• ઓસ્બોર્ને તંત્રીપદ સંભાળતા વિવાદ

Monday 20th March 2017 10:19 EDT
 

પૂર્વ ચાન્સેલર અને સાંસદ જ્યોર્જ ઓસ્બોર્ને ઈવનિંગ સ્ટાન્ડર્ડના તંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા પછી તેનો વિવાદ સર્જાયો છે. તંત્રીપદની કામગીરીમાં તેઓ વર્ષે ૨૨૫,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવશે. તેઓ બ્લેકરોક ઈન્સ્ટિટ્યૂટ પાસેથી પણ સલાહકાર તરીકે ૬૦૫,૦૦૦ પાઉન્ડનું જંગી વેતન મેળવે છે. ઓસ્બોર્નના પગલાનો વિરોધ કરતી ઓનલાઈન પિટિશનમાં લગભગ ૧.૫ લાખ લોકોએ સહી કરી જણાવ્યું છે કે ઓસ્બોર્ને સાંસદ અથવા તંત્રીપદ, બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ. લેબર સાંસદ એન્ડ્રયુ ગ્વેને વિરોધ સાથે જણાવ્યું હતું કે પૂર્વ મિનિસ્ટર્સે હોદ્દો છોડ્યાના બે વર્ષમાં નવી નોકરી લેવી હોય તેની જાણકારી સંસદીય સમિતિને આપવાની રહે છે.

• મહિલા નર્સીસમાં આત્મહત્યાનું વધુ પ્રમાણ

વ્યવસાય અને કામગીરી આધારિત આત્મહત્યાના મુદ્દે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા તારણો અનુસાર અન્ય મહિલા વ્યવસાયીઓની સરખામણીએ નર્સ અથવા મહિલા આરોગ્યકર્મી દ્વારા આત્મહત્યાનું પ્રમાણ ૨૩ ટકા જેટલું ઊંચું હોય છે. નર્સ વિવિધ ઔષધોથી માહિતગાર હોવાના કારણે તેમના દ્વારા કરાતી આત્મહત્યામાં ઝેરનો ઉપયોગ વધુ કરાતો હોવાનું પણ તારણોમાં જણાયું હતું. ઓછું વેતન મેળવનાર અથવા ઓછું કૌશલ્ય ધરાવતા કામદારોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ ઊંચુ રહે છે. કુશળ બાંધકામ કામદારો, ફાર્મવર્કર્સ તેમજ સર્જનશીલ અને મીડિયામાં કાર્યરત સ્ત્રીઓમાં પણ આપઘાતની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત, તબીબીક્ષેત્રના પુરુષ વર્કર અને ખેડૂતોના કેસમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધુ રહે છે. ONSના રિપોર્ટ અનુસાર ૨૦૧૧-૧૫ના ગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦થી ૬૪ વયજૂથના ૧૮,૯૯૮ લોકોએ આત્મહત્યા કરી હતી.

• ચક્કર એટલે ડિમેન્શિયાની ચેતવણી

જો ઉભા થયા પછી તમને આસપાસની દુનિયા ગોળ ફરતી લાગે એટલે કે તમને ચક્કર આવતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. આ એક ચેતવણી છે કે આગામી ૨૦ વર્ષમાં તમે ચિત્તભ્રમ (ડિમેન્શિયા) અથવા સ્મૃતિભ્રંશનો શિકાર બની શકો છે. ખુરશી અથવા પથારીમાંથી ઉભા થયા પછી ઓર્થોસ્ટેટિક હાઈપોટેન્શન (ચક્કર)ની હાલત અંગે ૧૧,૫૦૩ લોકોના અભ્યાસ પછી યુએસની પબ્લિક હેલ્થ સંસ્થા દ્વારા આ તારણ કાઢવામાં આવ્યું હતું. આવા ચક્કર ન આવતાં હોય તેમની સરખામણીએ ચક્કર આવતાં હોય તેવાં લોકોમાં ડિમેન્શિયાનું જોખમ ૪૦ ટકા વધી જાય છે.

• પક્ષીઓને ચણ આપવાનો દંડ

કબૂતરોને બ્રેડ ખવડાવ્યા પછી જે કચરો વધતો હતો તેના અપરાધ બદલ ૭૧ વર્ષીય મહિલાને વેસ્ટ લંડનના ઈંલિંગ કાઉન્સિલના અધિકારીઓએ ૮૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. કાઉન્સિલે જણાવ્યું હતું કે પક્ષીઓને ચણ ખવડાવતાં પડી રહેલાં ટુકડાં અન્ય રહેવાસીઓ માટે આરોગ્યને જોખમકારક હોવાં સાથે જગ્યાને ખરાબ બનાવતાં હતાં. તેનાથી જીવજંતુ અને ઉંદરો લલચાતા હતા, જે જોખમી બાબત છે.

• વૃદ્ધો માટે વજનઘટાડો ચિંતાજનક

નિવૃત્તિવયે પહોંચ્યા પછી વજન ઘટતું જાય તે બાબત સામાન્ય નથી. હેલ્થ, સોસિયલ કેર અને સ્થાનિક ગવર્મેન્ટના નિષ્ણાતોના બનેલા માલન્યુટ્રિશન ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર વૃદ્ધોમાં વજન ઘટવાની બાબત કુપોષણ અથવા કેન્સર, ડિમેન્શિયા કે લિવરના રોગની ખતરાની ઘંટડી છે. અભ્યાસમાં ૬૦થી વધુ વયના ૩૬ ટકા લોકોએ વય વધવા સાથે વજન ઘટાડવાને સારું ગણાવ્યું હતું, જ્યારે ૭૫ ટકા લોકોએ તો પોતાનું અથવા અન્યોનું વજન આપમેળે ઘટતું હોય તેની જરા પણ ચિંતા દર્શાવી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter