ઈયુમાંથી બહાર નીકળવાનું અભિયાન ચલાવવા યુરોપવિરોધીઓને પૂરતો સમય ન મળે તે માટે ડેવિડ કેમરન ૨૦૧૬માં જનમત લેવાનું જાહેર કરે તેવી શક્યતા છે. બ્રિટનને ઈયુમાં રાખવા માટે વડા પ્રધાન આવું પગલું લઈ શકે તેવા ભય વચ્ચે સીનિયર કેબિનેટ મિનિસ્ટરોએ કેમરન સામે બળવાની તૈયારી કરી લીધી છે. વહેલા જનમતથી કન્ઝર્વેટિવ પાર્ટીને ગંભીર ફટકો પડશે તેવી ચેતવણી પણ આ મિનિસ્ટરોએ આપી છે. આગામી મહિને ટોરી પાર્ટીની કોન્ફરન્સમાં જનમત લેવાની તારીખની જાહેરાત થવાની શક્યતા છે.
• કોર્બીનનું ત્રાસવાદવિરોધી કાયદા વિરુદ્ધ ૧૩ વખત મતદાન
પાર્લામેન્ટરી રેકોર્ડ્સની ચકાસણી દર્શાવે છે કે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ૧૩ વખત ત્રાસવાદવિરોધી કાયદાની વિરુદ્ધ મતદાન કર્યું છે. જેમાં ચાર વખત તો લેબર પાર્ટી વિરુદ્ધ જ મતદાન કર્યું હતું. ટોની બ્લેર સરકાર દ્વારા પસાર ત્રાસવાદવિરોધી કાયદાના લીધે ઓછામાં ઓછાં છ સંભવિત ત્રાસવાદી જેલમાં છે અથવા ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. આના પરિણામે, યુકેની સરખામણીએ કોર્બીનને જેહાદીઓના અધિકારની વધુ ચિંતા હોય તેવી આક્ષેપો થયાં છે. કન્ઝર્વેટિવ સરકારના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોર્બીનનું ચાલ્યું હોત તો અત્યારે જેલમાં રહેલા સંખ્યાબંધ ઈસ્લામિક ત્રાસવાદીઓ ખુલ્લા ફરતા હોત.
• બૈતુલ ફુતુહ મસ્જિદમાં ભયાનક આગ
પશ્ચિમ યુરોપમાં સોથી મોટી ગણાતી દક્ષિણ લંડનની અહેમદિયા મુસ્લિમ કોમ્યુનિટી માટે નિર્મિત બૈતુલ ફુતુહ મસ્જિદમાં શનિવારે બપોરે લાગેલી આગના સંદર્ભે સ્કોટલેન્ડ યાર્ડે બે તરુણને કસ્ટડીમાં લીધા છે. આગને ઓલવવા ડઝન જેટલાં ફાયરફાઈટર્સ કામે લાગ્યાં હતાં. પોલીસ આગચંપીનું કારણ ઈસ્લામોફોબિયા હોવાનું માનતી નથી. જોકે, રંગભેદનું સંભવિત કારણ પોલીસે નકાર્યું નથી. જુની એક્સપ્રેસ ડેરીઝની જગ્યાએ ૧૯૯૯માં બંધાયેલી મસ્જિદ આ વિસ્તારની લેન્ડમાર્ક છે.
• દિવસની ઊંઘ ડાયાબીટીસનું જોખમ વધારે
જે લોકોને દિવસમાં વધુ ઊંઘ આવતી હોય અને એકાદ કલાકથી વધુ ઝોકું ખાઈ લેતા હોય તેમને ડાયાબીટીસ થવાનું જોખમ ૪૬ ટકા જેટલું વધારે રહે છે. જોકે, તાજેતરના સંશોધનો એમ પણ જણાવે છે કે રોજ નાનુ ઝોકું ખાવાથી આરોગ્ય સુધરે છે અને લોકોને લાંબુ જીવન જીવવામાં મદદ મળે છે. આમ છતાં ઝોકાં લંબાઈ જાય તો ખરેખર નુકસાન થાય છે. યુનિવર્સિટી ઓફ ટોકયોના સંશોધકોએ ૨૬૧,૦૦૦ લોકોને સાંકળતા ૨૦૦થી વધુ અભ્યાસોને ચકાસી તારણ કાઢ્યું છે કે રાત્રે ઓછી ઊંઘના કારણે દિવસ દરમિયાન ભારે થકાવટ ડાયાબીટીસ લાવવાનું જોખમ ૫૬ ટકા વધારી દે છે. બ્રિટનમા ૩.૯ મિલિયન લોકો ડાયાબીટીસથી પીડાતા હોવાનું મનાય છે
• મધ્યમ વયની માતાઓની સંખ્યામાં વધારો
યુકેમાં યુવાન સ્ત્રીઓની સરખામણીએ મધ્યમ વયની માતાઓની સંખ્યા વધી છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૫ વર્ષથી ઓછી વયની સ્ત્રીઓ દ્વારા ૨૦ ટકા બાળકોને જન્મ અપાયો હતો, જ્યારે ૩૫થી વધુ વયની મહિલાઓ દ્વારા મેટરનિટી વોર્ડ્સમાં ૨૧ ટકા બાળકોને જન્મ અપાયો હતો. એક સમયે સ્ત્રીની ૨૫ વર્ષથી ઓછી વય બાળજન્મ આપવા માટે મુખ્ય ગણાતી હતી, પરંતુ કારકીર્દિ અને પ્રોપર્ટીની કિંમતો નવેસરથી બ્રિટિશ પરિવારનું ઘડતર કરી રહેલ છે.
