ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન ૧૧ ઓક્ટોબરે હોલેન્ડના એક દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસમાં પ્રિન્સ વિલિયમ તેમની સાથે નહિ હોય. આ પ્રવાસમાં તેઓ શાહી નિવાસમાં કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર, ક્વીન મેક્સિમા અને તેમની ત્રણ પ્રિન્સેસ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, હેગ અને રોધરડેમમાં માનસિક આરોગ્ય અને બંધાણ સહિતના વિષયો પર રાઉન્ડ ટેબલ ચર્ચામાં જોડાશે. ડચેસ ઓફ કેમ્બ્રિજ કળાપ્રશંસક હોવાં સાથે નેશનલ પ્રોટેટ ગેલેરીના પેટ્રન છે ત્યારે ધ હેગમાં ઓલ્ટ માસ્ટર્સ ખાતે કળા પ્રદર્શન સહિત વિવિધ સંસ્થાઓની મુલાકાત પણ લેશે.
• લેરી સેન્ડર્સ વિટની બેઠક માટે ઉમેદવાર
યુએસના ડેમોક્રેટ નેતા બર્ની સેન્ડર્સના મોટા ભાઈ અને ગ્રીન પાર્ટીના પૂર્વ કાઉન્સિલર લેરી સેન્ડર્સ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ખાલી કરેલા વિટની, ઓક્સફર્ડશાયર સંસદીય મતક્ષેત્રથી ગ્રીન પાર્ટીના ઉમેદવાર બનશે. ટોરી પાર્ટીના ગઢસમાન આ બેઠક પરથી કેમરને ૨૨,૭૦૦ મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ગ્રીન પાર્ટીના ઉમેદવારને માત્ર ૫.૧ ટકા મત મળ્યા હતા. હાર્વર્ડ યુનિ.માંથી કાયદાશાસ્ત્રના ડીગ્રીધારી લેરી સેન્ડર્સ ૧૯૬૮થી ઓક્સફર્ડમાં રહે છે. સેન્ડર્સે કન્ઝર્વેટિવ ઉમેદવાર રોબર્ટ કોર્ટ્સ, સ્થાનિક લિબરલ ડેમોક્રેટ્સ કાઉન્સિલર લિઝ લેફમાન અને લેબર ઉમેદવાર ડન્કન એન્રાઈટનો સામનો કરવાનો રહેશે.
• લોર્ડ ઓ‘નીલનું થેરેસા સરકારમાંથી રાજીનામું
ગોલ્ડમેન સાશના પૂર્વ અર્થશાસ્ત્રી અને ટ્રેઝરી મિનિસ્ટર લોર્ડ ઓ‘નીલ ઓફ ગેટલી થેરેસા સરકારમાંથી રાજીનામું આપનારા પ્રથમ મિનિસ્ટર બન્યા છે. તેમણે નોર્ધર્ન પાવરહાઉસ અંગે થેરેસા મેની પ્રતિબદ્ધતા સામે પ્રશ્ન ઉઠાવવા સાથે કન્ઝર્વેટિવ પાર્ટી પણ છોડી દીધી હતી. વડા પ્રધાન મેએ લોર્ડ ઓ‘નીલ સરકાર છોડવા અંગે દિલગીરી વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નોર્ધર્ન પાવરહાઉસ અને ઈયુની બહાર વેપારી સંપર્કોના નિર્માણ અંગે પ્રતિબદ્ધ છે. પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન લોર્ડ ઓ‘નીલ ઓફ ગેટલીને સરકારમાં લાવ્યા હતા.
• ૯૦૩,૦૦૦ વર્કરના ઝીરો-અવર્સના કોન્ટ્રાક્ટ
યુકેના નોકરી ધરાવતાં વર્કફોર્સના ૨.૯ ટકા એટલે કે ૯૦૦,૦૦૦થી વધુ વર્કર ઝીરો-અવરના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. લેબર માર્કેટમાં એક જ વર્ષમાં અસુરક્ષિત નોકરીઓનું પ્રમાણ ૨૦ ટકા વધી ગયાનું યુનિયનો કહે છે. ઝીરો-અવરના કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્કરની સરખામણીએ સામાન્ય સરેરાશ વર્કર ૫૦ ટકા વધુ કમાય છે. બધા કર્મચારી માટે પ્રતિ કલાક સરેરાશ દર ૧૧.૦૫ પાઉન્ડ છે તેની સરખામણીએ ઝીરો-અવરના કોન્ટ્રાક્ટમાં વર્કર સરેરાશ ૭.૨૫ પાઉન્ડ મેળવે છે અને સપ્તાહમાં ૨૫ કલાક કામ કરે છે.

