• કેશ મશીન્સના ઉપયોગ માટે ચાર્જ લાગશે

Saturday 21st January 2017 05:57 EST
 

બેન્કના કસ્ટમરોએ કેશ મશીન્સનો ઉપયોગ કરવા બદલ ચાર્જ ચુકવવો પડે તેવી શક્યતા છે. અત્યારે હજારો કેશ મશીન્સનો ઉપયોગ મફત થઈ શકે છે. સમગ્ર દેશમાં ૭૦,૦૦૦ કેશ મશીન્સને સાંકળતી લિન્ક નેટવર્કના ૩૯ સભ્ય તેમના ખર્ચામાં કાપ મૂકવાના ભારે દબાણ હેઠળ છે. તેમના ATMના ઉપયોગ માટે જે પી મળે છે તેના કરતા તેના સંચાલનમાં વધુ ખર્ચ આવે છે તેવી દલીલ સાથે તેમણે ચાર્જ વસુલવાની ધમકી આપી છે. બેન્કો અને ATM પ્રોવાઈડર્સે તેમના ગ્રાહકો હરીફ દ્વારા સંચાલિત ATM નો ઉપયોગ કરે ત્યારે એકબીજાને ઈન્ટરચેન્જ ફી ચૂકવે છે. આ ફીના પ્રમાણના વિવાદને ઉકેલવા એક બેઠક બોલાવાઈ છે.

• ડિઝલ વાહનો સરકારી કાફલામાં નહિ રખાય

વડા પ્રધાન થેરેસા મેએ પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખી સરકારી કાફલામાંથી તમામ ડિઝલ કાર્સ દૂર કરવાની પ્રતિજ્ઞા કરી છે. થેરેસાએ જણાવ્યું હતું કે સરકારે તેના ચોથા ભાગના વાહનોના સ્થાને પેટ્રોલથી ચાલતા વાહનોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. પ્રદુષણ ઘટાડવાના યુરોપિયન ઉત્સર્જન લક્ષ્યાંકો પાર ન પડાયાથી બ્રિટનમાં ડિઝલ સંચાલિત વાહનો દૂર કરવા અથવા તેના માલિકો પર ટેક્સ લાદવા ભારે દબાણ થઈ રહ્યું છે. ડિઝલ વાહનોના ધૂમાડાથી બ્રિટનમાં દર વર્ષે ૫૦,૦૦૦ લોકોનાં અકાળે મોત થાય છે.

• સુપરબગ્સના લીધે કેન્સરની સારવાર અશક્ય

શક્તિશાળી સુપરબગ્સ ૨૬ જેટલી એન્ટિબાયોટિક્સનો પ્રતિકાર કરતાં હોવાથી કેન્સરની સારવાર લગભગ અશક્ય બની જાય તેવી ચેતવણી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર સેલી ડેવિસે આપી છે. એન્ટિબાયોટિક્સનો ઉપયોગ અતિશય થતો હોવાથી રોગોના બેક્ટેરિયા દવાની અસરનો સામનો કરવાની શક્તિ જે દરે વિકસાવી રહ્યા છે તેના કારણે સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બની રહી છે. જો આ જોખમનો વેળાસર ઉપાય કરવામાં નહિ આવે તો અત્યારે જેની સારવાર શક્ય છે તેવા રોગોના લીધે લોકોનાં મોત થવાની સંખ્યા પણ વધી જશે.

• ખાનગી માલિકીના મકાનોનું મૂલ્ય £૫ ટ્રિલિયનથી વધુ

બ્રિટનમાં ખાનગી માલિકીના તમામ મકાનોનું કુલ મૂલ્ય સૌપ્રથમ વખત £૫ ટ્રિલિયનથી વધી ગયું છે, જે સમગ્ર અર્થતંત્રના કદ કરતા ત્રણ ગણું છે. આ ઝડપી વૃદ્ધિથી ૫૦થી વધુ વયના ઘરમાલિકો, લેન્ડલોર્ડ્સ અને લંડનવાસીઓને ભારે લાભ થયો હોવાનું એસ્ટેટ એજન્ટ્સ જણાવી રહ્યા છે. આ મૂલ્યમાં સોશિયલ હાઉસિંગનો સમાવેશ કરાયો નથી, જેમાં ગત ત્રણ વર્ષમાં ૧.૬ ટ્રિલિયન પાઉન્ડનો વધારો થયો છે. યુકેના ઉત્તર અને દક્ષિણ વિસ્તારો તેમજ લંડન અને સાઉથવેસ્ટ પ્રદેશના ઘરનાં મૂલ્ય ૩ ટ્રિલિયન પાઉન્ડથી વધુ અંકાય છે, જે યુકેની સોશિયલ હાઉસિંગ સહિતની સમગ્ર હાઉસિંગ સંપત્તિ-૬.૭૯ ટ્રિલિયન પાઉન્ડનો લગભગ અડધો હિસ્સો છે.

• ડિસેમ્બરમાં મકાનોનું વેચાણ ઘટ્યું

ધ રોયલ ઈન્સ્ટિટ્યુશન ઓફ ચાર્ટર્ડ સર્વેયર્સના અભ્યાસ અનુસાર ૨૦૧૬ના આખરી મહિના ડિસેમ્બરમાં મકાનોનું વેચાણ વધવાના બદલે ઘટી ગયું હતું. આ માટે બ્રેક્ઝિટ વાટાઘાટોના પરિણામોની રાહ, આર્થિક અનિશ્ચિતતા, સ્ટેમ્પ ડ્યૂટી ટેક્સીસ અને ઊંચી કિંમતો જવાબદાર ગણાવાય છે, જેના લીધે ઘરમાલિકો સ્થળાંતર કરવામાં હિચકિચાટ અનુભવે છે. આગામી ત્રણ મહિનામાં વેચાણમાં વધારો થશે તેમ માનનારા સંસ્થાના સભ્યોમાં માત્ર ચાર ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, દેશના કુલ હાઉસિંગનો મોટો જથ્થો વૃદ્ધ લોકોના હસ્તક છે જેઓ સ્થળાંતર ઓછું કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter