• એબોટ રાજાશાહીનું સમર્થન કરે છે

Tuesday 20th December 2016 06:32 EST
 

ત્રણ દાયકાઓથી સ્થાપિત હિતોનો વાચાળ વિરોધ કરનારાં ફાયરબ્રાન્ડ લેબર સાંસદ ડિયેન એબોટ આખરે રાજાશાહીની સાથે જ જોડાઈ રહ્યાં છે. શેડો હોમ સેક્રેટરી એબોટ પ્રિવિ કાઉન્સિલમાં સામેલ થઈ ક્વીન પ્રત્યે નિષ્ઠા અને વફાદારી વ્યક્ત કરશે. એબોટે કહ્યું હતું કે તેઓ રાજાશાહીનું સમર્થન કરે છે. શેડો ફોરેન સેક્રેટરી અને પૂર્વ બેરિસ્ટર એમિલી થોર્નબરી પણ તેમની સાથે જોડાશે.

• સ્નેહીજનના મૃત્યુથી સંસ્મરણો ગુમાવવા પડશે

આ ડિજિટલ યુગમાં સ્નેહીજનના મૃત્યુથી અનેક સંસ્મરણો ગુમાવવા પડશે તેવી ચેતવણી નેશનલ સોસાયટી ઓફ એલાઈડ એન્ડ ઈન્ડિપેન્ડન્ટ ફ્યુનરલ ડિરેક્ટર્સ દ્વારા અપાઈ છે. સંગીતથી તસવીરો, બાળકોની સિદ્ધિઓ વર્ણવતી અખબારી સ્ટોરીઝ તેમજ પરિવારોની ભાગીદારી સાથેનો ઈતિહાસ ગુમાવવો પડે તેવી સ્થિતિ આવી શકે છે. સોશિયલ મીડિયા-વેબસાઈટના પાસવર્ડ્સ પરિવારના જીવિત સભ્યોને મળી શકે તેવી જોગવાઈના અભાવે ઓનલાઈન સંગ્રહ કરાયેલી અંગત સામગ્રીઓ પરિવારે ગુમાવવા પડશે.

• બ્રિટિશ મૂલ્યો પ્રત્યે નિષ્ઠા અને વફાદારીના શપથ

જાહેર હોદ્દા ધરાવનારા તમામ લોકોએ ત્રાસવાદ સામે લડતના પ્રયાસમાં બ્રિટિશ મૂલ્યો પ્રત્યે નિષ્ઠા અને વફાદારીના શપથ લેવાં પડશે તેમ કોમ્યુનિટીઝ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું છે. જો લોકો લોકશાહી, સમાનતા અને વાણીસ્વાતંત્ર્ય જેવા પાયાના મૂલ્યોને સ્વીકારે નહિ ત્યાં સુધી તેમના માટે જાહેર જીવનમાં ‘રચનાત્મક ભૂમિકા’ ભજવવાનું શક્ય નહિ બને.

• આર્ટ્સ સંસ્થાઓને ભંડોળમાં ભારે કાપ

બર્મિંગહામ સિટી કાઉન્સિલે આર્ટ્સ સંસ્થાઓને ભંડોળમાં ભારે કાપ મૂક્યો છે. બર્મિંગહામ રેપર્ટ્રી, સિટી ઓફ બર્મિંગહામ સિમ્ફની, બર્મિંગહામ રોયલ બેલે અને મિડલેન્ડ્સ આર્ટ્સ સેન્ટર સહિતની કળાસંસ્થાઓને ભંડોળમાં ભારે કાપની જાણ કરાઈ છે. બર્મિંગહામ રેપર્ટ્રીને કાઉન્સિલના કલ્ચરલ ભંડોળમાંથી ૬૨ ટકા એટલે કે ૩૨૫,૦૦૦ પાઉન્ડ, જ્યારે બર્મિંગહામ સિમ્ફનીને ૨૫ ટકા એટલે કે ૨૨૮,૦૦૦ પાઉન્ડ ઓછાં મળશે.

• ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ સાયકલિસ્ટને ટક્કર મારી

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગ ૧૨ ઓક્ટોબરની સાંજે સાયકલિસ્ટ જૈકી લિયુને ટક્કર મારવાની ઘટનામાં ઝડપાયા છે. પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર પાસે ટ્રાફિકમાં ગ્રેલિંગ તેમની કારનું બારણું ખોલી રહ્યા હતા ત્યારે સાયકલિસ્ટ લિયુ ત્યાંથી પસાર થતાં તે બારણા સાથે અથડાયો હતો. સાયકલ અથડાઈને લેમ્પપોસ્ટ સુધી પહોંચી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ લિયુ પાસે જઈ તેની સાથે વાત કરી હાથ મિલાવ્યા હતા. લિયુએ પાછળથી કહ્યું હતું કે હું સાયકલ ફાસ્ટ ચલાવતો હોવાની તેમની દલીલ ખોટી હતી. તેઓ પોતાનું નામ પણ જણાવ્યા વિના, મારી ઈજા કે સાયકલની મરામત વિશે પૂછ્યા વિના જ જતા રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter