• ઓબામાની બ્રિટિશ પિતરાઈનો પોલીસ સામે દાવો

Saturday 26th September 2015 07:48 EDT
 

યુએસ પ્રમુખ બરાક ઓબામાની બ્રિટિશ પિતરાઈ મેરી ઓઉમાએ સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં મેટ્રોપોલીટન પોલીસ સામે £૪૦૦,૦૦૦નો દાવો માંડ્યો છે. બર્કશાયરના બ્રેકનેલની નિવાસી ૫૭ વર્ષીય ઓઉમા કહે છે કે પૂર્વ પોલીસ સાથી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કનડગત અને ધાકધમકીનું અભિયાન ચલાવાયું હતું. આના પરિણામે ભારે તણાવથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ હતી. જોકે, મેટ્રોપોલીટન પોલીસે તેમની કોઈ જવાબદારી હોવાનું નકાર્યું છે.

• બ્રિટિશ HS2 રેલ પ્રોજેક્ટમાં ચીનનું રોકાણ

બ્રિટનના રેલ અને અર્બન રીજનરેશન પ્રોજેક્ટ્સનો મોટો હિસ્સો ચાઈનીઝ રોકાણોથી પાર પડશે. સરકારે ફાર ઈસ્ટના રોકાણકારોને આકર્ષવા જોરદાર તૈયારી આરંભી છે અને ચીન દ્વારા લંડનથી બર્મિંગહામ સુધી ૧૪૨ માઈલ લંબાઈના HS2 રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે £૧૨ બિલિયનના કોન્ટ્રાક્ટ મેળવાય તેવી શક્યતા છે. ચીનની મુલાકાતે ગયેલા ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન લિવરપૂલ, માન્ચેસ્ટર અને ન્યુકેસલ સહિત નોર્થ ઈંગ્લેન્ડમાં £૨૪ બિલિયન રોકાણની તકોને પણ ખુલ્લી મૂકશે.

• નવા જીપીને કલાકદીઠ £૯૦નું મહેનતાણુ

નવા જીપી કે ફેમિલી ડોક્ટર્સને વીકએન્ડ્સ પર કામ કરવા માટે કલાકદીઠ £૯૦ના ધોરણે દૈનિક £૧૦૮૦ની ચુકવણી કરવામાં આવે છે. પેશન્ટ્સને સાંજે અને વીકએન્ડ્સના દિવસોએ એપોઈન્ટમેન્ટ મળી શકે તે માટે સરકારની યોજના હેઠળ માન્ચેસ્ટરના જીપીને આવી રકમ ચુકવાય છે, જે ઉચ્ચક અથવા એજન્સીના જીપીને ચુકવાતી રકમ કરતા ૫૦ ટકા વધુ છે. આમ તેઓ વાર્ષિક £૧૭૬,૦૦૦ની સમકક્ષ કમાણી કરે છે, જે તેમના સામાન્ય સંભવિત વેતન કરતા ત્રણ ગણી છે.

• ભૂમિપૂરાણ કચરો મહિનામાં એક જ વખત લઈ જવાશે

સ્કોટલેન્ડની ફાઈફ કાઉન્સિલે ભૂમિપૂરાણ કરવા માટેનો કચરો મહિનામાં એક જ વખત લઈ જવાનું શરૂ કર્યું છે. આના કારણે પરિવારોએ કચરાનું વધુ રીસાઈકલિંગ કરવું પડશે. જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વર્ષમાં ૧૨ વખત લેન્ડફિલ માટેનો કચરો એકત્ર કરવાનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જોકે, બજેટમાં કરકસરના પગલાં છતાં કાઉન્સિલોએ પાયાની સેવા આપવાનું ચુકવું ન જોઈએ તેવી ચેતવણી પણ કેમ્પેઈનરોએ આપી છે.

• સ્ત્રી દલાઈ લામા સુંદર-આકર્ષક હોવી જોઈએ

લંડનની નવ દિવસની મુલાકાતે આવેલા તિબેટિયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ પોતાની સંભવિત સ્ત્રી અનુગામી વિશે ચોંકાવનારુ વિધાન કરતા કહ્યું હતું કે તે આકર્ષક અને સુંદર હોવી જરૂરી છે. પોતાને નારીવાદી ગણાવતા દલાઈ લામાએ બીબીસીને ઈન્ટર્વ્યુ આપતા કહ્યું હતું કે તેમની સ્ત્રી વારસદાર અથવા નવો અવતાર કદરુપ હોય તો તે અયોગ્ય -બિનઉપયોગી ગણાશે.

•માન્ચેસ્ટરના પૂર્વ લોર્ડ મેયરના આડેધડ આક્ષેપો

માન્ચેસ્ટરના પૂર્વ લોર્ડ મેયર કાઉન્સિલર માર્ક હેકેટે યુદ્ધવિરોધી અનામી મુસ્લિમ સામે તે ત્રાસવાદી હોવાનો આક્ષેપ કરતા રહીને બદનક્ષી અને નિંદા કરવા સાથે તેના પર ધામધમકીનો પ્રયોગ કર્યો હોવાનું જણાયું છે. હેકેટ આ વ્યક્તિને જાણતા નહિ હોવાનું કહે છે પરંતુ તે ઈસ્લામિક સ્ટેટ અને એલન હેનિંગની હત્યા સાથે સંકળાયો હોઈ શકે તેવો દાવો કર્યો હતો. કાઉન્સિલ દ્વારા આંતરિક તપાસ હાથ ધરાઈ હતી અને નિર્ણય લેવાનો બાકી છે.

• અનીશ કપૂરના શિલ્પ પરનું લખાણ સોનેરી રંગે ઢંકાયું

ફ્રાન્સમાં પેલેસ ઓફ વર્સેલિસ ખાતે બ્રિટિશ ભારતીય શિલ્પકાર સર અનીશ કપૂરના શિલ્પ પર યહુદીવિરોધી વિધ્વંસક લખાણને સોનેરી રંગથી ઢાંકી દેવાયું છે. ટ્રમ્પેટ આકારનું અને ડર્ટી કોર્નર નામે ઓળખાતું શિલ્પ જૂનમાં ગોઠવાયાં પછી તેના પર ત્રણ વખત લખાણોનાં હુમલા કરાયા છે. સર અનીશ કપૂરે જણાવ્યું હતું કે સમાજમાં અસહિષ્ણુતા હોવાનું સ્પષ્ટ કરવા તેઓ લખાણને ભૂંસવાના મતના નથી. જોકે, વર્સેલીની ટ્રિબ્યુનલે ભીંતલખાણને દૂર કરવા અને એલાર્મ લગાવવા ચુકાદો આપ્યો હતો.

• રોમન કેથોલિક્સ માટે લગ્નનો અંત સરળ

રોમન કેથોલિક લોકો પોતાના લગ્ન રદબાતલ કરાવી શકે તે માટે પોપ દ્વારા સરળ માર્ગની જાહેરાત કરાઈ છે. પોપે સેકન્ડ રુલિંગ અથવા અપીલની ટુ-ટિયર સિસ્ટમ રદ કરી દેખીતી દલીલોનું સમર્થન હોય તેવા કેસમાં ફાસ્ટ ટ્રેક એનલમેન્ટ્સની પરવાનગી આપી છે. વેટિકન દ્વારા લગ્નવિષયક નિયમોમાં બે કરતા વધુ સદીના ગાળામાં આ સૌથી મોટો ફેરફાર છે. કોર્ટના કર્મચારીઓ માટે વાજબી વળતર સિવાય લગ્ન રદબાતલ કરાવવાની વિધિ નિઃશુલ્ક રહેશે.

• ૨૦૧૫માં જન્મેલા લોકોમાંથી ૩૨ ટકા ડિમેન્શીઆનો શિકાર થશે

અલ્ઝાઈમર્સ રીસર્ચ યુકેના અભ્યાસમાં ચેતવણી અપાઈ છે કે ૨૦૧૫માં જન્મેલા લોકોમાંથી ત્રીજા હિસ્સા અથવા ૩૨ ટકાને તેમના જીવનકાળમાં ડિમેન્શીઆ-સ્મૃતિભ્રંશ લાગુ પડશે. વધેલી આયુષ્યમર્યાદા અને વૃદ્ધ વસ્તીના કારણે મોટી આરોગ્ય કટોકટી સર્જાવાની ચેતવણી આ ચેરિટીએ આપી છે. મોટા પ્રમાણમાં લોકોને પાછલી જિંદગીમાં અલ્ઝાઈમર સહિતની બીમારીઓ સહન કરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter