આગામી બે દાયકામાં રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીની પ્રગતિના કારણે માનવ બિલ્ડરનું સ્થાન રોબોટ્સ સંભાળી લેશે અને બાંધકામક્ષેત્રની ત્રણમાંથી લગભગ એક નોકરી નાબૂદ થશે. મેસ દ્વારા સંશોધનમાં આગાહી કરાઈ છે કે ઉદ્યોગમાં વર્તમાન ૨.૨ મિલિયન નોકરીમાંથી અંદાજે ૬૦૦,૦૦૦ નોકરીઓ ૨૦૪૦ સુધીમાં ઓટોમેટેડ બનશે. આ ક્ષેત્રમાં ચોથી ઓદ્યોગિક ક્રાંતિ સર્જાઈ રહી છે.
• ખોટી ટ્રેનમાં મુસાફરી એટલે કોર્ટનો સામનો
ખોટી ટ્રેનમાં બેસી મુસાફરી કરનારા પ્રવાસીએ હવે કોર્ટનો સામનો કરવાનો રહેશે. પ્રવાસી પાસે વાર્ષિક ૪,૦૦૦ પાઉન્ડની સીઝન ટિકિટ હશે તેને પણ ધ્યાનમાં નહિ લેવાય. કેન્ટના બાર્મિંગ નજીક રહેતા ડેવિડ ડિક્સને ટડ્રેન બદલવાની જગ્યાએ સાઉથ લંડનના એલીફન્ટ એન્ડ કેસલ વચ્ચે સીધી ટ્રેનસેવામાં પ્રવાસ કર્યો હતો. આ કારણે ઈન્સ્પેક્ટરે તેને ૨૦ પાઉન્ડનો દંડ કર્યો હતો. પેનલ્ટી વિરુદ્ધ પહેલી અપીલ નામંજૂર થતા ડિક્સન હવે બીજી અપીલ કરી શકે છે.
• બિલિયોનેર પિતા સંતાનોને વારસો નહિ આપે
Phone 4uના બિલિયોનેર સ્થાપક જ્હોન કોડવેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની સંપૂર્ણ સંપત્તિ પાંચ સંતાનોને વારસામાં મૂકી જવાનો ઈરાદો ધરાવતા નથી. તેઓ પોતાની અડધી સંપત્તિ દાનમાં આપી દેવા માગે છે. કોડવેલે ૨૦૦૬માં Phone 4u કંપની ૧.૫ બિલિયન પાઉન્ડમાં વેચી હતી.
• નોર્ધર્ન આયર્લેન્ડની સ્ત્રીઓને સહાય
ઈંગ્લેન્ડમાં NHSમાં મફત ગર્ભપાત કરાવવાં ઈચ્છતી નોર્ધર્ન આયર્લેન્ડની ઓછી આવક ધરાવતી સ્ત્રીઓને તેમના પ્રવાસખર્ચને પહોંચી વળવા સરકારી સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં ગર્ભપાત સંબંધે કાયદા કડક હોવાથી ત્યાંની સ્ત્રીઓ ઈંગ્લેન્ડ આવે છે. નાણાકીય મુશ્કેલીઓના માપદંડમાં આવતી સ્ત્રીઓ આ સહાયને પાત્ર ગણાશે તેમ એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગે કહ્યું હતું.
• રેડ વાઈન પીવાથી મહિલાની ગર્ભાધાનની શક્યતા વધે !
મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત રેડ વાઈનનું સેવન કરે તો તેની ગર્ભવતી બનવાની શક્યતા વધી જતી હોવાનું નવા વિવાદાસ્પદ અભ્યાસમાં જણાયું હતું. માતા બનવાની ઈચ્છા સાથે નિયમિતપણે રેડ વાઈન પીતી મહિલાઓના અંડાશયમાં સ્ત્રીબીજનો જથ્થો હંમેશાં વિપુલ પ્રમાણમાં હોવાનું સંશોધનમાં જણાયું છે.
• ત્રાસવાદીઓને કાઉન્સિલ હાઉસમાં અગ્રતા અપાશે
હિંસાના માર્ગેથી પાછા ફરતા જેહાદીઓ અને શંકાસ્પદ ત્રાસવાદીઓને ટેક્સપેયરોના નાણાંથી તૈયાર થયેલા મકાનો આપવાની અને કામ કરવામાં મદદ પૂરી પાડવાની દરખાસ્ત છે. તે અંગે આ સુવિધા ત્રાસવાદીઓને એક પ્રકારની લાંચ ગણાવીને તે સૈદ્ધાંતિક ભૂલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
• માતા બનવા વિશે ખોટી માન્યતા ફેલાવતી પીઢ સેલિબ્રિટીઝ
આધેડ વયની સેલિબ્રિટિ મહિલાઓ IVFના ઉપયોગથી મોટી ઉંમરે માતા બનતી હોય છે. પરંતુ, તે આ વાત છૂપાવે છે. તેને લીધે અન્ય મહિલાઓમાં પાછલી વયે માતા બની શકાય તેવી ખોટી માન્યતા ફેલાતી હોવાની ડોક્ટરોએ ચેતવણી ઉચ્ચારી હતી. તેમાં દોરવાઈને કારકિર્દી બનાવવા ઈચ્છતી મહિલાઓ પણ પાછળથી માતા બની શકાશે તેવી માન્યતાનો ભોગ બને છે અને યોગ્ય ઉંમરે માતા બનવાનું ટાળે છે. પાછલી વયે તે માતા બની શકતી નથી અને તેને અન્ય પદ્ધતિઓ પર આધાર રાખવો પડે છે.

