બ્રિટિશ સરકાર એપ્રેન્ટિસશિપનું ભંડોળ ઉભું કરવા સામે વિરોધ છતાં ઈંગ્લેન્ડમાં મોટી કંપનીઓ પર એપ્રિલ ૨૦૧૭થી લેવી લાદવાનો આરંભ કરશે. આર્થિક અનિશ્ચિતતાથી આ યોજનામાં વિલંબની બિઝનેસ ગ્રૂપ્સની માગણીને સરકારે માન્ય રાખી નથી. એપ્રેન્ટિસો માટે ૩૦ લાખ સ્થાનના ભંડોળ માટેની લેવી ઈંગ્લેન્ડમાં ત્રણ મિલિયન પાઉન્ડથી વધુનો પે-રોલ ધરાવતા નોકરીદાતા પર તેમના વાર્ષિક પગારબિલના ૦.૫ ટકાના હિસાબે વસૂલ કરાશે. સરકારે એમ પણ જણાવ્યું છે કે ઈંગ્લેન્ડમાં આ લેવી ચૂકવી ન શકે તેવા ૯૮ ટકા નાના એમ્પ્લોયર્સ છે અને તેમના માટે એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગનો ૯૦ ટકા ખર્ચ સરકાર દ્વારા ચુકવાશે.
• વિક્રમી ૫૧૨ મિલિયન પાઉન્ડનું કોકેન કૌભાંડ
યુરોપમાં સમુદ્રમાં સૌથી મોટા કોકેન જપ્ત કરાવાની ઘટનામાં બે તુર્કીશ ખલાસી- મુમિન સાહિન અને એમિન ઓઝમેનને જેલની સજા કરવામાં આવી છે. એબેરડીનના તટથી ૧૦૦ માઈલના અંતરે ટાન્ઝાનિયામાં રજિસ્ટર્ડ કરાયેલી ટગબોટ એમવી હમાલમાંથી ત્રણ ટન કોકેન ૨૦૧૫માં જપ્ત કરવામાં આવ્યું હતું, જેનું મૂલ્ય ૫૧૨ મિલિયન પાઉન્ડ હતું. ઈસ્તંબૂલથી ગુયાના જતી બોટના કેપ્ટન સાહિનને ૨૨ વર્ષ અને સેકન્ડ કેપ્ટન ઓઝમેનને ૨૦ વર્ષની સજા ગ્લાસગો હાઈ કોર્ટે ફરમાવી હતી.
• જુનિયર ડોક્ટર્સની સપ્ટેમ્બરમાં સ્ટ્રાઈક
જુનિયર ડોક્ટરોએ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટના સૂચિત નવા કોન્ટ્રાક્ટને ફગાવી દીધા પછી સપ્ટેમ્બરમાં હડતાળ પાડવા વિચારણા શરુ કરી છે. સરકાર સાથે સમજૂતી સાધવામાં નિષ્ફળતા પછી જુનિયર ડોક્ટર્સે જાન્યુઆરી અને એપ્રિલની વચ્ચે સ્ટ્રાઈક્સ પાડી હતી. જુનિયર ડોક્ટર્સ અને તબીબી વિદ્યાર્થીઓએ બ્રિટિશ મેડિકલ એસોસિયેશન સાથે સોદાને મતદાનથી ફગાવી દીધા પછી સરકારે જુલાઈમાં કોન્ટ્રાક્ટ લાદવાની જાહેરાત કરી હતી.
• યુનિવર્સિટી જવું છે, પણ ફીની મોટી ચિંતા
અડધોઅડધ યુવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવું છે, પરંતુ તેમને ઉચ્ચ શિક્ષણ પાછળના ખર્ચની ચિંતા છે. ઉલ્લેખનીય છે કે કેટલીક યુનિવર્સિટીઓએ ૨૦૧૭થી ટ્યુશન ફી વધારવાની જાહેરાત કરી છે. સટન ટ્રસ્ટના અભ્યાસ અનુસાર ૭૯ ટકા છોકરીની સરખામણીએ ૭૫ ટકા છોકરા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક છે. જોકે, ૨૦૦૩માં ૭૧ ટકાની સરખામણીએ ૨૦૧૬માં ૭૭ ટકા યુવા વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે. અભ્યાસ ગ્રૂપે ટીકા કરી છે કે મેઈન્ટેનન્સ ગ્રાન્ટ્સનો અંત આવતા ગરીબ વિદ્યાર્થીઓ પર દેવાંનો ભાર વધશે.
• ત્રાસવાદી જૂથોમાં જોડાયેલા ૮૫૦ બ્રિટિશર
ઈસ્લામિક સ્ટેટ તેમજ સીરિયા અને ઈરાકના આવા જ ત્રાસવાદી જૂથો સાથે રહી લડવા ગયેલા બ્રિટિશરોની સંખ્યા ૮૫૦ની થઈ છે અને તેમાંથી લડાઈ દરમિયાન માર્યા ગયેલાની સંખ્યા અંદાજે ૧૦૦ થઈ છે. બીબીસી અનુસાર મૃતકની સંખ્યા ૬૫ ગણાવાઈ હતી. બાકીના ૭૫૦ બ્રિટિશરમાંથી અડધા બ્રિટન પરત આવ્યા છે, જ્યારે બાકીના હજુ સીરિયા અને ઈરાકમાં જ છે. સરકારે જાન્યુઆરીમાં ત્રાસવાદી જૂથોમાં જોડાયેલાની સંખ્યા ૮૦૦ હોવાનો અંદાજ મૂક્યો હતો. જેહાદી બ્રાઈડ તરીકે સીરિયા જનારી છોકરીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
• વારસા ટેક્સના બદલામાં રેનોલ્ડ્સ પેઈન્ટિંગ સ્વીકારાયું
સર જોશુઆ રેનોલ્ડ્સ દ્વારા ચિત્રિત પાંચમા અર્લ ઓફ કાર્લાઈલ ફ્રેડરિક હોવાર્ડના ૧૮મી સદીના પોટ્રેટને ૪.૭ મિલિયન પાઉન્ડના ઈન્હેરિટન્સ ટેક્સના બદલામાં સ્વીકારી લેવાયું હોવાની જાહેરાત આર્ટ્સ કાઉન્સિલ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા કરાઈ છે. આ પેઈન્ટિંગની ફાળવણી ટેટ બ્રિટન મ્યુઝિયમને કરવામાં આવી છે અને તેને યોગ્ય સમયે જાહેર પ્રદર્શન માટે મૂકાશે. એક્સેપ્ટન્સ ઈન લ્યૂ (AIL) યોજના ડેવિડ લોઈડ જ્યોર્જના ૧૯૧૦ના બજેટમાં મૂકાઈ હતી, જેમાં ટેક્સબિલની પતાવટ માટે સેંકડો નોંધપાત્ર કળા સંગ્રહને આપી દેવાયો છે.
• સૌથી ઊંચા પેનલ્ટી પોઈન્ટ્સ છતાં ડ્રાઈવિંગ
વાહન હંકારવાના લાયસન્સમાં ૧૨ કે તેથી વધુ પેનલ્ટી પોઈન્ટ્સ હોવાં છતાં આશરે ૯,૦૦૦ ડ્રાવર કાયદેસર વાહનો ચલાવી રહ્યા છે. લિવરપૂલ તેમજ એસેક્સના બેસિલ્ડનના બે ડ્રાઈવર તો ૫૧ પેનલ્ટી પોઈન્ટ્સ લાગવા છતાં તેઓ વાહન હંકારે છે. બીજી તરફ, ૧૨ ડ્રાઈવર ૩૦ કે તેથી વધુ પેનલ્ટી પોઈન્ટ ધરાવે છે. આવા વધુ ડ્રાઈવર બર્મિંગહામ, નોટિંગહામ અને ડોનકાસ્ટરમાં છે. વાહનચાલકને ૧૨ પેનલ્ટી પોઈન્ટ થાય ત્યારે તેણે કોર્ટમાં હાજરી આપવી પડે છે અને તેને છ મહિના માટે પ્રતિબંધિત કરી શકાય છે. જો, ડ્રાઈવર લાયસન્સ ગુમાવવાથી ભારે મુશ્કેલી સર્જાશે તેવું સમજાવી શકે તો મેજિસ્ટ્રેટ દયા દાખવતા હોય છે.
• ભૂખમરાથી ૩૯૧ બ્રિટિશરનું મોત
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ૨૦૧૫માં બ્રિટનમાં ૩૯૧ લોકોના મોત કુપોષણ અથવા ભૂખમરાથી થયાં હતાં, જે નવ વર્ષ અગાઉની સરખામણીએ ૨૭ ટકાનો ઊછાળો સૂચવે છે. આંકડા જણાવે છે છે કે માત્ર ૧૨ મહિનામાં ૭૪૬ લોકો એટલે કે દરરોજ બે બ્રિટિશર કુપોષણના લીધે હોસ્પિટલમાં દાખલ થાય છે. ઈંગ્લેન્ડમાં વર્ષ ૨૦૦૬માં ભૂખમરા કે કુપોષણના કારણે ૫૯ મોત થયાં હતાં, જે ૨૦૧૫માં વધીને ૭૯ થયાં છે. એટલે કે ઈંગ્લેન્ડમાં માસિક છ લોકોનાં મોત ભૂખમરાથી થાય છે.
• સીરિયામાં બ્રિટિશ તરુણીનું મોત
ઈસ્ટ લંડનના બેથનાલ ગ્રીનથી અન્ય બે છોકરી સાથે નાસીને ત્રાસવાદી સંગઠન ISISમાં જોડાવા ફેબ્રુઆરી ૨૦૧૫માં સીરિયા પહોંચેલી ૧૭ વર્ષીય સ્કૂલ ગર્લ કદીઝા સુલનાતાની સીરિયામાં જ હવાઈ હુમલામાં મોત થયું છે. તે યુકે પાછાં નાસી આવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ આવાં પ્રયાસમાં પકડાયેલી અન્ય ઓસ્ટ્રિયન છોકરીનો શિરચ્છેદ થતાં કદીઝા ડરી ગઈ હતી. સીરિયામાં જેહાદી લડવૈયા સાથે તેણે લગ્ન કર્યાં હતાં. કદીઝાના જેહાદી પતિનું મોત થયું હતું અને ત્રાસવાદી સંગઠનમાં જીવન અંગે તેનો ભ્રમ ભાંગી ગયો હતો.

