માફીની માગણી કરી ત્યારે ફ્રિક્શને આ શબ્દપ્રયોગને વાજબી ઠેરવવા પ્રયાસ કર્યો હતો. અગ્રણી શીખ સંસ્થાઓએ તેની ટીપ્પણીઓને બેજવાબદાર અને અસ્વીકાર્ય ગણાવી હતી. શીખ સમુદાયે જણાવ્યું હતું કે તાલિબાન શબ્દ કટ્ટરવાદી ઈસ્લામિક રાજકીય ચળવળ સાથે સીધો જોડાયેલો છે અને કાયદાપાલક શીખો માટે આવી ભાષાનો ઉપયોગ અયોગ્ય છે.
• ડાયાબીટીસની સારવાર માટેના ઔષધોનો ખર્ચ ૧૦ ટકા થયો
ડાયાબીટીસનો વ્યાપ જોખમી રીતે વધી રહ્યો છે. દવાઓના પ્રીસ્કિપ્શન્સ પાછળ કરાતા વાર્ષિક ખર્ચાઓમાં ડાયાબીટીસની સારવાર માટેના ઔષધોનો ખર્ચ ૧૦ ટકા થયો છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટરના આંકડાઓ અનુસાર ૨૦૧૪ના વર્ષમાં ડાયાબીટીસથી પીડાતાં લોકોની સારવાર માટે £૮૬૮.૬ મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ ૨૦૧૩માં કરાયેલા ખર્ચમાં £૬૫.૫ મિલિયનનો વધારો સૂચવે છે.
• યુકે ચાર બાળકોના પરિવાર સાથે યુરોપમાં મોખરે
યુકેમાં ચાર અથવા તેથી વધુ બાળકોના પરિવારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર યુરોપમાં યુકેમાં પરિવારનું કદ ઝડપથી બદલાઈ રહ્યું છે. પરિવારમાં ૨.૪ બાળક બાળકના ટ્રેન્ડનો અંત આવ્યો છે. ઈમિગ્રેશનના કારણે અને અતિ તવંગર પરિવારોમાં વધુ બાળકોનું ચલણ વધવાથી બ્રિટનમાં મોટા પરિવારોની સંખ્યા ૪૦ વર્ષમાં સૌથી વધુ થઈ છે.
• કામકાજનું સ્થળ કઠોર જ હોય તે સમજવું જોઈએ
‘વીકેસ્ટ લિન્ક’ના પૂર્વ હોસ્ટ એન રોબિન્સને કામના સ્થળોએ વધી રહેલા ‘વિક્ટિમ કલ્ચર’ સામે વિરોધ દર્શાવ્યો છે. તેણે કહ્યું હતું કે રંગભેદ અથવા જાતીયતાની ફરિયાદ કરતા લોકોએ કામનું સ્થળ કઠોર જ હોય તે સ્વીકારી લેવું જોઈએ. ૭૦ વર્ષના મિસ રોબિન્સને ન્યુઝપેપર જર્નાલિસ્ટ તરીકે કારકીર્દિનો આરંભ કર્યા પછી ટેલિવિઝન ક્ષેત્રે ‘પોઈન્ટ્સ ઓફ વ્યૂ’ જેવા શો પ્રેઝન્ટ કરીને પ્રસિદ્ધિ હાંસલ કરી હતી.
• મોરિસન્સ દ્વારા કન્વીનિઅન્સ સ્ટોર્સનું વેચાણ કરાશે
મોરિસન્સ તેના M Local કન્વીનિઅન્સ સ્ટોર્સ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ગ્રેબુલને વેચાણ કરે તેવા ઉજળા સંજોગો છે. આ અંગેની વાતચીત આખરી તબક્કામાં છે. મોરિસન્સ તેના ૧૫૦થી ૧૬૦ સ્ટોર્સમાંથી £૨૫૦ મિલિયનથી £૩૫૦ મિલિયનનું વેચાણ ધરાવે છે. ગયા વર્ષે મોનાર્ક એરલાઈન્સને નાદારીમાંથી બચાવવા આગળ આવેલી ગ્રેબુલ કેપિટલ કન્વીનિઅન્સ સ્ટોર્સને ખરીદવા અને કાર્યકારી મૂડી આપવા લાખો પાઉન્ડનું રોકાણ કરશે. મોરિસન્સ સ્ટોર્સ ખરીદવા અનેક ખરીદારો મેદાનમાં હતા, પરંતુ ગ્રેબુલ મેદાન મારી જશે તેમ જણાય છે.