ઈંગ્લેન્ડમાં કેટલાંક દિવસોએ પાંચમાંથી બે GP સર્જરી બપોરે ૩ વાગ્યા સુધીમાં બંધ થઈ જતી હોવાનું સાંસદોની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાયું હતું. કમિટીએ ચેતવણી આપી હતી કે સરકાર પાસે પૂરતા ડોક્ટરોની ભરતી કરવાની કોઈ વિશ્વસનીય યોજના નથી. સમિતિએ માગણી કરી હતી કે GP સર્જરી કામકાજના સમય દરમિયાન કેવી રીતે ખુલ્લી રાખી શકાશે તે વિશે NHS ઈંગ્લેન્ડએ આગામી સપ્ટેમ્બર સુધીમાં યોજના જાહેર કરવી પડશે.
• ૭૭ વર્ષના લગ્નજીવન પછી દંપતીનું એક જ દિવસે મૃત્યુ
તરુણવયે પ્રેમમાં પડ્યા અને ૭૭ વર્ષના સુખી લગ્નજીવન પછી કેન્ટના ગ્રેવ્સેન્ડમાં રહેતા ૯૬ વર્ષીય ફ્રેન્ક અને ૯૭ વર્ષીય જોઈસ ડોડનું ગઈ ૮ એપ્રિલે થોડાક કલાકના ગાળામાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં તેમના બેડ પણ એકસાથે જ રખાયા હતા જેથી તેઓ અંત સમયમાં એકબીજાનો હાથ પકડી શકે. તેમને પાંચ સંતાનો, બાર ગ્રાન્ડ ચીલ્ડ્રન, દસ ગ્રેટ ગ્રાન્ડ ચીલ્ડ્રન અને બે ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ચીલ્ડ્રન હતા. તેમની ૭૫ વર્ષીય પુત્રી એન્જેલા બોનેલે જણાવ્યું હતું કે તેઓના સ્વભાવ અલગ હતા પરંતુ, અંત સુધી એકબીજાની ખૂબ સંભાળ લેતા હતા.
• BBC લાઈસન્સ ફી ચેકિંગનો સમય અયોગ્ય
લોકો કામ પર ગયા હોય ત્યારે BBCના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાતું હોવાથી લાઈસન્સ ફી નહિ ભરનારા ખૂબ ઓછાં લોકો ઝડપાય છે. ફી નહિ ભરીને કરાતી છેતરપીંડીને લીધે બીબીસીને દર વર્ષે ૨૯ મિલિયન પાઉન્ડનું નુક્સાન જતું હોવાનું પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સાંસદોએ જણાવ્યું હતું. Capita હેઠળ સફળ રીતે ફી ભરાવવાનો અમલ કરાવતા કેસોમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
• ઉષ્ણતામાનમાં ફેરફારથી ડાયાબિટીસના દર્દીને રાહત
શિયાળામાં હીટરથી ઘરનાં ઉષ્ણતામાનમાં ફેરફાર કરતા રહેવાથી ડાયાબિટીસના ટાઈપ-૨ના દર્દીઓને દવા જેટલી જ અસર થતી હોવાનું નેધરલેન્ડના મેસ્ટ્રીચ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકોને અભ્યાસમાં જણાયું હતું. ઠંડીમાં મોટાભાગના ઘરોમાં ૨૧ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઉષ્ણતામાન રખાય છે. તેમણે ટાઈપ-૨ ડાયાબિટીસના કેટલાક દર્દીઓને દસ દિવસ સુધી દિવસ સુધી થોડા કલાક પૂરતું ઉષ્ણતામાન ૧૫થી ૧૯ ડિગ્રી રાખવાની સલાહ આપી હતી. તેના પરિણામે તેમનામાં ઈન્સ્યુલિનના પ્રમાણમાં ૪૦ ટકાથી વધુનો વધારો થયો હતો.
• બ્રિટિશ તરુણીઓ સૌથી દુઃખી, તણાવયુક્ત અને વેબની વ્યસની
બ્રિટનના તરુણો અને ખાસ કરીને કિશોરીઓ વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓ કરતાં વધુ દુઃખી અને તણાવ અનુભવતી હોય છે. ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ પર વિદેશના તરુણો કરતાં ખૂબ વધુ સમય ગાળતા હોવાનું અને દુઃખી હોવાનું સંશોધનમાં જણાયું હતું. બ્રિટનમાં જીવન પ્રત્યેના સંતોષમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે સૌથી મોટો તફાવત છે.

