યુકે જોબ માર્કેટ અંગે માર્કિટ એન્ડ ધ રિક્રુટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ કોન્ફડરેશનના એક રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં બજારમાં ઉછાળો આવ્યો હતો. નર્સિંગ, મેડિકલ અને કેર સેક્ટરમાં નોકરી મેળવવા ઈચ્છતાં કામદારોની ભરતી વધી હતી અને પ્રારંભિક વેતનોમાં પણ સુધારો આવ્યો હતો. જૂન- જુલાઈ મહિનાની સરખામણીએ ફૂલ ટાઈમ નોકરીઓની સંખ્યા વધી હતી. કૌશલ્યની તંગી અનુભવતા નોકરીદાતાઓએ વેતનો વધાર્યા હતા અને નોકરીઓમાં સીનિયર લેવલના સ્ટાફની ભરતી કરી હતી. કેટલાક એમ્પ્લોયર્સે રેફરન્ડમના કારણે ભરતી મુલતવી રાખી હતી, જે હવે શરુ કરાઈ હતી. જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં બેરોજગારી દર ૪.૯ ટકાના દરે જળવાઈ રહ્યો હતો.
• યુકે સુદાનમાં વધુ ૧૦૦ સૈનિક મોકલશે
યુકે દક્ષિણ સુદાનમાં યુએન શાંતિદળોમાં પોતાનો ફાળો વધારી રહ્યું છે. ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને સુદાનમાં યુકેના ૩૦૦ સૈનિકના દળમાં ૧૦૦નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો નાનો હોવાં છતાં યુકે માટે નોંધપાત્ર છે. વિશ્વના સૌથી નવા દેશ દક્ષિણ સુદાનમાં ૫૦ દેશના ૧૨,૦૦૦ સૈનિકોનું શાંતિદળ મૂકાયું છે. તાજેતરમાં યુએન શાંતિદળ કામગીરીમાં નાણાકીય ફાળો વધારવાની સાથે યુકેએ સાયપ્રસમાં તેના સૈનિકોની સંખ્યા ઘટાડીને ૨૫૦ કરી હતી. સોમાલિયામાં અલ-શાબાબના જિહાદી લડવૈયાઓ સામે લડતા યુએન ફોર્સમાં પણ યુકે ૪૦ સૈનિક મોકલશે.
• પાર્લામેન્ટની નવી સજાવટ માટે બે ગૃહ છ વર્ષ બંધ કરાશે
બ્રિટિશ પાર્લામેન્ટના બે ગૃહનું ચાર બિલિયન પાઉન્ડના ખર્ચે નવીનીકરણ થવાનું છે. આના પરિણામે સાંસદોએ વર્ષ ૨૦૨૦થી ઐતિહાસિક ઈમારત ખાલી કરી નજીકની સરકારી ઈમારતોમાં કામકાજ માટે બેસવું પડશે. નવી સજાવટનું કાર્ય ઓછામાં ઓછાં છ વર્ષ ચાલશે. કોમન્સની રિસ્ટોરેશન કમિટીમાં ૧૪ મહિનાની ચર્ચાવિચારણા પછી આ નિર્ણય લેવાયો છે. પાર્લામેન્ટના ૬૫૦ સાંસદ નજીકમાં વ્હાઈટ હોલના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના બિલ્ડિંગમાં બેસવા જશે, જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સના ઉમરાવો પાર્લામેન્ટ સ્ક્વેરની બીજી તરફ આવેલા ક્વીન એલિઝાબેથ દ્વિતીય કોન્ફરન્સ સેન્ટરમાં કાર્યરત કરાશે.
• NHSનું વિક્રમી વેઈટિંગ લિસ્ટ ૩.૯ મિલિયન
NHS હોસ્પિટલોમાં મોતિયા, હર્નિયા, હિપ અને ની રીપ્લેસમેન્ટ સહિતની સર્જરી કરાવવા રાહ જોતાં પેશન્ટની સંખ્યા વિક્રમી ૩.૯ મિલિયનના આંકડે પહોંચી છે. હોસ્પિટલોમાં રાહ જોવાનો સમય ૧૮ સપ્તાહનો હોય છે, પરંતુ તે જાળવી શકાતો નથી. હોસ્પિટલોએ વેઈટિંગ લિસ્ટના પેશન્ટના ૯૨ ટકાને સારવાર આપવાની રહે છે પરંતુ જુલાઈમાં ૯૧.૩ ટકાને સારવાર અપાઈ હતી. આંખની સમસ્યા અને કાર્ડિયાક કેર (૯૨.૭ ટકા), ગાયનેક સમસ્યા (૯૨.૩ ટકા) સહિત નવ કેટેગરીમાં આ ટાર્ગેટ જળવાયો હતો, પરંતુ અન્ય ૧૦ કેટેગરીમાં ટાર્ગેટ પૂરો થયો ન હતો.

