વિશ્વમાં ગત ૧૮ મહિનાઓમા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો, સંઘર્ષના સંજોગો, શરણાર્થી કટોકટી અને ત્રાસવાદની સમસ્યાઓ લોકોએ અનુભવી છે. તેનાથી લોકોનો ઈશ્વરમાં વિશ્વાસ ઘટી ગયો હોવાનું જણાય છે. YouGovના પોલમાં જણાયું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઈશ્વરમાં શ્રદ્ધા હોવાનું જણાવનારા લોકો ૩૨ ટકા હતા તેની સરખામણીએ આજે તેમની સંખ્યા ૨૮ ટકા થઈ છે. કોઈ પણ ઈશ્વર અથવા સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિ નહિ હોવાનું માનનારા લોકોની સંખ્યા ૩૩ ટકાથી વધીને ૩૮ ટકા થઈ છે. ઈશ્વર નથી પરંતુ, કોઈ પ્રકારની આધ્યાત્મિક શક્તિ હોવાનું માનનારા લોકોની સંખ્યા ૨૦ ટકા યથાવત રહી છે, જ્યારે ૧૪ ટીકાએ કશું જાણતા નહિ હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.
• ગ્રાન્ડચિલ્ડ્રનને વસિયતમાં લાભ
પેરન્ટ્સ પોતાની વસિયતમાં એક પેઢીને કૂદાવી ગ્રાન્ડચિલ્ડ્રનને અથવા ડાઈવોર્સના સંજોગોમાં સંપતિ અડધી ન થાય તે માટે મોટી રકમોના બદલે વારસામાં એન્યુઈટીઝ મૂકતા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. યુકેમાં ૧૦માંથી ત્રણ વૃદ્ધ લોકો પોતાના પરીણિત બાળકોને વારસામાં તમામ સંપત્તિ આપી જતાં ન હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. વસિયતમાં લાભ મેળવનારા સંતાનો જીવનભર પોતાના જીવનસાથીઓ સાથે જ રહેશે અથવા જવાબદારી નિભાવી શકશે તેવો વિશ્વાસ નહિ ધરાવતા ઘણા લોકો વસિયતમાં ગ્રાન્ડચિલ્ડ્રન માટે સંપત્તિ છોડી જાય છે.
• ઘરેલુ હિંસાના શિકારની કોર્ટમાં ઉલટતપાસ
ઈંગલેન્ડના સૌથી સીનિયર ફેમિલી જજ સર જેમ્સ મુનબીએ ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર બનેલી વ્યક્તિઓની કોર્ટમાં તેમના શોષણખોર દ્વારા ઉલટતપાસ પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરી છે. મિનિસ્ટર્સે ફેમિલી જસ્ટિસ સિસ્ટમમાં સુધારાને પ્રાધાન્ય આપવું જોઈએ તેમ પણ જજે કહ્યું હતું. વિમેન્સ એઈડ ચેરિટીના સર્વે અનુસાર ઘરેલુ હિંસાના ૨૫ ટકા શિકારની ઉલટતપાસ તેમના શોષણખોર પાર્ટનર્સ દ્વારા કરવામાં આવે છે.
• યહુદી પિતાને પુત્રી માટે ફાસ્ટ ફૂડનો ભય
યહુદી માતાએ નવ વર્ષની પુત્રીને મેકડોનાલ્ડ્સ સહિત ફાસ્ટ ફૂડ ખાવાની તેમજ મિશ્ર-સેક્સના જીમ્નેસ્ટિક્સ ક્લાસ ભરવાની છૂટ આપવાના પરિણામે અલ્ટ્રા ઓર્થોડોક્સ જ્યુઈશ કોમ્યુનિટી દ્વારા તેનો બહિષ્કાર કરાશે તેવો ભય તેના પિતાને સતાવે છે. ફેમિલી કોર્ટના જજ લૌરા હેરિસે પુત્રી તેના પિતા સાથે રહે પરંતુ, માતા સાથે સમય વીતાવી શકે તેવો ચુકાદો આપ્યો હતો. જજે જણાવ્યું હતું કે માતાએ ભવિષ્યમાં પુત્રીએ માંસ ખાવાની છૂટ નહિ આપવાનું કોર્ટમાં વચન આપ્યું છે. જોકે, તેને જીમ્નેસ્ટિક્સ ક્લાસમાંથી બળજબરીપૂર્વક દૂર કરવામાં ન આવે તેમ પણ કહ્યું હતું.
• ડ્રાઈવરો દ્વારા પાર્કિંગનો દુરુપયોગ
સેંકડો સક્ષમ અને સશક્ત વાહનચાલકો અશક્ત લોકોના પાર્કિંગની પરમિટ્સ- બ્લુ બેજનો ઉપયોગ કરે છે અને તેમની વિરુદ્ધ પગલાં ભરવામાં સ્થાનિક કાઉન્સિલોની નિષ્ફળતાથી દુરુપયોગનું પ્રમાણ વધી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટની તપાસમાં ૧૫૦માંથી ૬૧ કાઉન્સિલોએ જણાવ્યું હતું કે તેમની પાસે અશક્તો માટેના બ્લુ બેજના દુરુપયોગ કરનારાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની કોઈ નીતિ નથી. માર્ચ મહિના સુધીના ૧૨ મહિનામાં ઈંગ્લેન્ડની કાઉન્સિલોએ બ્લુ બેજના દુરુપયોગ બદલ ૮૯૬ કારચાલકો સામે કાનૂની પગલાં લીધાં હતાં.

