બ્રેક્ઝિટ પછીના આયોજનના ભાગરૂપે સુપરમાર્કેટના ઓનલાઈન ગ્રાહકોને વિદેશી ઉત્પાદનોમાંથી પસંદગી માટે ‘બાય બ્રિટિશ’ બટનની સુવિધા અપાશે. આ યોજના હેઠળ ગ્રાહકો માત્ર યુકેના અન્ન ઉત્પાદનો ખરીદી શકે તે માટે ઓનલાઈન ગ્રોસરી રિટેલર્સે તેમની વેબસાઈટ અપડેટ કરવી પડશે. અત્યારે ગ્રાહકો જે તે વસ્તુની નાની ઓનસ્ક્રીન તસવીર પર જ આધારિત હોવાથી તેઓ જે ખાદ્ય બનાવટો પસંદ કરે છે તે ક્યાંની બનાવટ છે તે જાણવાનું ખૂબ મુશ્કેલ છે. તેનાથી ઉલટું, સ્ટોરમાં જતા લોકોને પાર્સલ પર યુનિયન ફ્લેગનો લોગો જોઈને બ્રિટિશ ફૂડ ખરીદવાનું ખૂબ સરળ પડે છે.
• ફરજ દરમિયાન ક્રોસ ન પહેરવાનો ચુકાદો ચર્ચે વખોડ્યો
યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા મુજબ હવેથી કંપનીના માલિકો કર્મચારીઓ પર ફરજ દરમિયાન ક્રોસ પહેરવા પર પ્રતિબંધ લગાવી શકશે. આ ચુકાદાનો વિરોધ કરતા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના રેવરન્ડ નિકોલસ બેઈન્સે જણાવ્યું હતું કે આ ચુકાદાને લીધે માત્ર ધાર્મિક સ્વતંત્રતા નહિ પરંતુ, અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે ફરીથી પ્રશ્રો ઉભા થશે. G4S કંપનીની એક બેલ્જિયમની મહિલા કર્મચારીને ફરજ પર ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવા દેવાનો ઈનકાર કરાતા તેણે યુરોપિયન કોર્ટમાં કરેલી અરજી પર આ ચુકાદો આવ્યો હતો.
• ગર્લફ્રેન્ડને છોડીને પાકિસ્તાન જતો રહ્યો
સેડલવર્થ મૂરમાં ડિસેમ્બર ૨૦૧૫માં મળી આવેલો મૃતદેહ લંડનના ૬૭ વર્ષીય ડેવિડ લીટ્ટનનો હોવાનું પોલીસની ૧૩ મહિનાની તપાસ બાદ જણાયું હતું. તે પોતાની ૩૦ વર્ષની ગર્લફ્રેન્ડને કહ્યા વિના અચાનક ૨૦૦૬માં તેને છોડીને પાકિસ્તાન જતો રહ્યો હતો. બન્ને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો. તેણે સ્ટ્રિકનાઈન ઝેર પીને આપઘાત કર્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટર નોર્થના સિનિયર કોરોનર સાયમન નેલ્સને ઓપન વર્ડિક્ટ આપતા જણાવ્યું હતું કે તેના મૃત્યુ વિશેના પ્રશ્રો હજુ વણઉકલ્યા જ છે.
• ૯૨ વર્ષીય જેમ્સ બ્રેડલી પર હકાલપટ્ટીનો ખતરો
એક દાયકા કરતાં વધુ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા બીજા વિશ્વ યુદ્ધમાં રોયલ નેવીમાં ફરજ બજાવનારા ૯૨ વર્ષીય જેમ્સ બ્રેડલીને દેશની હેલ્થ સિસ્ટમ માટે બોજારૂપ ગણાવી પરિવારથી વિખૂટા પાડીને બ્રિટન પરત મોકલી દેવાય તેવી શક્યતા છે. બ્રેડલીએ તેમની પુત્રી શેરોન અને તેના પરિવાર સાથે રહેવાની મંજૂરી આપવા માટે ઓસ્ટ્રેલિયાના મિનિસ્ટર ફોર ઈમિગ્રેશનને અરજી કરી છે. બ્રેડલીએ જણાવ્યું હતું,‘ મેં પી આર માટે દસ વર્ષ સુધી રાહ જોઈ છે. હું મારા જીવનનો જે પણ સમય બચ્યો છે તે ઓસ્ટ્રેલિયામાં મારા પરિવાર સાથે વીતાવવા માગું છું. ’

