• એમ્બ્યુલન્સની સુવિધા મેળવવા દર્દીને પાંચ કલાક પ્રતીક્ષા

Wednesday 10th May 2017 06:45 EDT
 

ગંભીર હાલતના દર્દીની સારવાર માટે માત્ર આઠ મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચવી જોઈએ તેને બદલે તે પાંચ કલાકે પહોંચતી હોવાનું તપાસમાં જણાયું હતું. NHSના લક્ષ્ય હેઠળ હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર કટોકટીવાળા દર્દીઓ પૈકી ૭૫ ટકાને આઠ મિનિટમાં પ્રાથમિક સારવાર મળવી જોઈએ. છેલ્લાં દોઢ મહિનામાં આવા ૮ હજાર દર્દીઓને એમ્બ્યુલન્સ માટે ૩૦ મિનિટ કરતાં વધુ સમય રાહ જોવી પડી હતી. પોર્ટ્સમથમાં માત્ર પાંચ મિનિટના અંતરે રહેલા દર્દીને લેવા એમ્બ્યુલન્સ સૌથી મોડી પાંચ કલાકે પહોંચી હતી.

 ડોગીને લીધે ટ્રેન એક કલાક મોડી પડી

નોરવિકથી ગ્રેટ યરમાઉથ જતી ટ્રેનના ડ્રાઈવરે એક ડોગીની શોધમાં ટ્રેન નવ માઈલ સુધી ધીમે ચલાવતા તે એક કલાક મોડી પડી હતી. સવારે ૮.૪૫ વાગે ઉપડતી ટ્રેનના ડ્રાઈવરને અડધા રસ્તે આક્લે પાસે આ ડોગ દેખાયો હતો. રલ કર્મચારીઓ તેને માર્ગમાંથી હટાવવા માગતા હતા. તેથી છેક ગ્રેટ યરમાઉથ સુધી ટ્રેન ખૂબ ધીમી કલાક દીઠ માત્ર ૭ માઈલની ઝડપે ચાલી હતી. તેને લીધે બે અન્ય ટ્રેન કેન્સલ કરાઈ હતી.

 હોસ્પિટલમાંથી કોલના પ્રતિ મિનિટ ૫૦ પેન્સ ચૂકવતા દર્દી

હોસ્પિટલના બિછાનેથી પ્રિયજનોને ફોન કરવા દર્દીઓ એક કોલના પ્રતિ મિનિટ ૫૦ પેન્સ ચૂકવે છે. આટલા જંગી દર સામે કાનૂની કાર્યવાહીના ૨૦૦૬માં અપાયેલા વચનનો હજુ કોઈ અમલ થયો જ નથી. NHS હોસ્પિટલોમાં બેડ પાસે ટીવી અને ખૂબ ખર્ચાળ 070 નંબરોથી ફોનની સુવિધાનું સંચાલન કરતી ‘હોસ્પિડિયા’ને ગયા વર્ષે ૨૧.૨ મિલિયન પાઉન્ડની આવક થઈ હતી. કોલ કરનારનો સંપર્ક જોડાય તે પહેલા તેણે ૭૦ સેકન્ડનો લાંબો રેકોર્ડેડ મેસેજ સાંભળવો પડે છે, જેને લીધે ચાર્જ વધી જાય છે.

 ૧૩ હજાર વિકલાંગોને ડિસએબિલિટી બેનિફિટ મળશે

૧૩ હજારથી વધુ વિકલાંગ લોકોને ડિસએબિલિટી બેનિફિટ હવે મળી શકશે. અગાઉ વિકલાંગ લોકોને આવો બેનિફિટ આપવાનો ઈનકાર કરાતા તેને કાનૂની પડકાર અપાયો હતો અને તેમાં તેમને પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ મંજૂર કરાયા છે.

 ઓછાં આકર્ષક શાકભાજી વેચવા સુપરમાર્કેટ્સને કમિટીની તાકીદ

એન્વાયર્નમેન્ટ, ફૂડ અને રૂરલ એફેર્સ કમિટીના સાંસદોએ સુપરમાર્કેટ્સના સંચાલકોને ગાંઠવાળા ગાજર, વાંકાચૂકા કંદમૂળ અને બેડોળ બટાટાનું વેચાણ વધારવા તાકીદ કરી હતી. તેમના કહેવા મુજબ જણાવ્યું હતું કે આવી શાકભાજી કસ્ટમરોની શોપિંગ ટ્રોલીમાં સામાન્ય રીતે હોવી જ જોઈએ. ઓછાં આકર્ષક શાકભાજી કચરામાં ન જવા જોઈએ અને બેસ્ટ બિફોરના લેબલ ધીમે ધીમે નાબૂદ થવા જોઈએ.

 બાળકોના દાંત બચાવવા સ્કૂલોમાં ટૂથબ્રશીંગ ક્લબ

બાળકોમાં દાંતના સડાના રોગચાળાનો સામનો કરવાના પ્રયાસરૂપે સ્કૂલો અને નર્સરીમાં ટૂથબ્રશીંગ ક્લબ્સ શરૂ કરાઈ છે. આ ક્લબમાં બાળકોને વિનામૂલ્યે ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ અપાયા છે અને દિવસમાં બે વખત બ્રશ કેવી રીતે કરવું તે દેખરેખ હેઠળ શીખવવામાં આવે છે. ડેવન, યોર્કશાયર, લંડન અને વેલ્સની સ્કૂલોમાં તેની શરૂઆત કરાઈ છે. ચાર વર્ષ અને તેથી ઓછી વયના બાળકોના દાંત પડાવવામાં છેલ્લાં એક દાયકામાં ૨૫ ટકા જેટલો વધારો થયો હોવાથી આ ક્લબ્સ શરૂ કરાઈ છે.

 આધેડવયના કુંવારાની સંખ્યામાં ભારે વધારો

છેલ્લાં ૧૫ વર્ષમાં બ્રિટનમાં ૫૦ની ઉંમરે પહોંચેલા કુંવારા પુરુષો અને મહિલાઓની સંખ્યા બમણી થઈ છે. અગાઉ ક્યારેય ન પરણી હોય તેવી મહિલાઓની સંખ્યા ૨૦૦૨માં ૭૪,૯૪૧ હતી તે ૧૩ વર્ષના ગાળામાં ૧૫૦ ટકાના વધારા સાથે ૨૦૧૫માં ૧૮૫,૬૯૪ થઈ હતી. આ ગાળામાં કુંવારા પુરુષોની સંખ્યા ૭૦ ટકા વધીને ૧૩૫,૨૧૬થી ૨૨૮,૦૭૮ સુધી પહોંચી હતી. નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે વચનનું પાલન કરવાથી ગભરાતા ‘સિલ્વર સિંગલ્સ’ પર છૂટાછેડાની ઉદારનીતિની અસર થઈ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter