NHS માં કેન્સરના નિદાન અને સારવારમાં ધરમૂળ પરિવર્તનથી ૨૦૨૦ સુધીમાં વર્ષે ૩૦,૦૦૦ જિંદગી બચાવી શકાશે. NHS England હેલ્થ સર્વિસના વડા સિમોન સ્ટીવન્સે દાવો કર્યો છે કે મહત્ત્વના સુધારાઓથી કેન્સરના પરીક્ષણોની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થશે. આના પરિણામે, તમામ દર્દીને માત્ર એક મહિનામાં નિર્ણાયક અને ચોક્કસ નિદાન કરી શકાશે અને ઝડપી સારવાર શક્ય બનશે. £૨ બિલિયનના ખર્ચે પુરાણા ઉપકરણો બદલાવાશે અને પાંચ વર્ષમાં બ્રિટનમાં વિશ્વસ્તરીય કેન્સર સેવા પ્રાપ્ત થશે.
• સાંસદોને વેતનવધારા ઉપરાંત £૫૦,૦૦૦નું ઉદાર પેન્શન બોનસ
પેન્શન નિષ્ણાતોના કહેવા અનુસાર સાંસદોને ૧૦ ટકાની વિવાદાસ્પદ વેતનવૃદ્ધિ સાથે £૫૦,૦૦૦નું ઉદાર પેન્શન બોનસ પણ મળશે. તમામ લાયક ૪૫૦ સાંસદો માટે ઉદાર પેન્શન પ્લાનના કારણે બ્રિટિશ કરદાતાઓના શિરે આશરે £૧૫ મિલિયનનો ભારે બોજ આવશે.નિષ્ણાતે જણાવ્યું હતું કે ૨૦૦૧માં ચૂંટાયેલા સાંસદને આખરી સેલરી પેન્શન બોનસ તરીકે £૫૦,૦૦૦ મળી શકશે.
• ઓર્ગન દાતાઓની અછતથી હજારો જિંદગી ખતરામાં
બ્રિટનમાં અવયવોનું દાન કરનારાની ભારે અછત પ્રવર્તી રહી છે. ગયા વર્ષે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની યાદી પર રહેલાં પેશન્ટ્સમાંથી ૪૨૯ પેશન્ટ મોતને ભેટ્યાં હતાં. હાલ યુકેની વસ્તીના ૩૧ ટકા એટલે કે આશરે ૧૯ મિલિયન લોકો ઓર્ગન ડોનેશન રજિસ્ટર પર છે. અવયવ પ્રત્યારોપણની તાકીદે જરુર હોય તેવા સેંકડો લોકોની જિંદગી ઓર્ગન ડોનેશનની કટોકટીના કારણે ખતરામાં આવી પડી હોવાની ચેતવણી એનએચએસ દ્વારા અપાઈ છે.
• ઉનાળામાં જન્મેલા બાળકો એક વર્ષ મોડાં શાળાએ જઈ શકશે
ઉનાળામાં જન્મેલા બાળકોને એક વર્ષ મોડાં શાળાએ જવાની છૂટ અપાય તેવી શક્યતા છે. આવા બાળકોનાં ૫૦ ટકાની જરુરિયાતો વધુ અને અલગ હોવાનું જાણવા મળ્યું છે. પોતાના વર્ગસાથીઓની સરખામણીએ વયમાં નાના હોવાથી આવા બાળકો પાછા પડી જતાં હોવાની સાબિતીઓ મળ્યાં પછી મિનિસ્ટર્સ દ્વારા સમીક્ષાનો આદેશ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં સપ્ટેમ્બર માસમાં જન્મેલા ૧૦,૦૦૦ બાળકની સરખામણીએ ઓગસ્ટ માસમાં જન્મેલાં ૧૧ વર્ષીય ૧૫,૦૦૦ બાળકોની જરુરિયાતો વિશિષ્ટ હોવાનું જણાયું હતું.