• એનર્જી બિલમાં વધારાથી ગ્રાહકોમાં ભારે રોષ

Monday 15th May 2017 10:50 EDT
 

સરકાર દ્વારા સૂચિત ભાવમર્યાદા અમલી બનાવાય તે પહેલા જ એનર્જી કંપનીઓ દ્વારા ગેરવાજબી અને અયોગ્ય રીતે ભાવ વધારી દેવાતા ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બ્રિટિશ ગેસના માલિક સેન્ટ્રીકાએ ચેતવણી આપી હતી કે થેરેસા મેની સ્પર્ધા ઘટાડવાની ફ્લેગશિપ પોલીસીને લીધે ભાવ હજુ ઊંચા જશે. થેરેસા મેએ ગયા વર્ષે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની વાત કહી તે પછી એનર્જી સપ્લાયરોએ તેમના સૌથી સસ્તા ગેસ અને ઈલેક્ટ્રિસિટી ડિલ્સમાં ચૂપચાપ ૩૭ ટકા સુધીનો વધારો કરી દીધો હતો. આથી દેશના પરિવારો ૧.૪ બિલિયન પાઉન્ડ વધુ ચૂકવી રહ્યા છે.

• ફેરી લાઈટ્સમાંથી બોમ્બ બનાવવાનું કાવતરું ઝડપાયું

૨૯ વર્ષીય કથિત આતંકી ઝાહિદ હુસૈને હાઈ સ્પીડ રેલ્વે લાઈનને લક્ષ્ય બનાવવાના ઈરાદાસર રોશની કરવા માટે ઉપયોગમાં લેવાતી ફેરી લાઈટ્સમાંથી બોમ્બ બનાવવાની યોજના ઘડી હતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવાયું હતું કે ઓગસ્ટ, ૨૦૧૫માં તેની ધરપકડ થઈ તે અગાઉ સીરિયા યુદ્ધના વીડિયો જોઈને તે ઉદ્દામવાદી બન્યો હતો. તેણે આવી લાઈટ્સના ભાગોમાંથી ડિટોનેટર બનાવ્યું હતું. તેના બર્મિંગહામના આલમ રોકના નેસબી રોડ પરના ઘરમાંથી ‘યુએસ આર્મી ગેરિલા’ પુસ્તક મળી આવ્યું હતું અને તેમાં રેલ્વે પરના હુમલાને બુકમાર્ક કરાયું હતું.

• ખેતરમાં ખોવાયેલા બાળકને શોધવા હેલિકોપ્ટરની મદદ

વેસ્ટ સસેક્સના લીટલહેમ્પટનમાં સરસવના ખેતરમાં ખોવાઈ ગયેલા બે વર્ષના બાળકને શોધવા પોલીસને હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. વોક માટે નીકળેલું બે ફૂટની ઊંચાઈ ધરાવતું બાળક પાલતુ શ્વાનને શોધવા જતાં ખેતરમાં છ ફૂટ જેટલા ઊંચા પાકની વચ્ચે ખોવાઇ ગયું હતું. તેને શોધવા નીકળેલા પેરન્ટ્સ અને ૫૦ જેટલા પોલીસ ઓફિસરને તેનો અવાજ સંભળાતો હતો. પરંતુ, તેને જોઈ શકાતો ન હતો. છેવટે, હેલિકોપ્ટરની મદદથી તેને શોધવામાં સફળતા મળી હતી.

• ૪૫૦,૦૦૦ પાઉન્ડના ‘ટ્રી હાઉસ’ની લિલામી યોજાશે

 સાઉથ ઈસ્ટ લંડનના બ્લેકહિથમાં આવેલા એક ટ્રી હાઉસની લિલામી યોજાવાની છે તેની ગાઈડ પ્રાઈસ ૪૫૦,૫૦૦ પાઉન્ડ રખાઈ છે. કેટલાંક વર્ષથી વપરાયા વિનાનું ત્રણ બેડરૂમનું આ ઘર ગાઢ હરિયાળીથી આચ્છાદિત છે. ખરીદનારને તેનું સંપૂર્ણ રિનોવેશન કરાવવું પડશે. આ ઘર સારા વિસ્તારમાં આવેલું છે અને વનસ્પતિથી તે સંપૂર્ણપણે ઢંકાઈ ગયેલું છે તેમ છતાં કોઈએ તેના વિશે ફરિયાદ નોંધાવી નથી.

• ઠગાઈ માટે મૃત ખિસકોલીનો ઉપયોગ કરતા ધૂતારા

મકાન માલિકો પાસેથી સેંકડો પાઉન્ડ પડાવવા માટે ધૂતારા મૃત ખિસકોલીનો ઉપયોગ કરતા હોવાના સંખ્યાબંધ કિસ્સા કેન્ટમાં નોંધાયા હતા. તેઓ પીડિતના ટેરેસની ચકાસણી કરવાનું કહેતા હોય છે. પછી ત્યાં જઈને તેઓ અગાઉથી તેમની પાસે રાખેલી મૃત ખિસકોલી લાવીને મકાનમાલિકને બતાવતા હોય છે. તેનાથી ચેપ ફેલાતો હોવાનું કહીને પીડિત પાસેથી સેંકડો પાઉન્ડ પડાવતા હોય છે.

• બુરખા ગેંગ દ્વારા હજારો પાઉન્ડના રત્નોની લૂંટ

જ્વેલરી શોપ્સ અને સુપરમાર્કેટમાં લૂંટ ચલાવવા માટે બુરખો પહેરતા એક ટોળકીના દસ લોકોને જેલભેગા કરી દેવાયા હતા. આ તમામ બિનમુસ્લિમ છે. તેમણે જૂન, ૨૦૧૫થી એક વર્ષમાં ગ્રેટર માન્ચેસ્ટરમાં દસ સ્ટોરમાંથી ૨૦૬,૦૦૦ પાઉન્ડના રત્નો લૂંટ્યા હતા. ટોળકીએ અલ્દી સ્ટોર બહાર ઉભી રહેલી એક વ્યક્તિ પર છૂરાથી હૂમલો કરીને તેની પાસેના ૭૬,૦૦૦ પાઉન્ડ લૂંટ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter