આતંકવાદ સામેની લડતને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ દળોને ૫૦ મિલિયન પાઉન્ડની સહાય અપાશે. આ રકમનો ઉપયોગ ઈન્ટેલીજન્સ અને સર્વેલન્સને સુદ્રઢ બનાવવામાં અને સિટી સેન્ટરોનું પેટ્રોલિંગ કરતા સશસ્ત્ર ઓફિસરોનું વેતન વધારવામાં થશે.
• માટીના મકાનમાં રહેતી મહિલાને મકાન ખાલી કરવા નોટિસ
નોર્થ ડેવન કાઉન્સિલે ચમલે પાસે માટીના મકાનમાં રહેતી ૪૬ વર્ષીય કેટ બરોઝ અને તેના ૪૮ વર્ષીય પાર્ટનર એલનને પ્લાનિંગ પરમિશન ન હોવાથી મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી. જોકે, બરોઝને મેઈન્સ વોટર, ઈલેકટ્રિસિટી, વાઈ-ફાઈ અને રંગની એલર્જી છે અને તેનાથી બચવા તેમણે આ મકાન બનાવ્યું હતુ. મકાનમાં રહ્યા પછી બરોઝની તબીયત સંપૂર્ણપણે સારી થઈ છે. કાઉન્સિલ તેમને ટ્રાવેલોજ હોટેલમાં ખસેડવા માગે છે. જોકે, બરોઝે જણાવ્યું હતું કે તેને હોટલમાં રહેવાની ફરજ પાડવામાં આવશે તો તે પથારીવશ થઈ જશે.
• સુન્નત ટ્રેનિંગ કિટનું વેચાણબંધ
એમેઝોન દ્વારા તેની વેબસાઈટ પરથી સર્કમસિઝન મટ્રેનિંગ કિટનું વેચાણ બંધ કરાયું છે. આ વેચાણ ડુ ઈટ યોરસેલ્ફ સર્જરીને ઉત્તેજન આપતું હોવાની ચિંતાના પગલે આ નિર્ણય લેવાયો હતો. પુરુષની સુન્નત પ્રક્રિયામાં તેના જનનાંગની આગળની ત્વચા દૂર કરવામાં આવે છે. સુન્નતની પ્રક્રિયા ધાર્મિક અથવા તબીબી કારણોસર અને મુખ્યત્વે નાની વયે કરવામાં આવે છે.
• મહિલાએ ગર્ભપાતનો ઈન્કાર કર્યો
૩૦ વર્ષીય હેઈલી માર્ટિન ગર્ભવતી થઈ તેના ૨૦ અઠવાડિયા પછી સ્કેનિંગમાં જણાયું હતું કે તેની બાળકી જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામશે. માર્ટિને તેમ છતાં તેના અંગોનું ડોનેશન કરવાના હેતુથી ગર્ભપાતનો ઈન્કાર કર્યો હતો. તેને ક્રિસમસના સપ્તાહ દરમિયાન જ પ્રસૂતિની પીડા થવાની છે અને તે બાળકીને જન્મ આપશે.
• બ્રિટિશ બિઝનેસીસને ઈયુ કામદારોની અછત
ઈયુ કામદારોએ નોકરીઓ અને યુકે છોડી સ્વદેશ તરફ પ્રયાણ આદરતા બ્રિટિશ બિઝનેસીસને વર્કરોની અછત વર્તાઈ રહી છે. આના પરિણામે, હોટેલ્સ અને હોસ્પિટાલિટી ફર્મ્સને ધંધો બંધ કરવો પડે તેવી દહેશત લાગે છે. બીજી તરફ, ઈજનેરી અને ઉત્પાદન કંપનીઓ જરુરી કામદારો મેળવવાં દરિયાપાર નજર દોડાવી રહી છે ત્યારે આ પ્રક્રિયામાં બ્રિટિશ વર્કર્સને નુકસાન થઈ રહ્યું છે. માઈગ્રેશન એડવાઈઝરી કમિટી દ્વારા પુરાવા મંગાતા બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિભાવ તરીકે કંપનીઓને કડક ચેતવણીઓ અપાઈ છે.
• જીપીને NHS દ્વારા વર્ષે £ ૭૦૦,૦૦૦થી વધુ ચુકવણી
બ્રિટનમાં સૌથી વધુ કમાતા ફેમિલી ડોક્ટરને NHS દ્વારા વર્ષે ૭૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ચુકવાય છે. આના પરિણામે ઉત્તરદાયિત્વ વિનાના જીપી સામ્રાજ્ય વિશે ભારે ચિંતા ઉભી થઈ છે. અખબારી અહેવાલ મુજબ વર્ષે ૨૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ મેળવતા ૨૦૦થી વધુ ફેમિલી ડોક્ટર્સમાં એક અનામી જીપીનો પણ સમાવેશ થાય છે, જે હજારો પેશન્ટ્સ માટે જવાબદાર સંખ્યાબંધ સર્જરીઝનું સંચાલન કરે છે. તેને NHS દ્વારા ૨૦૧૫-૧૬ના વર્ષમાં ૭૦૦,૦૦૦થી ૭૯૯,૦૦૦ પાઉન્ડ વચ્ચેની કમાણી થઈ છે. જોકે, સરેરાશ જીપીને ૯૦,૦૦૦ પાઉન્ડ ચુકવાય છે અને ૨૦૧૦થી તેમની કમાણી સતત ઘટતી જાય છે.
• બ્રિટિશરોમાં એન્ટિ-ડિપ્રેશન્ટ ગોળીઓનો વધુ ઉપયોગ
અન્ય દેશોની સરખામણીએ બ્રિટનમાં એન્ટિ-ડિપ્રેશન્ટ ગોળીઓનો ઉપયોગ ભારે ઝડપથી વધી રહ્યો છે. સમૃદ્ધ વિશ્વમાં લાગણીની પીડાનો સામનો કરવા માટે વિભાજિત સમાજને મુશ્કેલી નડી રહી છે ત્યારે એન્ટિ-ડિપ્રેશન્શનાં પ્રીસ્ક્રિપ્શન વધી રહ્યાં છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના આંકડા અનુસાર દર ૧,૦૦૦ વ્યક્તિએ દરરોજ એક ડોઝ લેનારા બ્રિટિશરની સંખ્યા ૯૪૨ની છે. બ્રિટનથી આગળ પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા અને આઈસલેન્ડ છે.

