કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ કિશોર વયના બાળકોનું શોષણ કરાઈ રહ્યું હતું તેવા સમર કેમ્પ્સમાં કામ કર્યું હોવાંની કબૂલાત કરી તે બદલ સ્પષ્ટ અને બિનશરતી માફી માગી છે. તેમણે કેમ્પ્સમાં બાળકોને મારવામાં આવતા હોવાં બદલ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ વતી પણ માફી માગી હતી. પબ્લિક સ્કૂલના બાળકો માટે ક્રિશ્ચિયન હોલિડે કેમ્પ્સ ચલાવતી અને ચર્ચ સાથે ગાઢપણે સંકળાયેલી ચેરિટી ઈવરિન ટ્રસ્ટના ચેરમેન જ્હોન સ્મીથ સામે બાળકો અને યુવાનોને સખ્ત માર મારવાના આક્ષેપો થયેલા છે. ચર્ચને સૌપ્રથમ ૧૯૮૨માં આવા શોષણની જાણ તઈ હતી પરંતુ, પોલીસને તેનો રિપોર્ટ કર્યો ન હતો.
• બ્રેક્ઝિટ સામે કાનૂની પડકાર અટકાવાયો
યુરોપિયન ઈકોનોમિક એરિયા અને સિંગલ માર્કેટમાંથી બહાર નીકળવાની થેરેસા સરકારની રણનીતિને પડકારતી કાનૂની અરજીને કસમયની ગણાવી હાઈ કોર્ટના લોર્ડ જસ્ટિસ લોઈડ જોન્સ અને મિ. જસ્ટિસ લુઈએ ફગાવી દીધી હતી. બે અરજદારો દ્વારા કાનૂની પડકારમાં જણાવાયું હતું કે સરકારે EEAમાંથી બહાર નીકળવા આર્ટિકલ ૧૨૭ હેઠળ અલગ કાયદો ઘડવો જોઈએ. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે દાવો કવેળાનો છે કારણકે જે ઘટનાઓ અંગે મૂલ્યાંકન કરવાનું કહેવાય છે તે હજુ બની નથી. સરકાર તરફથી જેમ્સ એડી QCએ હાઈ કોર્ટને રજૂઆત કરી હતી કે EEA છોડવા કયો કાનૂની માર્ગ અપનાવાશે તેનો નિર્ણય હજુ મિનિસ્ટર્સ દ્વારા લેવાયો નથી ત્યારે આ પડકાર કસમયનો હોવાથી તેને ફગાવી દેવો જોઈએ.
• ગુપ્તચર એજન્સી મહિલા સ્ટાફ વધારી રહી છે
બ્રિટનની ગુપ્તચર એજન્સીઓ MI-6, GCHQ અને MI-5 દ્વારા ભરતી માટે વિજ્ઞાપન જારી કરવામાં આવ્યું છે. ત્રણે એજન્સી ભરતીમાં મહિલાઓની સંખ્યા વધારવા પર ભાર મૂકી રહી છે. MI-5એ ૨૦૨૧ સુધી ૪૫ ટકા સુધી મહિલા સ્ટાફ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પ્રક્રિયામાં તે મધ્ય વયની હાઇ ઇન્ટેલિજન્સ ઇમોશનલવાળી મહિલાઓને પ્રાથમિકતા આપી રહી છે. MI-5 ને ગયા વર્ષે ટોપ-૫૦ સંસ્થાઓમાં સામેલ કરવામાં આવી, જેણે ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરીને પાંચ ટકાને બદલે ૪૧ ટકા સુધી મહિલા એજન્ટ ભરતી કર્યાં છે.
• શરણાર્થીઓને એશિયા-લેટિન અમેરિકા ખસેડાશે
સીરિયા અને અન્ય દેશોમાંથી આવતા શરણાર્થીઓને એશિયા અને લેટિન અમેરિકામાં નવા જીવનના આરંભ માટે પ્રોત્સાહિત કરવા UNની યોજનામાં યુકે દ્વારા ૩૦ મિલિયન પાઉન્ડની મદદની જાહેરાત કરવામાં આવી છે. ગરીબ દેશોમાં શરણાર્થીઓના પુનઃવસનમાં સમૃદ્ધ દેશો મદદ કરે તેવી આ યોજનાનો કુલ ખર્ચ ૯૦ મિલિયન પાઉન્ડ અંદાજાયો છે. માલ્ટામાં ઈયુ શિખર પરિષદમાં વડા પ્રધાન થેરેસા મેએ આ ફંડમાં બ્રિટિશ ફાળાની જાહેરાત કરી હતી. ગ્રીસ અને પૂર્વ યુરોપમાં હજારો શરણાર્થીઓને ગરમ વસ્ત્રો, આશ્રય અને તબીબી સંભાળ પુરી પાડવા આ ફંડમાંથી ખર્ચ કરાશે. જોકે, ત્રણ વર્ષમાં ૩૦,૦૦૦ જેટલા શરણાર્થીને સ્થળાંતરમાં સહાયરુપ થવાની આ સ્વૈચ્છિક યોજના પ્રારંભિક અવસ્થામાં છે અને કયા ગરીબ દેશો યજમાનગીરી નિભાવશે તે નિશ્ચિત થયું નથી.
• પીઢ કામદારોની વધુ જરૂર પડશે
સરકારે વધુ વયના કામદારોને છૂટા ન કરવા કંપનીઓને અનુરોધ કર્યો છે. સરકારના તારણ મુજબ આગામી વર્ષ ૨૦૩૫ સુધીમાં હાલ કામ કરતા શ્રમિકો પૈકી ૫૦ ટકાની વય ૫૦ અથવા તેથી વધુની થશે. અત્યારે તે ૨૫ ટકા છે. પરંતુ, ધીમા જન્મદર અને બ્રેક્ઝિટની અસરને લીધે અર્થતંત્રે ૫૦થી વધુની વયના કામદારો પર વધુ આધારિત રહેવું પડશે.
• જાતીય ગુનામાં બાળકોની સંડોવણી વધી
જાતીય ગુના માટે પોલીસ દ્વારા તપાસ થઈ હોય તેવા બાળકોની સંખ્યા છેલ્લાં ચાર વર્ષમાં લગભગ બમણી થઈ છે. અન્ય યુવાનોની સરખામણીમાં જાતીય ગુના આચરવા માટે ગુનેગાર ઠરતા બાળકો વધુ હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. આ વધારા માટે સ્માર્ટફોન જેવી પર્સનલ ટેક્નોલોજીને જવાબદાર ગણવામાં આવે છે.

