• કાર ઈન્સ્યુરન્સ પ્રીમિયમમાં વધારો

Tuesday 06th June 2017 07:48 EDT
 

કારનો વીમો ઉતરાવવાના સરેરાશ વાર્ષિક ખર્ચમાં આ મહિનાથી ૮૦૦ પાઉન્ડ જેટલો વધારો વાહનચાલકોએ સહન કરવાનો થશે. ગયા વર્ષે એવરેજ પ્રીમિયમમાં ૧૦૦ પાઉન્ડ (૧૪ ટકાનો) અને ગત બે વર્ષમાં ૨૦૦ પાઉન્ડનો વધારો જોવાયો હતો. સૌ પહેલા જ્યોર્જ ઓસ્બોર્ને દાખલ કરેલા ઈન્સ્યુરન્સ પ્રીમિયમ ટેક્સમાં વારંવાર વધારા સહિત અનેક પરિબળોનાં લીધે આ વલણ વધતું જશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ધ એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સના અંદાજ મુજબ સરેરાશ પારિવારિક બિલમાં ૪૭ પાઉન્ડનો વધારો થશે.

કોર્ટમાં ફોટો પાડવા બદલ પીડિતાને એક કલાકની જેલ 

અદાલતનો ફોટો પાડીને ફેસબુક પર પોસ્ટ કરીને અદાલતનો તિરસ્કાર કરવા બદલ જજ ઈયાન લોરી QC એ ડેવનના પ્લેમથની ૧૮ વર્ષીય રૂબી-ટ્યુઝડે હોબ્સને પાઠ ભણાવવા માટે એક કલાકની જેલની સજા કરી હતી. હોબ્સે ક્રિસમસની પૂર્વસંધ્યાએ નશાની હાલતમાં કાર હંકારીને તેને ઈજા પહોંચાડનારા ડ્રાઈવરનો ફોટો કોર્ટમાં પાડ્યો હતો.

ફેક વેબ એકાઉન્ટ્સથી લેબરની તરફેણના હજારો મેસેજ 

લેબર પાર્ટીના ચૂંટણી પ્રચારને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લીધે વેગ મળી રહ્યો છે. આ એકાઉન્ટ્સ દ્વારા જેરેમી કોર્બીનની તરફેણ કરતા અથવા થેરેસા મેની ટીકા કરતા હજારો મેસેજ દરરોજ પોસ્ટ કરવામાં આવે છે. બ્રિટિશ રાજકારણ વિશે ટ્વીટર પર પોસ્ટ કરાતા દર આઠમાંથી એક મેસેજ વેબ રોબોટ અથવા ‘બોટ્સ’ તરીકે જાણીતા ઓટોમેટેડ એકાઉન્ટ્સ દ્વારા મૂકાય છે. લોકોને એવું લાગે કે ખરેખર લોકો લેબર પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.

• હવે ટાલની સમસ્યા દૂર થઈ શકશે 

વૈજ્ઞાનિકોએ વાળને ખરતા અટકાવે તેવા કોષ શોધી કાઢ્યા પછી હવે ટાલની સમસ્યાનો ઈલાજ થઈ શકશે. તેમને જણાયું હતું કે રોગ પ્રતિકારક સિસ્ટમમાં બળતરાને નિયંત્રણમાં રાખતા ‘ટ્રેગ્સ’ કોષ વાળનો જથ્થો વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટ્રેગ્સ તરીકે જાણીતા ટી-સેલ્સ સામાન્ય રીતે પ્રતિકારક સિસ્ટમના અન્ય ભાગો વધુ પડતી પ્રતિક્રિયા આપે નહીં અને બેકાબૂ ન બને તેની તકેદારી રાખે છે. તેમાં કોઈ ગરબડ થાય તો તેનાથી એલર્જી થઈ શકે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter