ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટને ટેકા માટે તેમજ ત્રાસવાદી કૃત્યોને પ્રોત્સાહન આપવાના આરોપો હેઠળ ઈમામ કામરાન સાબિર હુસૈન સામે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. ધાર્મિક ઉપદેશોમાં શ્રદ્ધાળુઓને ઈસ્લામિક સ્ટેટમાં જોડાવાને પ્રોત્સાહન આપતા ઈમામે કોઈ પણ સ્કૂલ કે કોલેજની સરખામણીએ બલિદાન કે શહાદતને વધુ સારી ગણાવી હતી. ઈમામે ૧૫ બાળકો અને આશરે ૨૫ પુખ્ત વ્યક્તિઓને એમ પણ કહ્યું હતું કે જમણેરી ઈંગ્લિશ ડિફેન્સ લીગ અને બ્રિટન ફર્સ્ટને સરકાર દ્વારા ભંડોળ અપાય છે, જેથી તેઓ મુસ્લિમોનું અપમાન કરી તેમના પર હુમલા કરી શકે. ગત વર્ષે માર્ચ મહિનામાં ‘ભયજનક સંદેશો’ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે ખિલાફત (આઈએસ) તમારા બારણે ટકોરા મારી રહ્યા છે.
• ગુલામીમાંથી બચાવાયેલા બાળકો સામે જોખમ
બ્રિટનમાં ગુલામીમાંથી બચાવાયેલા વિયેટનામી બાળકો સરકારી સંભાળમાંથી લાપતા બની ફરી પાછા ગુલામીપ્રથા ચલાવતી ગેંગ્સના હાથમાં ફસાઈ જાય તેવી ચિંતા એક અહેવાલમાં રજૂ કરાઈ છે. ગેંગમાસ્ટર્સ દ્વારા આ બાળકોનો ઉપયોગ મુખ્યત્વે ડ્રગ્સની હેરાફેરી અને જાતીય શોષણ માટે કરાય છે. વિયેટનામ જેવા ગરીબ દેશોમાંથી યુવતીઓ અને છોકરા-છોકરીઓને ઊંચા સ્વપ્ના દેખાડી બ્રિટન લવાય છે અને તેમનો દુરુપયોગ કરવામાં આવે છે.
• કેરેબિયન ટાપુઓની મુલાકાતનું દબાણ
ફ્રાન્સના પ્રમુખ મેક્રોં અને ડચ કિંગ તેમના તાબા હેઠળના વિસ્તારોમાં વાવાઝોડાથી થયેલી પાયમાલીને નિહાળવા ગયા હતા પરંતુ, બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે અથવા વિદેશ પ્રધાન બોરિસ જ્હોન્સને વાવાઝોડાંગ્રસ્ત કેરેબિયન ટાપુઓની મુલાકાત લીધી નથી તેની ભારે ટીકા થઈ રહી છે. હરિકેન ઈર્માનો ભોગ બનેલા આ ટાપુઓના રહેવાસીઓ અને પ્રવાસીઓ પણ બ્રિટિશ સરકારની ઉદાસીનતાથી નારાજ છે.
• સ્થૂળ પત્નીના પતિને ડાયાબીટિસનું જોખમ
જો પત્ની સ્થૂળ હોય તો પુરુષો માટે ડાયાબીટિસનું જોખમ વધી જાય છે તેવી ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. જોકે, પતિ સ્થૂળ હોય તો પત્નીઓ માટે આવું કોઈ જોખમ હોતું નથી તેમ પણ તેમણે કહ્યું છે. સ્થૂળ પત્નીઓનાં પતિઓએ બ્લડ સુગરનું નિયમિત પરીક્ષણ કરાવવી જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે. જીવનસાથીની સ્થૂળતા સંબંધિત આ પ્રથમ અભ્યાસ છે.
• શિક્ષકો પેરન્ટ્સના બ્લડ પ્રેશર ટેસ્ટ લેશે
અંદાજે ૨૫,૦૦૦ હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સને અટકાવવાના ધ્યેય સાથે આરોગ્ય સંસ્થાની મહત્ત્વની યોજના અનુસાર શિક્ષકો પેરન્ટ્સ ઈવનિંગ અથવા શાળાના દરવાજાઓ પર પણ પેરન્ટ્સના બ્લડ પ્રેશરના ટેસ્ટ લેશે. આ હત્યારા રોગના શિકાર બનવાનું જોખમ ધરાવતાં લોકોની ઓળખ માટે ફાયરફાઈટર્સ અને ઓફિસ વર્કર્સને પણ પરીક્ષણોની ટ્રેનિંગ આપવામાં આવશે. ખરીદદારો પણ સુપરમાર્કેટ્સમાં પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવી શકશે.
• નવા વિન્ડ ફાર્મથી ગ્રીન એનર્જી ખર્ચ ઘટશે
રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીમાં ક્રાંતિકારી સફળતાના પગલે વિશ્વની સૌથી મોટા ઓફશોર વિન્ડ ફાર્મનું નિર્માણ યોર્કશાયરના તટવિસ્તારમાં કરવામાં આવશે. આના પરિણામે ગ્રીન એનર્જીના ઉત્પાદન પાછળનો ખર્ચ ઘટી જશે. હોર્નસી ટુ વિન્ડફાર્મ પાછળનો ખર્ચ હિન્કલે પોઈન્ટ ન્યુક્લીઅર પ્લાન્ટના ખર્ચની સરખામણીએ નજીવો રહેશે. આ માટેના ખર્ચમાં બે વર્ષમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે.