• લેડિઝ નિકર્સ ચોરવાનું વિચિત્ર વળગણ
સેન્ટ એલબાન્સમાં સ્ત્રીઓની નિકર્સ અને બ્રા ચોરનારા ૫૫ વર્ષીય રોય જોન્સને સેન્ટ એલ્બાન્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૩૦ દિવસના પુનર્વસન કોર્સમાં હાજરી ઉપરાંત, ૧૨ મહિના કોમ્યુનિટી ઓર્ડર અને ૧૦૦ કલાકના અવેતન કાર્યનો આદેશ કર્યો હતો. જોકે, રોય આવી વૃત્તિ પર નિયંત્રણ રાખી શકતો ન હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી.રોય જોન્સ પાંચ મહિનાથી સ્ત્રીઓની નિકર્સ અને બ્રા ચોરતો હતો. તેને ઝડપી લેવા માટે ફ્લેટ્સના રહેવાસીઓએ નવી નિકર્સ સૂકવવા મૂકી છટકું ગોઠવ્યું હતું. રોયની હિલચાલની તસવીરો લેવાઈ હતી જેના પરિણામે ધરપકડ શક્ય બની હતી. તેને કોર્ટ ખર્ચ અને કુલ £૭૧૦નું વળતર ચુકવવા પણ જણાવાયું હતું.
• જેહાદીઓનો ભ્રમ હવે ભાંગી રહ્યો છે
જેહાદીઓનો ભ્રમ હવે ભાંગી રહ્યો છે. હીરોઈઝમ અને લક્ઝરી કાર્સ આપવાના વચનો પૂરાં ન કરાતા જેહાદીઓ ઈસ્લામિક સ્ટેટ કે Isilથી દૂર જઈ રહ્યાં છે. ઈસ્લામિક સ્વર્ગની રચના પૂરી ન થતાં અને તેમનો ઉપયોગ માત્ર સ્યુસાઈડ બોમ્બર્સ તરીકે કરાઈ હોવાના ભયે જેહાદીઓ ત્રાસવાદી સંગઠનથી દૂર થાય છે. ICSRના એક રિપોર્ટ અનુસાર જાન્યુઆરી પછી ઓછામાં ઓછાં ૫૮ લોકોએ આ જૂથ છોડ્યું છે, જે આંકડો વધુ હોઈ શકે છે.
• લાખો બ્રિટિશરો ગેરકાયદે કાર હંકારતા હોઈ શકે
જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન દ્વારા એમિશન્સ પરીક્ષણોમાં ગેરરીતિઓ બહાર આવતાં લાખો બ્રિટિશરો ગેરકાયદે કાર હંકારતા હોઈ શકે તેવો ભય વ્યક્ત કરાયો છે. જો અન્ય ઉત્પાદકોએ પણ હવામાં જોખમી પ્રદુષણ ફેંકવાના પરીક્ષણોમાં ગેરરીતિ આચરી હોય તો લાખો ડિઝલ કાર વપરાશમાંથી પાછી ખેંચી લેવી પડે. બ્રિટનમાં એર પોલ્યુશનથી દર વર્ષે ૩૦,૦૦૦ મૃત્યુ થતાં હોવાનું મનાય છે. જો કાર ઉદ્યોગ એમિશન્સના આંકડા ચોક્કસ ગણીએ તો હવામાં નાઈટ્રોજન ઓક્સાઈડનું પ્રમાણ ઘણું ઊંચુ હોવાની ચેતવણી આરોગ્ય નિષ્ણાતો આપતા રહ્યાં છે.
• બાય-ટુ-લેટ નાણાકીય સ્થિરતા માટે ધમકીરૂપ
બેન્ક ઓફ ઈંગ્લેન્ડની ફાઈનાન્સિયલ પોલિસી કમિટીએ ચેતવણી આપી છે કે તેજીમાં આસમાને જતી કિંમતો અને મંદીમાં મૂલ્યો તળિયે પહોંચે તેની સામે યુકેના મકાનમાલિકો નિઃસહાય છે. બેન્કના ગવર્નર માર્ક કેર્નીના અધ્યક્ષપદ હેઠળની કમિટીએ જણાવ્યું છે કે બ્રિટનનું બાય-ટુ-લેટ બજાર નાણાકીય સ્થિરતા સામે ધમકીરૂપ બની રહ્યું છે. મકાનમાલિકો તેજી અને મંદી તરફ સંવેદનશીલ હોય છે. કિંમતો વધે ત્યારે ઝડપી ખરીદીઓ કરે છે તેની સાથે જ મંદી સમયે પ્રોપર્ટીઓ ઝડપથી વેચી પણ નાખે છે.
• કેર વિઝિટ પર મર્યાદાનું સૂચન
હેલ્થ વોચડોગે બીમાર અને વૃદ્ધ લોકોની ૧૫ મિનિટ અથવા ઓછા સમયની મુલાકાતો બંધ કરવા કાઉન્સિલોને સૂચના આપી છે. કોઈ પણ સંજોગોમાં આવી ટુંકી વિઝિટ્સ ભોજન, વોશિંગ અથવા પથારીમાંથી ઉભાં થવામાં મદદ સહિતની અંગત કાળજી માટે લેવાવી ન જોઈએ બજેટમાં સરકારી કાપની ઝાળ સ્થાનિક ઓથોરિટીઝ સહન કરી રહી છે. તેઓ કહે છે કે આરોગ્યસંભાળમાં મર્યાદા લગાવવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. વ્યક્તિ મઝામાં છે કે તેણે દવાઓ લીધી છે કે કેમ તે તપાસવા માટે જ ટુંકી મુલાકાતોને વિચારવી જોઈએ.