માન્ચેસ્ટર સિટીના સ્ટાર ફૂટબોલર સર્ગીયો એગુએરોની કારને નેધરલેન્ડ્સમાં અકસ્માત નડ્યો હતો જેના કારણે તેની એક પાંસળી તૂટી ગઈ હતી. આ સાથે માન્ચેસ્ટર સિટીના પ્રીમિયર લીગ લીડર્સ ટાઈટલની આશાને મોટો ફટકો પડ્યો હતો. એગુએરોએ વર્તમાન સિઝનમાં છ પ્રીમિયર લીગ ગોલ નોંધાવ્યા છે અને માન્ચેસ્ટર સિટીનો મહત્ત્વનો ખેલાડી સાબિત થયો છે.
• પિતાના હુમલાનો ભોગ બનેલી પુત્રીને પોલિસ રક્ષણ
ગ્રેટર માન્ચેસ્ટરના લેમાં આવેલા ઘરમાં પોતાની પુત્રી ફાતિમાને બોયફ્રેન્ડ સાથે જાતીય સુખ માણતા જોઈ ગયેલા ૪૨ વર્ષીય કટ્ટર મુસ્લિમ પિતા સોરુથ અલીએ તેના પર હુમલો કર્યો હતો. અલીએ તેના બોયફ્રેન્ડ જેમ્સ માર્ટિનનો પીછો કરીને હથોડો ફટકારતા તેના માથામાં ઉંડો ઘા પડ્યો હતો. ફાતિમાને પણ મુક્કા અને લાતો મારીને તેણે વાળ ખેંચીને બેડરૂમની બહાર ઘસડી હતી. તેના માથા અને ચહેરા પર પણ ઘા પડ્યા હતા. પાછળથી તેને પોલીસ પ્રોટેક્શનમાં અજ્ઞાત સ્થળે લઈ જવાઈ હતી.
• સુપરમાર્કેટમાં મળતું ચીકન આઉટ ઓફ ડેટ હોઈ શકે
યુકેનું સૌથી મોટું સપ્લાયર ફૂડ ગ્રૂપ ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરતું ઝડપાયું તે પછી સુપરમાર્કેટ્સને ચેતવણી અપાઈ હતી કે તેમને ત્યાં વેચાતું ચીકન તેના વપરાશની નિર્ધારિત તારીખ પછીનું હોય તેવું બની શકે. બે બહેનો સંચાલિત આ ફેક્ટરીમાં હાથ ધરાયેલી તપાસમાં વર્કરો જે દિવસે ચીકન માર્યા હોય તેની પેકેટ પર દર્શાવેલી તારીખનું લેબલ બદલીને નવી તારીખનું લેબલ મૂકતા પકડાયા હતા.
• અંતિમવાદને લગતા કાર્યક્રમોના આયોજનમાં SOAS મોખરે
ધ સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ દ્વારા ગયા શૈક્ષણિક વર્ષમાં અન્ય યુનિવર્સિટીની સરખામણીએ અંતિમવાદી વક્તાઓ અને કાર્યક્રમોનું વધુ પ્રમાણમાં આયોજન કરાયું હતું. ઉદારમતવાદી અભિગમ માટે જાણીતી લંડન યુનિવર્સિટી દ્વારા કટ્ટરવાદી ઈસ્લામિક મંતવ્યો ધરાવતા વક્તાઓ સાથેના ૧૪ કાર્યક્રમ સહિત દેશભરની યુનિવર્સિટીઓમાં ૮ મહિનાના ગાળામાં આવા કુલ ૧૧૨ કાર્યક્રમ યોજાયા હતા.
• બ્રેઈન કેન્સર વિશે ખોટા દાવા બદલ બ્લોગરને ભારે દંડ
બ્રેઈન કેન્સરની બીમારીથી પોતે કેવી રીતે સાજી થઈ તે વિશે પુસ્તક લખનારી ઓસ્ટ્રેલિયન બ્લોગર બેલે ગીબસનને ખોટા દાવો કરીને છેતરપિંડી કરવા માટે કોર્ટે £૨૪૦,૦૦૦નો જંગી દંડ ફટકાર્યો હતો. ૨૦૧૩માં તેણે વૈકલ્પિક સારવાર અને ડાયેટથી કુદરતી રીતે સાજી થઈ હોવાનું કૂકબુક અને સ્માર્ટફોન એપમાં જણાવ્યું હતું. ૨૦૧૫માં ગીબસને રોગના નિદાન વિશે ખોટું બોલી હોવાનું એક મેગેઝિન સમક્ષ કબૂલ્યું હતું.

