• ઓસ્બોર્ને પ્રવચનોમાંથી ભારે કમાણી કરી

Monday 28th November 2016 09:23 EST
 

પૂર્વ ચાન્સેલર અને ટોરી સાંસદ જ્યોર્જ ઓસ્બોર્ને ૨૭ સપ્ટેમ્બરથી ૨૭ ઓક્ટોબરના ગાળામાં માત્ર પાંચ પ્રવચન આપી ૩૨૦,૪૦૦ પાઉન્ડની ભારે કમાણી કરી છે. ચાન્સેલર પદ છોડ્યા પછી ઓસ્બોર્ન વોશિંગ્ટન સ્પીકર્સ બ્યુરો સાથે સંકળાયા છે. તેમણે યુએસની બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં પ્રવચનો આપ્યા છે, જેમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્ક જેપી મોર્ગનમાં (૮૧,૧૭૪ અને ૬૦,૫૭૮ પાઉન્ડ), પાલ્મેક્સ ડેરિવેટિવ્ઝમાં (૮૦,૨૪૦ પાઉન્ડ), સિક્યુરિટીઝ ઈન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એસોસિયેશનમાં (૬૯,૯૯૨ પાઉન્ડ) તેમજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હૂવર ઈન્સ્ટિટ્યુશન (૨૮,૪૫૪ પાઉન્ડ)નો સમાવેશ થાય છે. સાંસદ તરીકે તેમનું વાર્ષિક વેતન ૭૪,૦૦૦ પાઉન્ડ જેટલું છે.

• પાસપોર્ટ ઓફિસના ૨૫૦ કર્મચારી કાયમ કરાયા

પાસપોર્ટ અરાજકતાનું પુનરાવર્તન ન થાય તે માટે થેરેસા સરકારે ૨૫૦ હંગામી કર્મચારીને કાયમી નોકરીમાં સમાવી લીધા છે. થોડા વર્ષ અગાઉ જ ટોરી વડપણ હેઠળની ગઠબંધન સરકારે આઈડેન્ટિટી એન્ડ પાસપોર્ટ સર્વિસના ૭૦૦ કર્મચારીની નોકરીઓ નાબૂદ કરી સ્ટાફની સંખ્યા ૩,૧૦૦ જેટલી કરી હતી. પાસપોર્ટ ઓફિસમાં ૫૦૦,૦૦૦ અરજીના બેકલોગ અને રીન્યુઅલ માટે લાંબી લાઈનોથી ૨૦૧૪માં અરાજકતા સર્જાઈ હતી. આના પગલે ૧,૦૦૦થી વધુ હંગામી કર્મચારી બે વર્ષના કોન્ટ્રાક્ટ પર લેવાયા હતા, જેમાંથી ૨૫૦ને કાયમી કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે.

• યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સને આકર્ષતું લંડન

યુકેની આર્થિક રાજધાની તરીકે પણ લંડન સિટી નવા યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સને કામ કરવા માટે આકર્ષે છે. ૨૦૧૪-૧૫માં ૨૪ ટકા ગ્રેજ્યુએટ્સ લંડન સિટીમાં કામ કરવા આવ્યા હતા. થિન્કટેન્ક સેન્ટર ફોર સિટીઝના રિપોર્ટ ‘The Great British Brain Drain: Where Graduates Move and Why’માં જણાવાયું છે કે સાઉથ ઈંગ્લેન્ડના આર્થિક પ્રભુત્વની સમસ્યા હલ કરવાનો પડકાર સરકાર અનુભુવી રહી છે. યુનિવર્સિટી છોડવાના છ મહિનામાં ચારમાંથી એક ગ્રેજ્યુએટ લંડનમાં કામ કરવાનું પસંદ કરે છે, પરિણામે બ્રેઈન ડ્રેઈન સર્જાય છે. બીજા મોટા શહેરોને જરૂરી આવડત અને કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ મળવાનું પ્રમાણ ઘટે છે.

• કાઉન્સિલો વૃદ્ધોને સારસંભાળ આપી શકતી નથી.

યુકેમાં પાંચમાંથી ચાર કાઉન્સિલ વૃદ્ધોને સારસંભાળ પૂરી પાડવામાં સંઘર્ષ અનુભવી રહી છે. ધ ફેમિલી એન્ડ ચાઈલ્ડકેર ટ્રસ્ટના સર્વે અનુસાર ૬૫ અને તેથી વધુ વયના ૬.૪ મિલિયનથી વધુ લોકો રહે છે તે વિસ્તારોમાં સારસંભાળ માટેની માગ વધુ છે. એક માત્ર નોર્થ ઈસ્ટ વિસ્તાર એવો છે જ્યાં અડધાથી વધુ લોકલ ઓથોરિટી પૂરતી સારસંભાળ આપતી હોવાનું જણાયું હતું. દેશની ૨૧૧ કાઉન્સિલમાંથી ૧૮૨ કાઉન્સિલે પ્રતિભાવ આપ્યો હતો, જેમાંથી ૪૮ ટકા કાઉન્સિલે હોમ કેરની પૂરતી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter