પૂરતી કસરત ન કરવાથી દર ત્રણ બ્રિટિશર પૈકી એકને હૃદયરોગને લીધે મૃત્યુ થવાનું જોખમ રહેતું હોવાનું બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના નવા અભ્યાસમાં જણાયું છે. સરકારે ભલામણ કર્યા મુજબની ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ એટલે કે અઢી કલાક શારીરિક પ્રવૃત્તિ કરવામાં ૨૦ મિલિયન પુખ્ત લોકો નિષ્ફળ રહે છે. કશું ન કરવાના આવા વલણને ચેરિટીએ ‘વૈશ્વિક સ્વાસ્થ્ય ચિંતા’ ગણાવી છે. સંશોધનમાં જણાયું છે કે જે લોકો પૂરતી કસરત કરે છે તેમને પણ વધુ સમય બેસી રહેવાને કારણે હૃદયરોગ થવાનું જોખમ વધી રહ્યું છે. કસરતનો અભાવ વહેલું મોત નોંતરે છે.
• પાઉન્ડમાં ફરી ઉછાળો આવશે
પાઉન્ડની કિંમતમાં ખૂબ ઘટાડો રહેલો છે. હાલ ૧.૨૫ ડોલરથી ૧.૩૨ ડોલરની વચ્ચે રહેતા પાઉન્ડમાં નવા વર્ષની શરૂઆતથી ઉછાળો જોવા મળશે. ઈયુ રેફરન્ડમ યોજાયું ત્યારથી તેમાં ઉછાળો આવ્યો નથી. છેલ્લાં ૧૨ મહિનામાં પાઉન્ડ ડોલરની સામે ૧.૩૮થી ઉપર ગયો નથી.
• બાળકની સારવાર માટે £૧.૨ મિલિયનનું ફંડ
ભાગ્યે જ જોવા મળતી આનુવંશિક બીમારીથી પીડાતા માત્ર ૮ મહિનાના પુત્ર ચાર્લીની અમેરિકામાં સારવાર કરાવવા માટે વેસ્ટ લંડનના બેલફોન્ટમાં રહેતા પેરન્ટ્સ કોની યેટ્સ અને ક્રિસ ગાર્ડે ૧.૨ મિલિયન પાઉન્ડનું ફંડ એકત્ર કર્યું હતું. આ રોગમાં સ્નાયુ નબળા પડે છે. હાલ ચાર્લી લંડનની ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. આ દંપતીએ ઈન્ટરનેટ પર એક પેજ દ્વારા ૩ એપ્રિલ પહેલા આ રકમ ભેગી કરવામાં મદદ માટે લોકોને અપીલ કરી હતી ૮૦,૦૦૦ લોકોએ દાન આપ્યું હતું અને તે પેજ ૧૦૪,૦૦૦ લોકોએ શેર કર્યું હતું.
• ફરી જારી થયેલી £૫ની નવી નોટ સામે પણ વિરોધ
બેંક ઓફ ઈંગ્લેન્ડ ૫ પાઉન્ડની નવી પ્લાસ્ટિક નોટને લીધે ફરીથી મુશ્કેલીમાં મૂકાઈ છે. આ વખતે શાકાહારી લોકોને લીધે નહીં પરંતુ પર્યાવરણ લોબીને લીધે આમ થયું છે. ગયા વર્ષે પ્રાણીજ ચરબીના ઉપયોગને લીધે દેખાવોનો સામનો કર્યા પછી બેંકે વિકલ્પ તરીકે પામ ઓઈલનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી. પર્યાવરણવાદીઓનું કહેવું છે કે પામ ઓઈલનું સતત ઉત્પાદન થતું ન હોવાથી પ્લાન્ટેશન કરવા માટે ઉષ્ણ કટિબંધના ઘણાં જંગલોનો સફાયો થઈ રહ્યો છે અને આ જંગલોમાં ઉરાંગઉટાન લૂપ્ત થવાના આરે છે.
• મુસ્લિમોની દાઢી અને બુરખા પર પ્રતિબંધ
ચીને ઝિન્જિયાંગના સૌથી મોટા મુસ્લિમ પ્રાંતમાં પુરુષોને વધુ પડતી દાઢી રાખવા પર તેમજ મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંના રહીશોને સરકારી પ્રચારની અવગણના કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. બાળકોના નામ પણ ધાર્મિક ઉશ્કેરણી થાય તેવા રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. યુવાનો અને પ્રૌઢ લોકોને દાઢી ન વધારવા જણાવાયું છે. હવે માત્ર વૃદ્ધો જ લાંબી દાઢી રાખી શકશે.
સરકારી કર્મચારીઓ એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો અને અન્ય જાહેર સ્થળોએ ચહેરો અને આખું શરીર બુરખાથી ઢંકાયેલું હોય તેવી મહિલાઓને અટકાવી દેશે.

