૧૦૯ વર્ષનું આયુષ્ય પૂરું કરનારાં ઈંગ્લેન્ડના ચોથા સૌથી વૃદ્ધ મહિલા ડેઈઝી બાસ્ટિને પોતાનાં દીર્ઘાયુષ્યનું રહસ્ય તાજી ડુંગળીનું સેવન હોવાનું જણાવ્યું હતું. સમરસેટના ગ્લેસ્ટનબરીમાં પોતાની માલિકીના ફ્લેટમાં રહેતાં બાસ્ટિને ઉમેર્યું હતું કે તેઓ હંમેશાં ડુંગળીનો ઉપયોગ કરીને થોડીક રસોઈ જાતે જ બનાવે છે. ત્વચા માટે પણ ડુંગળી સારી છે. તેમનાં લગ્ન આલ્ફ સાથે થયાં હતાં અને તેમનું લગ્નજીવન ૫૦ વર્ષ રહ્યું હતું. તેમને એક પુત્ર માઈકલ હતો.
• બેબી રાઈસ કેક્સમાં ગેરકાયદે માત્રામાં ઝેર જણાયું
સુપરમાર્કેટ્સમાં મળતી ૭૫ ટકા બેબી રાઈસ પ્રોડક્ટ્સમાં ગેરકાયદે માત્રામાં ઝેરનું પ્રમાણ હોવાની સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી હતી. ઈયુએ ગયા જાન્યુઆરીમાં ઉત્પાદકો માટે આહારમાં ઈનોર્ગેનિક આર્સેનિકની મહત્તમ મર્યાદા નિર્ધારિત કરી હતી. ક્વીન્સ યુનિવર્સિટી, બેલ્ફાસ્ટ દ્વારા અભ્યાસમાં જણાયું હતું કે ઘણાં ફૂડ મેન્યુફેક્ચરર્સ હજુ નિયત ધારાધોરણોનું પાલન કરતા નથી. ઝેરની અસર બાળકોને ખૂબ ઝડપથી થતી હોવાથી બાળકનો વિકાસ અટકી જાય છે તથા તેના IQ અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે.
• પ્રસંગોપાત ધૂમ્રપાન પણ આરોગ્ય માટે હાનિકારક
મિત્રો સાથે બહાર ગયા હોઈએ ત્યારે ધૂમ્રપાન કરીએ તો તેનાથી કોઈ નુક્સાન થતું નથી તેવું આપણે માનીએ છીએ. પરંતુ, હવે નવા સંશોધન મુજબ આવું ધૂમ્રપાન દૈનિક ટેવની જેમ જ હૃદય માટે નુક્સાનકારક પૂરવાર થઈ શકે. પ્રસંગોપાત ધૂમ્રપાન કરતા લોકો તેમજ દરરોજ સિગારેટ પીતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર અને ચિંતાજનક કોલેસ્ટ્રોલનું જોખમ એકસમાન હોવાનું અમેરિકાના સંશોધકોને જણાયું હતું.
• વેબસાઈટ પર ઠગાઈ બદલ રકમ પાછી ચૂકવવા આદેશ
મુસ્લિમ ડેટિંગ વેબસાઈટ પર પોતે ડોક્ટર હોવાનું દર્શાવીને સુખી અને સાધનસંપન્ન મુસ્લિમ મહિલાઓ સાથે છેતરપિંડી આચરનારા ૩૮ વર્ષીય ફરહાન મિર્ઝાને કોર્ટે ૩,૫૦૦ પાઉન્ડ મહિલાઓને પરત ચૂકવવાનો આદેશ કર્યો હતો. હકીકતે તો મિર્ઝા ગ્વેન્ટના એબર્ટિલરીમાં પોતાની માતા સાથે રહેતો કેબ ડ્રાઈવર છે. તે ગુપ્ત રીતે આ મહિલાઓની નગ્ન અવસ્થાની વીડિયો ઉતારીને તેમને બ્લેકમેલ કરતો હતો.
• જીવનની લોટરી લાગી હતી પણ બધું ગુમાવ્યું : બ્રાડ પીટ
૫૩ વર્ષીય અભિનેતા બ્રાડ પીટ હવે તેના ડિવોર્સ અને શરાબ સાથેના તેના સંઘર્ષ વિશે જાહેરમાં બોલે છે. તેણે જણાવ્યું હતું કે તેને જીવનની લોટરી લાગી હતી. પરંતુ, બધું વાઈન અને વોડકા પાછળ ગુમાવી દીધું. તેણે મદ્યપાન ન કર્યું હોય તેવો કોઈ દિવસ તેને યાદ નથી. તેણે ઉમેર્યું હતું કે છેલ્લાં છ મહિનાથી તેણે શરાબ છોડી દીધો છે. તેણે સ્વીકાર્યું હતું કે એન્જલિના જોલીથી છૂટા પડ્યા પછી અંગત જીવનમાં થયેલા નુક્સાન માટે પોતે જ જવાબદાર છે.

