પાર્લામેન્ટના રેડિંગ વેસ્ટના સાંસદ આલોક શર્માને ભારત માટે વડા પ્રધાન કેમરનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એનવોય તરીકે નિયુક્ત કરાયા છે. તેમણે તાજેતરમાં યુકેના ચાન્સેલર ઓસ્બોર્ન અને ભારતના નાણાપ્રધાન જેટલીની અધ્યક્ષતામાં મળેલી આઠમી યુકે-ઈન્ડિયા ઈકોનોમિક એન્ડ ફાઈનાન્સિયલ મંત્રણામાં હાજરી આપી હતી. આ સમયે તેમની નિયુક્તિની જાહેરાત કરાઈ હતી. તેમણે ૨૦૧૦માં સાંસદ તરીકે ચૂંટાયા પહેલા ૨૦ વર્ષ આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ બાબતો અંગે કંપનીઓને સલાહ આપવાની કામગીરી બજાવી હતી. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુકે પ્રવાસના આયોજનની યુકે સરકારની ટીમ સાથે સંકળાયા હતા.
• એમસ્ટર્ડેમ એરપોર્ટ પર હિન્દુ ધર્મગ્રંથો
નેધરલેન્ડ્ઝના સૌથી મોટા અને વિશ્વના વ્યસ્ત એરપોર્ટ્સમાં સ્થાન ધરાવતા એમસ્ટર્ડેમ શિફોલ એરપોર્ટ ખાતે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા, ચાર વેદ અને અન્ય પવિત્ર ગ્રંથો રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓ એરપોર્ટના એફ-ગેટ્સ નજીક ૨૪ કલાક ખુલ્લા રહેતા મેડિટેશન સેન્ટરમાં તેનો લાભ લઈ શકે છે. આ સેન્ટરમાં પ્રાર્થના, ધ્યાન-યોગ, મૌનની હળવાશ અને સામૂહિક પ્રાર્થના યોજી શકાય છે. નેવાડા (યુએસ)સ્થિત હિન્દુ અગ્રણી રાજન ઝેડે આ વ્યવસ્થાને આવકારી હતી. તેમણે વિશ્વના અન્ય અગ્રણી એરપોર્ટ્સને હિન્દુઓ માટે આવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો.
• ચાકુથી હુમલામાં એક વ્યક્તિનું મોત
વેસ્ટ લંડનના રોઝડેલ પાર્કના ટેનિસ કોર્ટમાં એક વ્યક્તિની ચાકુના ઘાથી હત્યા કરાયા પછી પોલીસે તપાસ આરંબી હતી. આ ઘટના સંબંધે ચાર વ્યક્તિની ધરપકડ પછી પૂછપરછ શરૂ કરાયા છતાં પોલીસે ઘટનાને નજરે નિહાળનાર સાક્ષીઓને માહિતી આપવા અનુરોધ કર્યો હતો. પોલીસ માને છે કે મૃત વ્યક્તિ અહીં કોઈને મળવા આવી હોવાની શક્યતા છે.
• હત્યાનો શકમંદ ૧૯ વર્ષ પછી યુએસમાં ઝડપાયો
લંડનના ઈઝલિંગ્ટનમાં ૧૯ વર્ષ અગાઉ ૧૯૯૭માં એક ટેકઅવે ડ્રાઈવરની હત્યા સંદર્ભે ફોયજૂર રહેમાનને અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. યુએસ અંડરકવર પોલીસ દ્વારા ટેક્સાસમાં શંકાના આધારે ધરપકડ પછી રહેમાનની બ્રિટનને સોંપણી કરાઈ હતી. તેણે પોતાની દુકાન પર ‘હું ૨૦ મિનિટમાં પાછો આવીશ’ની નોંધ લગાવી હતી. તેની સામે કેનનબરીના અબ્દુસ સામદની હત્યાનો આરોપ છે. બોગસ ડિલિવરી ઓર્ડરથી સામદને લલચાવી બોલાવાયા પછી બે બુકાનીધારી વ્યક્તિએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. એક ગુનેગાર મોહીયુદ્દીન બબલુના બાંગલાદેશમાંથી પ્રત્યાર્પણ પછી ૨૦૧૨માં ઓલ્ડ બેઈલી કોર્ટે તેને દોષિત ઠરાવી ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
• ઈયુમાં રહેવા માટે અભિયાન
ડેવિડ કેમરનને ચૂંટણીમાં વિજય માટે મદદ કરનારા અમેરિકન સલાહકાર જિમ મેસ્સિનાને બ્રિટનને ઈયુમાં રાખવાનું અભિયાન તૈયાર કરવાની કામગીરી સોંપાઈ છે. તમામ પક્ષોના ‘રીમેઈન’ કેમ્પેઈન ગ્રૂપમાં મેસ્સિનાની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી માટે ચાવીરૂપ મતદાર જૂથોની ઓળખ અને લક્ષ્યાક બનાવવાની કામગીરી માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમને અંદાજે ૪૦૦,૦૦૦ પાઉન્ડ ચુકવ્યા હતા.
• વિઝા મુદ્દે યુએસના વિદ્વાન જેલમાં
અમેરિકાના શેક્સપીઅરન વિદ્વાન ડો. પોલ હેમિલ્ટનની ગેરકાયદે ઈમિગ્રન્ટ તરીકે ૧૦ દિવસ અટકાયત કરાઈ હતી. ડો. હેમિલ્ટને તાજેતરમાં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની શેક્સપીઅર ઈન્સ્ટિટ્યુટમાંથી પીએચ.ડીની ડીગ્રી હાંસલ કરી હતી. તેણે યુએસ પાછા જવાની ઓપન ટિકિટ કરાવી હોવા છતાં તેને યુકેમાંથી ડિપોર્ટ કરવામાં આવશે. તે કેદમાં હોવાં છતાં હોમ ઓફિસ દ્વારા ૨૭ જાન્યુઆરીએ તેને સ્વેચ્છાએ બ્રિટન છોડી જવા પાંચ દિવસની મહેતલ અપાઈ હતી. ડો. હેમિલ્ટને તેની સાથે કરાયેલા વ્યવહાર અંગે આઘાત દર્શાવ્યો હતો.
• ઓક્સફર્ડના કન્વર્ટ પોલીસ તપાસના દાયરામાં
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વ્હાઈટ મુસ્લિમ કન્વર્ટ જેક લેટ્સ છેલ્લા એક વર્ષથી પોલીસ તપાસના ઘેરામાં છે. જેકના સંબંધો ઈસ્લામિક સ્ટેટ (Isis) સાથે હોવાની શંકાથી તેના ઘર પર બે વખત દરોડા પડાયા હતા. તેના લેપટોપ અને મોબાઈલ્સ જપ્ત કરાયા હતા. જોકે, ગુનાના કોઈ પૂરાવા મળ્યા ન હતા. જેક ૨૦૧૪માં સીરિયા ગયા પછી સહાયકાર્યમાં સામેલ થયો હતો. તેના ફેસબુક પેજમાં પણ કેટલીક વાંધાજનક પોસ્ટ પણ જોવા મળી હતી.
• નિર્વાસિત બાળકોને યુકેમાં પ્રવેશની હાકલ ફગાવાઈ
વડા પ્રધાન ડેવિડ કેમરને યુરોપમાં આવી ચુકેલા ૩,૦૦૦ અનાથ નિર્વાસિત બાળકોને બ્રિટનમાં પ્રવેશ આપવાની હાકલને ફગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે યુકે આના બદલે યુએન સાથે મળીને કામ કરશે અને સીરિયાની આસપાસની શરણાર્થી છાવણીઓમાંથી સેંકડો અનાથ બાળકોને યુકેમાં લાવશે. ‘સેવ ધ ચિલ્ડ્રન’ ચેરિટી દ્વારા સીરિયા અને અફઘાનિસ્તાન સહિત યુદ્ધગ્રસ્ત દેશોના હજારો અનાથ નિર્વાસિત બાળકોનો ક્વોટા સ્વીકારવા હાકલ કરાઈ હતી. લેબર પાર્ટીના જેરેમી કોર્બીન અને લિબ ડેમના ટિમ ફેરોને આ માગણીને સમર્થન આપ્યું હતું.

