• કાઝુઓ ઈશીગુરોને સાહિત્ય નોબેલ પ્રાઈઝ

Tuesday 10th October 2017 08:00 EDT
 

‘ધ રિમેઈન્સ ઓફ ધ ડે ’ નવલકથાના લેખક કાઝુઓ ઈશીગુરોને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. અત્યાર સુધી સાત નવલકથા લખનારા ઈશીગુરોએ ગયા વર્ષે બોબ ડાયલેનને એવોર્ડ આપનારી જજોની સ્વીડીશ પેનલની ટીકા કરતા લોકોને મૂંઝવણમાં નાખતા જણાવ્યું હતું, ‘ડાયલેનના શબ્દો અને મ્યુઝિક વગર હુ લેખક બની શક્યો ન હોત.’

• વૃદ્ધ થવાના ભયથી મહિલા કળાકારનો આપઘાત

બર્મિંગહામશાયરના આઈલ્સબરીમાં રહેતી અને માનસિક બીમારી તથા ચહેરા પર ડિસ્મોર્ફિયાથી પીડાતી મહિલા કળાકાર હાના યંગે દવાઓનો ઓવરડોઝ લઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ૪૦ વર્ષીય યંગ બોટોક્સ ઈંન્જેક્શનની સારવાર લેતી હતી. પરંતુ, તેના પતિ એડમે હાના આ સારવાર ન લે તે માટે તેનું ક્રેડિટ કાર્ડ લઈ લીધું હતું. તેથી પોતે વૃદ્ધ અને બેડોળ દેખાશે તેવા ભયથી તેણે આપઘાત કર્યો હતો. બીમારીને લીધે તે છેલ્લા એક મહિનાથી ડ્રિંક્સ અને ડ્રગ્સનું પણ ભારે સેવન કરતી હતી.

• સંપત્તિ બચાવવા બિલિયોનેરનો ખોટા લગ્નનો દાવો 

૧.૧ બિલિયન પાઉન્ડની સંપત્તિમાંથી પત્નીને કોઈ હિસ્સો ન આપવો પડે તે માટે ખોટા લગ્નની રજૂઆત કરનારા ચાલીસીની વયના આસિફ અઝીઝને કોર્ટે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે તેવી ચીમકી આપી હતી. આસિફે જણાવ્યું હતું કે તેમણે જે બાળક દત્તક લીધું હતું તેનો પાસપોર્ટ કઢાવી શકાય તે માટે તેમણે લગ્નનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. તેની પત્ની તેગીલ્દ અઝીઝે જણાવ્યું હતું કે લગ્ન કરીને બન્ને છેલ્લા ૨૦ વર્ષથી સાથે રહે છે.

• સર હીથ કેસમાં ઢાંકપીછોડાનો દાવો 

પૂર્વ વડાપ્રધાન સર એડવર્ડ હીથ દ્વારા કથિત રૂપે બાળયૌન શોષણની તપાસનું નેતૃત્વ કરી રહેલા વિલ્ટશાયર પોલીસના ચીફ કોન્સ્ટેબલ માઈક વીલે આ કેસમાં ઢાંકપીછોડો કરાયાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પોલીસને ઉચ્ચ સ્તરે થયેલા ઢાંકપીછોડામાં તપાસ કરવાની કોઈ સત્તા હોતી નથી. તેમણે રિપોર્ટમાં જણાવ્યું હતું કે સર હીથ જીવતા હોત તો બાળ યૌન શોષણના સંખ્યાબંધ આક્ષેપોમાં તેમની પૂછપરછ કરાઈ હોત.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter